ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિંમતનગર અને તલોદમાં 4 ઇંચ, પ્રાંતિજમાં માત્ર બે કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો

Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાં અષાઢ મહિનાના ઉતરાર્ધમાં મેઘરાજાએ હેત વરસાવ્યો હોય તેમ જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર, ઇડર, વડાલી અને વિજયનગર તાલુકામાં મેઘમહેર કરી છે. સોમવારે પ્રાંતિજ તાલુકામાં બે કલાકમાં અંદાજે 5.5 ઇંચ વરસાદ થવાને કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારો...
09:34 AM Jul 30, 2024 IST | VIMAL PRAJAPATI
Himmatnagar Heavy Rains

Himmatnagar: સાબરકાંઠા જિલ્લામાં અષાઢ મહિનાના ઉતરાર્ધમાં મેઘરાજાએ હેત વરસાવ્યો હોય તેમ જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર, ઇડર, વડાલી અને વિજયનગર તાલુકામાં મેઘમહેર કરી છે. સોમવારે પ્રાંતિજ તાલુકામાં બે કલાકમાં અંદાજે 5.5 ઇંચ વરસાદ થવાને કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદથી તરબોળ બની ગયા હતા. તેજ પ્રમાણે હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ મેઘરાજાની મહેરને કારણે ગરમી ગાયબ થયા બાદ ઠંડક પ્રસરી છે. હિંમતનગરમાં પણ સવારથી બપોર સુધીમાં અંદાજે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથો સાથ ઇડરમાં 2 તથા વડાલી અને વિજયનગરમાં પણ દોઢ ઇંચથી વધુ વરસાદ થતા ધરતીપુત્રો સહિત આમ પ્રજામાં ખુશીની લહેર વ્યાપી છે.

તલોદ તાલુકામાં અંદાજે 109 મીમી વરસાદ વરસ્યો

ડિઝાસ્ટર વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે આખો દિવસ જિલ્લામાં વરસાદ ન પડવાને કારણે લોકોએ આકાશભણી મીટ માંડીને મેઘરાજાને પધારાવા માટે વિનવી રહ્યા હતા. જોકે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મામાં 7 મીમી, વિજયનગરમાં 23 મીમી, વડાલીમાં 12 મીમી, ઇડરમાં 21 મીમી, હિંમતનગરમાં 5 મીમી, જયારે પ્રાંતિજ અને તલોદમાં 3 મીમી વરસાદ પડયો હતો. તો બીજી તરફ સોમવારે સવારથી વરસાદી સિસ્ટમ સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બનતા સવારથી જ આકાશ વાદળોથી છવાઇ ગયુ હતુ. જેના પરિણામ સ્વરૂપે પ્રાંતિજ તાલુકામાં સોમવારે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 12 મીમી અને 10 થી 12 વાગ્યા સુધીમાં જાણે કે આભા ફાટયુ હોય તેમ બે કલાકમાં 5.5 ઇંચ મુશળધાર વરસાદ પડતા પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ બની ગયા હતા. હિંમતનગર તાલુકામાં પણ 114 મીમી અને તલોદ તાલુકામાં અંદાજે 109 મીમી વરસાદ વરસ્યો હતો.

પોશીના તાલુકો સોમવારે વરસાદથી વંચિત રહ્યો

સોમવારે સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. એટલુ જ નહી પણ હિંમતનગર, પ્રાંતિજ અને ઇડરમાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. જોકે બપોર બાદ ઉઘાળ નિકળ્યો હતો. તેમ છતા રાત્રે વધુ વરસાદ થવાની શકયતા નકારી શકાતી નથી. દરમિયાન હિંમતનગરમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં અંદાજે 95 મીમી વરસાદ પડયો હતો. જયારે તલોદમાં પણ 86 મીમી વરસાદ થયો છે. જોકે ગમે તે કારણસર વરસાદી સિસ્ટમની અસરોના અભાવે પોશીના તાલુકો સોમવારે વરસાદથી વંચિત રહ્યો હતો. તેમ છતા વિજયનગર તાલુકામાં સોમવારે 12 થી 2 વાગ્યા સુધીમાં 39 મીમી, વડાલીમાં 38 મીમી, જયારે ઇડરમાં પણ સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 48 મીમી વરસાદ પડયો હતો. જોકે બપોર બાદ નિકળેલા ઉઘાડને કારણે આકાશ ખુલ્લુ થઇ ગયુ હતુ.

