Gondal : શહેરમાં રખડતા શ્વાનનો આતંક, 25થી 30 લોકોને બચકાં ભર્યા
અહેવાલ---વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અવાર નવાર રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં આજે વહેલી સવારે શહેરના ભુવનેશ્વરી મંદિર પાસે રખડતા શ્વાને અલગ અલગ 25-30 જેટલા લોકોને બાચકાં ભર્યા હતા. ભુવનેશ્વરી મંદિર પાસે પસાર થતા નાના મોટા તેમજ મહિલાઓ સહીત 25-30 જેટલા લોકોને કરડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
મંદિરે દર્શને આવતા ભક્તોને બચકા ભર્યા
ગોંડલ શહેરમાં આજ વહેલી સવારે શ્વાનનો આતંક જોવા મળ્યો હતો. ભુવનેશ્વરી મંદિર પાસે રખડતા ભટકતા શ્વાને મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને બચકાં ભર્યા હતા. શ્વાને જાણે આખા વિસ્તારને બાનમાં લીધો હોય તેમ 25 - 30 લોકોને બચકા ભર્યા હતા.
4 વર્ષના બાળકને શિકાર બનાવ્યો
શ્વાને વહેલી સવારે 25 - 30 રાહદારીઓને બચકાં ભરતા ઇજાગ્રસ્તો સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે પોહચ્યા હતા. શ્વાને નાના બાળકોને પણ છોડ્યા ન હતા. કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ મંદિર પાસે મજૂરી કામ કરતી માતા સાથે બાળક રમી રહ્યું ત્યારે શ્વાને નાના 4 વર્ષના બાળકને શિકાર બનાવી બચકા ભર્યા હતા.
તંત્ર કાર્યવાહી કરે તે પહેલા રાહદારીઓએ શ્વાનને પતાવી દીધો
ગોંડલ શહેરમાં દિવસે ને દિવસે રખડતા શ્વાનના આતંક ને લઈને લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે આજરોજ મહાદેવ વાડી વિસ્તારને એક શ્વાને બાનમાં લીધું હતું. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ રાહદારીઓએ શ્વાનનો પીછો કરી શ્વાનને પતાવી દીધો હતો. ત્યારે આસપાસ ન સોસાયટીમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રખડતા શ્વાન આતંક સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રખડતા ઢોરના આતંકથી અનેક લોકોના જીવ ગયા છે તો અનેકને ઈજાઓ થવા પામી હતી. હવે હાલમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે શ્વાનના આતંકમાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો-----AHMEDBABAD : SABARMATI ખાતે તૈયાર થયું ભારતની પહેલી BULLET TRAIN નું STATION,રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો