પાદરા : નર્મદા કેનાલમાંથી શ્રમજીવી દંપતીની હત્યા કરી ફેંકી દેવામાં આવેલી લાશ મળી આવતા ચકચાર
અહેવાલ - વિજય માલી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે રહેતા શ્રમજીવી દંપતીની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પાદરા પોલીસ મથકના પી.આઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ નજીક ઝૂંપડું બનાવીને રહેતા 55 વર્ષીય રમણભાઈ ફતેસિંહ સોલંકી અને તેમના પત્ની ધની ઉર્ફે ગગીબેન દિવસ દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી કચરો વીણી તેને વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગત રોજ કોઈ અજાણ્યા ઈસમો દ્ધારા દંપતિ પર તીક્ષ્ણ હથિયાર વળે હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. ધારિયાથી હુમલો કરી શ્રમજીવીનું ભેજું પણ બહાર કાઢી નાખેલ ત્યાર બાદ દંપતીની લાશને ગોદડીમાં વીંટાળી નર્મદા કેનાલના પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. નર્મદા કેનાલ માંથી હત્યા કરેલ હાલતમાં દંપતીની લાશ મળી આવી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા નર્મદા કેનાલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા.
સમગ્ર મામલે પાદરા પોલીસને જાણ થતા પાદરા પોલીસ મથક ના એસ .પી સહિત એસઓજી, એલસીબી ની ટીમનો પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક શ્રમજીવીના ઝુંપડા પાસે લોહીના નિશાન મળી આવ્યા હતા. પોલીસે હાલ દંપતીના મૃતદેહને નર્મદા કેનાલ માંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. જોકે હાલ હત્યાનું કારણ અકબંધ છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ડોગ સ્કોડ સહિત ટીમની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે