Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot: 7 જુલાઇ રાજકોટ સ્થાપના દિવસ,રાજવીઓએ સ્થાપેલી વિરાસતો આજે પણ અડીખમ

અહેવાલ -રહિમ લાખાણી ,રાજકોટ    7 જુલાઈ રાજકોટનો સ્થાપના દિન છે ત્યારે 400 વર્ષ પહેલા ઈ. સ. 1610 મા જાડેજા રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું, ઉંચાઇ ઉપર હોવાથી રાજુ સંધિના નામ ઉપરથી જ...
04:59 PM Jul 07, 2023 IST | Hiren Dave

અહેવાલ -રહિમ લાખાણી ,રાજકોટ 

 

7 જુલાઈ રાજકોટનો સ્થાપના દિન છે ત્યારે 400 વર્ષ પહેલા ઈ. સ. 1610 મા જાડેજા રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું, ઉંચાઇ ઉપર હોવાથી રાજુ સંધિના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું. શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડીના નાકા અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈ ઉપર વસેલું હતું.

સમય જતા મોગલ વંશનું શાસન ફેલાતા ઈ. સ.1776 મા જૂનાગઢના નાયબ ફોજદાર માસુમખાને સરધાર કબજે કરી રાજકોટમા થાણું નાખીને રાજકોટનું નામ માસૂમાબાદ કર્યું. સમય જતાં અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવારની છત્રછાયા મળી. રાજકોટના રાજવીઓએ ધર્મેન્દ્રસિંહજી લો કોલેજ, રાજકુમાર કોલેજ, ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ, પ્રતાપ કુંવરબા સ્કુલ, બાવાજીરાજ સ્કૂલ, લાખાજીરાજ લાઇબ્રેરીનું નિર્માણ કરાવ્યુ. તત્કાલીન દુકાળને પહોંચી વળવા લોકોને રોજગારી મળી રહે તે માટે રાજવીઓ દ્વારા પેલેસ રોડ ઉપર રણજીત વિલાસ પેલેસનું નિર્માણ કરાવાયુ હતું.

રાજવીઓનું  મોટું  યોગદાન  રહ્યું હતું

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી તત્કાલીન રાજકોટના પ્રજા વત્સલ રાજવી બાવાજીરાજના દીવાન હતા. આ સંબંધના નાતે રાજકોટનું રાજપાટ તત્કાલીન રાજવીશ્રી ધર્મેન્દ્રસિંહજીએ લોકશાહીને મજબૂત બનાવવા સરળતાથી રાજકોટ રાજય ગાંધીજીને સોંપી દીધું હતું. રાજાશાહી સમયમાં ટ્રેન સેવા માટે રાજવીઓએ મોટું દાન પણ આપ્યું હતું. જે તે સમયે મચ્છરોનો ત્રાસ પણ ખૂબ વધતા રાજવીએ સૌપ્રથમ પોતાના મહેલમાંથી મચ્છર જાળી કાઢી લોકોને સુરક્ષિત કરવા આપી દીધી હતી. આમ પ્રજા વત્સલ રાજવી તરીકેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું.

રાજકોટનો અવિરત વિકાસ થતો રહ્યો છે 

રાજકોટને પ્રજા વત્સલ અને લોક-ખેવનાવાળા રાજવીઓ મળ્યા તેના કારણે રાજકોટનો અવિરત વિકાસ થતો રહ્યો, જે લોકશાહીમાં પણ આગળ વધતો જ રહ્યો છે. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું અને ઉચ્છરંગરાય ઢેબર જેવા લોકપ્રિય મુખ્યમંત્રી પણ રાજકોટને મળ્યા, જેમણે રાજકોટના વિકાસને આગળ વધાર્યો.

1942 મા પ્રથમ કાપડ મિલ શરૂ થઈ
1 મે 1960 ના સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ભળી ગયું અને આજદિન સુધી રાજકોટે વિકાસના મામલે પાછળ વળીને જોયું નથી. 1938 માં રાજકોટમાં પ્રથમ જીનમીલ કરણપરામાં ચાલુ થઇ હતી. 1942 મા પ્રથમ કાપડ મિલ શરૂ થઈ. 1952 માં એશિયાના સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એરીયા ભક્તિનગરમાં શરૂ થયો. આજે રાજકોટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ દેશ અને દુનિયામાં અગ્રેસર છે.

રાજકોટમાં પૂ. મહાત્મા ગાંધીનુ નિવાસ સ્થાન કબા ગાંધીનો ડેલો, પૂ.બાપુએ સાત વર્ષ અભ્યાસ કર્યો તે જૂની આલ્ફ્રેડ હાઇસ્કુલ (હાલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ), રિજીયોનલ સાયન્સ સેન્ટર તથા જિલ્લામાં ઓસમ ડુંગર, ખંભાલીડાની ગુફાઓ, ઘેલા સોમનાથ, મિનળવાવ, વિરપુર જેવા અનેક દર્શનીય સ્થળો આવેલા છે.

