મિયાણી દરિયાકાંઠા વિસ્તારમાં ૫૦ હજાર ચેરના વૃક્ષનું વાવેતર પૂર્ણ, કાંઠાના ગામોને સુરક્ષિત કરવાનો હેતુ
અહેવાલઃ કિશન ચૌહાણ, પોરબંદર
આગાખાન એજન્સીનું ગ્લોબલ વોર્મિંગ સામે ચેરના વૃક્ષ વાવેતરનું અભિયાન
ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે ગ્લોબલ વોર્મિંગનાં કારણે સતત કલાઇમેન્ટ ચેન્જ થઇ રહ્યું છે. કલાઇમેન્ટ ચેન્જના કારણે સૌથી વધુ નુકશાન દરિયા કિનારાના વિસ્તારોમાં થઇ રહ્યું છે. જેની અસરો પોરબંદર સહિત રાજ્યનાં દરિયાઇ વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી રહી છે. અવાર-નવાર દરિયામાં વાવાઝોડા ઉદભવી રહ્યાં છે. કલાઇમેન્ટ ચેન્જની આડઅસરોને રોકી શકાય તે માટે પોરબંદર જિલ્લાનાં દરિયા કિનારે આવેલ ૧૦ ગામો કે જયાં વાવાઝોડા તેમજ દરિયાઇ પાણીના સ્તર આગળ આવવાની સંભાવના વર્તાઇ રહી છે. તેવા ગામોમાં કઇ રીતે સાધન સામગ્રી વડે રક્ષણ મેળવી શકાય તેવા હેતુથી આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયા અને એરિકસન ગ્લોબલ સર્વિસ દ્વારા કલાઇમેન્ટ ચેન્જ અંતર્ગત મિયાણી ગામે એક લાખ ચેરના વૃક્ષનું વાવેતરનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પ૦ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર થઇ ગયું છે. મિયાણી બ્રહ્માજી મંદિરની પાછળ આવેલ ખાડી કાંઠા વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે
ગુજરાત રાજ્ય 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. કલાઇમેન્ટ ચેન્જને લીધે દરિયાકાંઠાના ગામો પર સંકટ તોળાઇ રહ્યું છે. . આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઇન્ડિયા અને એરિકસન ગ્લોબલ સર્વિસ દ્વારા ઘણાં સમયથી દરિયાકાંઠાનાં ગામડાઓમાં વિવિધ પ્રોજેકટ ચલવવામાં આવી રહ્યાં છે. જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના ગામડાઓમાં જે ખાડી કાંઠા વિસ્તાર છે ત્યાં ચેરનાં વૃક્ષોનું વાવેતર કરવાનો પ્રોજેકટ મહત્વનો છે. ત્યારે મયાણી બ્રહ્માજી મંદિરનાં પાછળ ખાડીકાંઠા વિસ્તારમાં એક લાખ ચેરના વૃક્ષનો વાવેતરનો પ્રોજેકટ ચાલી રહયો છે. અને અત્યાર સુધીમાં પ૦ હજાર ચેરના વૃક્ષોનું વાવેતર થઇ ચુકયું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ચેરનાં વૃક્ષોનું વાવેતર ખુબ મહત્વનું ગણાય છે.આજે ગ્લોબલ વોર્મિંગના લીધે દરિયાકાંઠાના ગામડાઓ પર જોખમ મંડરાઇ રહ્યું છે. જેથી કુદરતી દરિયાઇ આફતો સામે ચેરનાં વૃક્ષોનું વાવેતર તે ખુબજ મહત્વનું ગણી શકાય છે.
પર્યાવરણને બચાવવા ચેરનાં વૃક્ષ સૈનિક સમાન
દરિયાકાંઠાને સુરક્ષાની સાંકળ આપવાનો સફળ પ્રયાસ ચેરના વૃક્ષના વાવેતર દ્વારા કરાયો છે. ચેરના વૃક્ષોથી ફુલ, ફળ મળતાં નથી પરંતુ તેના કારણે પર્યાવરણ બચાવવા માટે તેમજ અનેક પ્રકારે ઉપયોગી થતાં હોય છે. ખાસ કરીને વાવઝોડા કે સુનામી સમયે દરિયાઇ મોજાની સામે ચેરના વૃક્ષ દિવાલ જેવું કામ કરે છે. જેને પર્યાવરણ બચાવવા માટેનાં સૈનિક પણ ગણવામાં આવે છે. ઉપરાંત ચેરના વૃક્ષો ખારાશનું શોષણ કરે છે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતરોની ફળદ્રુપતા વધે છે. જમીનનાં તળના પાણીની ખારાશ ઓછી થતાં હવે ટાપુઓ પર ખેતી શક્ય બની છે. દરિયાને આગળ આવતા રોકે છે અને જમીનનું ધોવાણ પણ ચેરના વૃક્ષો અટકાવે છે. ચેરના જંગલો વિવિધ જાતિની માછલીઓ માટે પ્રજનન અને ખોરાક તેમજ પક્ષીઓ માટે આશ્રય સ્થાનો પુરા પાડે છે. ચેરના વૃક્ષો દરિયાકાંઠા વિસ્તારમાં લીલીસાંકળ જોવા મળે છે. જે અનેક પ્રકારે ફાયદાકારક સાબીત થઇ રહી છે.