શ્વાનોના આતંકથી થરથર કાંપી રહ્યું છે સમઢિયાળા ગામ, બે મહિનામાં 9 મી વખત બાળકો પર કર્યો હુમલો
બગસરાના સમઢીયાળા ગામે શ્વાનનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે અને એકલા નીકળતા બાળકોને શ્વાનો ભેગા મળીને હુમલા કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતું હોવાથી સમઢિયાળા ગામમાં શ્વાનોએ ભયનું વાતાવરણ ઉભુ કરી દીધું છે. ત્યારે એક બાળકને ઈજા પહોંચાડતા 108 દ્વારા બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
અમરેલીના બગસરા તાલુકાના સમઢીયાળા ગામે છેલ્લા બે મહિનાથી ગામની અંદર શ્વાને હાહાકાર મચાવી દેતા 8 થી 9 બાળકોને શ્વાને ઇજાઓ પહોંચાડતા બાળકોને પ્રથમ સારવાર અર્થે બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયેલા છે. ત્યારે ઘણા બાળકોને અમરેલી રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે તંત્રને અવાર નવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા હજી સુધી શ્વાનોને ગામેથી દૂર ન કરતા ફરી એક બાળકને શ્વાનોએ નિશાને લેતા 108 મારફતે તાત્કાલિક બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયેલ છે. સમઢીયાળા ગામે ભનુભાઇ કસવાળાની વાડી વિસ્તારમા પ્રાંતિય મજૂરોનો બાળક રમતા હતો તે દરમિયાન અચાનક જ બે-ત્રણ શ્વાન આવી હુમલો કરતાં બાળકને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક 108 મારફતે બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો. વાડી ખેતરમાં નથુભાઈ ડામોર કામ કરી રહ્યા હતા, ત્યારે તેમનો બાળક સુનિલ રમતો હતો તે દરમિયાન અચાનક જ શ્વાનોએ બાળક ઉપર હુમલો કર્યો. બાળકને 108 દ્વારા બગસરા સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેને અમરેલી રિફર કરવામાં આવ્યો. 108 સમયસર પહોંચી બાળકનો જીવ બચાવી લેતા લોકોએ હાશકારો લીધો છે. ત્યારે હવે ગામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સમઢિયાળા ગામમાં રખડતાં ભટકતા અને અવાર-નવાર હુમલા કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા શ્વાનોને ગામથી તંત્ર જલ્દી જ દૂર કરે. ભનુભાઈ કસવાળા સહિતના અગ્રણીઓએ શ્વનોના આંતકથી છુટકારો મેળવવા તંત્રને ફરી એકવાર વિનંતી કરી છે.
આ પણ વાંચો - ગેંગસ્ટર LOWRENCE BISHNOI ને કચ્છની કોર્ટમાં મંગળવારે રજૂ કરાશે