 

રાજકોટ શૈક્ષણિક ક્ષેત્રે પણ અવ્વલ છે

રાજકોટ શૈક્ષણિક ક્ષેત્રે પણ અવ્વલ છે. વિદેશી તથા એન.આર.આઈ વિદ્યાર્થીઓ પણ હાલમાં રાજકોટમાં અભ્યાસ કરી રહ્યા છે.આરોગ્ય ક્ષેત્રે પણ રાજકોટમાં અનેક ખાનગી અને સરકારી સ્તરે એઈમ્સ જેવી આલા દરજ્જાની સંસ્થાઓ કાર્યરત છે. જે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.આતરમાળખાકીય સુવિધા ક્ષેત્રે રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ, વગેરે ક્ષેત્રોની દરેક સવલત સાથે આજે સૌની યોજના દ્રારા રાજકોટમાં દરેક ઘરે પાણીની સવલત પણ ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રમા કોઈ બારમાસી નદી ન હોવાથી આ અછતગ્રસ્ત વિસ્તારમાં પાણીની સમસ્યાના નિવારણ અર્થે રાજય સરકારે હજારો કિ. મી. અંતરની પાઈપલાઈન દ્વારા નર્મદાના નીર રાજકોટના ઘરે ઘરે પહોંચાડયા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ માટે ખંઢેરી સ્ટેડિયમ પણ કાર્યરત છે
રમત ગમત માટે અનેક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ માટે ખંઢેરી સ્ટેડિયમ પણ કાર્યરત છે. કલા અને સંસ્કૃતિને પ્લેટફોર્મ પૂરું પાડવા સરકારી સ્તરે હેમુ ગઢવી હોલ, અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ અને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ કાર્યરત છે, જેમાં અનેક રાષ્ટ્રીય સ્તરના નામી કલાકારોએ પોતાની કલા રજૂ કરી છે.

રાજકોટ પાસે ડોમેસ્ટિક એરપોર્ટની સુવિધા વર્ષોથી હતી

આધુનિક સમયમાં પરિવહન ક્ષેત્રે પણ રાજકોટે કેટલાક આયામો સ્થાપિત કર્યા છે.જેમાં દેશના પ્રમુખ શહેરો સાથે રેલ સેવા, બસ સેવાઓ સાથે જોડાયું છે. રાજકોટથી કન્યાકુમારી જમ્મુ, જગન્નાથપુરી સાથે સીધી જ રેલ સેવા જોડાયેલી છે તો હવાઇ ક્ષેત્રે રાજકોટ પાસે ડોમેસ્ટિક એરપોર્ટની સુવિધા વર્ષોથી હતી જ, જેની સાથે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી આપવા હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પણ હાલ નિર્માણાધીન છે. જે શરૂ થતાં આંતરરાષ્ટ્રીય હવાઈ સુવિધાનો લાભ રાજકોટની પ્રજાને મળશે અને દુનિયાના કોઈ પણ સ્થળે સૌરાષ્ટ્રવાસીઓ સરળતાથી જઈ શકશે.

રાજકોટ મોરબી વચ્ચે પણ સિકસલેન માર્ગ નિર્માણાધીન છે

રાજકોટમાં કુદકે ને ભુસકે વધતા વિકાસની સાથે વસ્તી પણ અંદાજે 30 લાખ સુધી પહોંચી છે ત્યારે રાજકોટથી પ્રમુખ શહેરોને જોડતા સડક માર્ગો પણ ફોરલેન- સિકસ લેન બની ચૂક્યા છે.રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આઝાદી પહેલાનો ભાવનગરના રાજા દ્રારા નિર્મિત કેસરી જય હિન્દ પુલ,પારેવડી ચોક બ્રિજ,ઉપરાંત નવા બનેલ સિવિલ હોસ્પિટલ બ્રિજ, કે.કે.વી બ્રિજ, 150 ફૂટ બ્રિજ, ગોંડલ ચોકડી બ્રિજ નિર્માણ થઈ ચૂક્યા છે. રાજકોટ અને સોમનાથ વચ્ચે પણ ફોરલેન હાઈવે સિકસલેન બનવાની તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે રાજકોટ-અમદાવાદ સિકસ લેન નિર્માણાધીન છે.રાજકોટથી દ્વારકા વચ્ચે પણ ફોરલેન જ્યારે રાજકોટ મોરબી વચ્ચે પણ સિકસલેન માર્ગ નિર્માણાધીન છે.

 

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પણ રાજકોટએ દેશમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે રાજકોટના સોના, ચાંદી તથા ઇમિટેશન જ્વેલરી દેશ તથા દુનિયામાં અને બોલીવુડમાં પણ અત્યંત લોકપ્રિય થઈ છે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું તમામ ક્ષેત્રોનું હબ છે ત્યારે રાજકોટની આ અનેક સફળતાઓ અને પ્રગતિ સાથે રાજકોટને તેનો 413 મો જન્મદિવસ મુબારક.

આપણ  વાંચો-મહેસાણામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં મામલે ભયંકર માથાકૂટ, ટોળાઓ દ્વારા પથ્થરમારો કરાયો

 

Tags :
Bedinaka TowerEstates established by royalsJam TowerRajkot Foundation Day
Next Article