Pagpala Sangh: ‘શ્રી રણછોડરાય સેવા સંઘ’ દ્વારા સતત 50મી વખત પગપાળા સંઘનું આયોજન
Pagpala Sangh: હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. જેથી લોકો તૈયારીઓ પણ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ધાર્મિક સ્થળો પર હોળીના તહેવારમાં દર્શને જવાનો વધારે મહિમા રહેલો છે. ગુજરાતમાં પણ હોળીને લઈને લોકો તૈયારી કરી રહ્યાં છે. ગુજરાતના લોકો હોળી પર ધાર્મિક સ્થળોએ પગપાળા જતા હોય છે. ધાર્મિક સ્થળોમાં પણ ખાસ કરીને દ્વારકા અને ડાકોર જેવા માધવ-કૃષ્ણના દર્શન કરવાનો મહિમા ખુબ જ વધારે છે.
49 વર્ષથી થાય છે પગપાળા સંધનું આયોજન
અત્યારે વાત કરવાની એક એવા સંઘની જે હોળીના તહેવારમાં છેલ્લા 49 વર્ષથી પગપાળા સંધનું આયોજન કરે છે. મહત્વની વાત એ છે કે, આ વર્ષે 50મી વખત આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે, આ વર્ષે આ સંઘ ગોલ્ડન જુબલી ઉજવીને 50મી વખત સંઘ લઈને જવાના છે. જી હા, અમદાવાદના દરિયાપુરનું ‘શ્રી રણછોડરાય સેવા સંઘ’ છેલ્લા 49 વર્ષથી ડાકોર પગપાળા જવાનું આયોજન કરે છે. એટલું જ નહીં પરંતુ આ સંઘની લોકોમાં દર વર્ષે ઉતરોત્તર પદયાત્રીઓનો સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. આ સંઘ દરિયાપુરથી ચાલતા ડાકોર જાય છે. ત્યારે 5 દિવસે તેઓ ડાકોર મંદિરે પહોંચતા હોય છે.
ભગવાન શ્રીકૃષ્ણને ધજાઓ પણ અર્પણ કરાશે
આ ‘શ્રી રણછોડરાય સેવા સંઘ’ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ કાળિયા ઠાકરને ધજાઓ પણ અર્પણ કરવામાં આવે છે. હોળીના તહેવારમાં આ સંઘ લઈને જવાનો મહિમા અનેરો હોય છે. આ સંઘ છેલ્લા 49 વર્ષથી પગપાળા સંઘ લઈ જવાનું આયોજને કરે છે અને તેમાં અન્ય લોકો પણ જોડાઈ શકે છે. તેના માટે ‘શ્રી રણછોડરાય સેવા સંઘ’ દ્વારા ‘kadvapole.org’ નામે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. જેમાં નામની નોધણી કરાવીને તમે પણ સંઘમાં જોડાઈ શકો છો.
સેવાભાવીઓ ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં જોતરાઈ ગયા
વધુ વિગતે વાત કરવામાં આવે તો આ સંધના પ્રમુખ આગેવાનો દ્વારા ખેડા જિલ્લામાં સંઘમાં આવતા શ્રદ્ધાળુઓ માટે વિસામો કરવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સેવાભાવીઓ ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં જોતરાઈ ગયા છે. સંઘના આગેવાનો દ્વારા પદયાત્રીઓ સહિત દર્શનાર્થીઓ માટે 550 કિલો મગસનો પ્રસાદ પણ તૈયાર કર્યો છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ પ્રસાદ લેવા માટે એક બારકોડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી દરેક પગાપાળા યાત્રી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ મળી રહે.ઉલ્લેખનીય છે કે, આ બોરકોડને સ્કેન કરીને પ્રસાદની નોંધણી કરાવી શકાય છે.
અંદાજે 900 લોકો અમારી સાથે હશેઃ પગયાત્રાના આયોજક
‘શ્રી રણછોડરાય સેવા સંઘ’ દ્વારા આયોજિત પગયાત્રાના આયોજક તારકભાઈ જણાવે છે કે, ‘પહેલા વર્ષે 100થી વધુ લોકો અમારી સાથે જોડાયા હતા. હાલમાં અમારી સાથે 350થી વધુ લોકો અમારી સાથે પદયાત્રામાં જોડાય છે. જેમ જેમ પદયાત્રા આગળ જશે, તેમ તેમ લોકો અમારી સાથે જોડાશે અને જ્યારે મંદિરમાં ધજા અર્પણ કરવાની હશે તે દિવસે અંદાજે 900 લોકો અમારી સાથે હશે. અમારો સંઘ દરિયાપુરમાં આવેલી કડિયા પોળથી પદયાત્રાની શરૂઆત કરે છે અને ડાકોર મંદિર સુધી જાય છે. 15થી 80 વર્ષના લોકો આ પદયાત્રામાં જોડાય છે.’