હિંમતનગર અને પ્રાંતિજમાં શાળાઓ બંધ રહી

સતત વરસાદને કારણે પ્રાંતિજ અને હિંમતનગર (Himmatnagar )માં સોમવારે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે ખાનગી અને સરકારી સ્કૂલોમાં બાળકોના હિત ખાતર રજા જાહેર કરવામાં આવી હતી. જેના લીધે નાના બાળકોને મજા પડી ગઇ હતી. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર રોડની બન્ને સાઇડમાં બનાવાયેલી વરસાદી પાણીના નિકાલની નાની કેનાલ પાસે બનાવાયેલ ગટર ખુલ્લી હોવાથી સોમવારે સવારના સુમારે અહીંથી પસાર થતા નાના મોટા મળી 10 વાહનો ખોટકાઇ ગયા હતા. સાબરકાંઠા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે સદનસીબે હિંમતનગરમાં બે વાહન હાઇવે પર ભરાયેલા પાણીના ખાડાઓમાં ફસાઇ ગયા હતા. તે સિવાય જિલ્લામાં કોઇ નુકશાન કે જાનહાની થવા પામી નથી એમ ડિઝાસ્ટર વિભાગના સુત્રોમાંથી જણાવાયુ હતુ.

સોસાયટીઓના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી તરવા માંડી

હિંમતનગર અને પ્રાંતિજમાં સતત પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલ સોસાયટીઓના ઘરોમાં ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા. જેના ભાગરૂપે છાપરીયા વિસ્તારની અનેક સોસાયટીઓ, બેરણા રોડ, યશસ્વી બંગલોઝ, છાપરીયામાં આવેલ આરોગ્ય કેન્દ્ર સહિત અન્ય ઠેકાણે ઘરોમાં પાણી ભરાઇ જવાને કારણે નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ પંપ સેટ સાથે વિવિધ વિસ્તારોમાં જઇ લોકોની હાલાકી દુર કરવા માટે ઘરોમાંથી પાણી બહાર કાઢવા માટે કામે લાગ્યો હતો.

ધારાસભ્ય હમીરગઢ પહોંચી ગયા

હિંમતનગર (Himmatnagar) તાલુકાના હમીરગઢ ગામેથી પસાર થતી રેલ્વે લાઇનના અંડર બ્રીજમાં વધુ વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હોવા છતા હિંમતનગર ડેપોની એક બસ અંડર બ્રીજમાં થઇને જતી હતી. પરંતુ વધુ પાણીને કારણે લગભગ બસનો છાપરા સિવાયનો તમામ ભાગ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. સદનસીબે હિંમતનગરથી કુંપ જતી બસમાં કોઇ મુસાફર બેઠેલા ન હતા. જેથી મોટી દુઘર્ટના થતા રહી ગઇ છે. પરંતુ બસના ડ્રાઇવર અને મહિલા કંડકટરે સમયસુચકતા વાપરીને બસના છાપરા પર ચઢી ગયા હતા. ત્યારબાદ ગ્રામજનોએ મહામહેનતે તેમને બહાર કાઢયા હતા. ઘટનાની જાણ થતા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હમીરગઢ ગામની મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી.

હાથમતી નદીમાં નવા નીર આવ્યા

સોમવારે સવારના સુમારે હિંમતનગર (Himmatnagar )માંથી પસાર થતી હાથમતી નદીના ઉપરવાસમાં પડેલા વ્યાપક વરસાદને લઇને હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા. જેને લઇને નદીનું દ્રશ્ય ખુબજ રળિયામણુ અને મનમોહક લાગતુ હતુ. નદી વહેતી થવાને કારણે નદી પટમાં તથા કિનારે નાખવામાં આવતો કચરો પણ પાણીના પ્રવાહ સાથે વહી ગયો હતો.

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: Mehsana: કડીમાં એક જ પરિવારના ત્રણ લોકોએ કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો: અમદાવાદમાં સ્કેટિંગ, બોક્સીંગ અને રસ્સાખેંચ રમતના ડેમોસ્ટ્રેશનનું આયોજન

Tags :
latest newsSabaarkantha Heavy RainsSabaarkantha NewsSabaarkantha RainsSabaarkantha Rains Update
Next Article