'પાર્ટી મને દબાવે છે'...જાણો કેમ કહ્યું ભરુચના MP મનસુખ વસાવાએ
ભરુચના સાંસદ મનસુખ વાસવાએ ભાજપ પાર્ટી પર કર્યો ખુલ્લો આક્ષેપ પાર્ટી મને દબાવવાનું કામ કરે છે.. હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું, પાર્ટી માટે લડું છું પણ પાર્ટી મને દબાવે છે. પાર્ટીથી નારાજ સાંસદે ધડાકો કર્યો ટ્વિટ કરી નારાજગી...
- ભરુચના સાંસદ મનસુખ વાસવાએ ભાજપ પાર્ટી પર કર્યો ખુલ્લો આક્ષેપ
- પાર્ટી મને દબાવવાનું કામ કરે છે..
- હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું, પાર્ટી માટે લડું છું પણ પાર્ટી મને દબાવે છે.
- પાર્ટીથી નારાજ સાંસદે ધડાકો કર્યો
- ટ્વિટ કરી નારાજગી વ્યક્ત કરી
- ભાજપના જ નેતાઓ એ ઉચ્ચ કક્ષા એ ખોટા કારણો બતાવી ડિબેટ કેન્સલ કરાવી જેનું દુઃખ થયું છે
ભરુચ (Bharuch)ના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) વચ્ચેનો જંગ છેડાયો છે અને બંને વચ્ચેની ડિબેટ રદ કરાઇ હતી ત્યારે આજે મનસુખ વસાવાએ ટ્વિટ કરીને ખુલ્લો પત્ર લખી પોતાનો બળાપો ઠાલવતાં કહ્યું કે પ્રદેશના પાર્ટીના નેતૃત્વએ પણ આ કાર્યક્રમ ન કરવો તેમ જણાવ્યું હતું તેનો અમને આનંદ છે પરંતુ હંમેશા પાર્ટીની વિરોધમાં કામ કરનારા, પાર્ટીની સામે સમયે સમયે બળવો કરનારા અને તેમની સાથે કેટલાક બીજા નેતાઓએ ડિબેટથી ડરીને પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ ખરા ખોટા કારણો બતાવી દિબેટ રદ કરાવી છે તેનું મને ભારે દુખ છે.
મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે છેડાયો જંગ
તાજેતરમાં નર્મદામાં રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આરોપ સાથે મનસુખ વસાવાએ સી.આર.પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જેથી ચૈતર વસાવાએ આ અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. જે મનસુખ વસાવાએ સ્વીકાર્યો પણ હતો. અને ગાંધી ચોક ખાતે ડિબેટમાં આવવા ચૈતર વસાવાને કહ્યુ હતુ. પરંતુ અંતિમ ઘડીએ મનસુખ વસાવાએ ડિબેટ કરવાથી પીછેહટ કરી લીધી હતી. બીજી તરફ ડિબેટ માટે જઈ રહેલા પોલીસે ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે મોવી ચોકડી પાસે ચૈતર વસાવાને રોક્યા હતા. પોલીસ ચૈતર વસાવાને પાછા ડેડિયાપાડા લઈ ગઈ હતી.
1 - એપ્રિલ ઓપન ડિબેટ બંધ રહેવા બાબત pic.twitter.com/rLWZtvXzvN
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) April 4, 2023
મનસુખ વસાવાએ લખેલા લેટરના અંશ
1 - એપ્રિલ ઓપન ડિબેટ બંધ રહેવા બાબત
● ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યારે પણ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર વિરુદ્ધ બેફામ બોલતા આવ્યા છે, અને ધારાસભ્ય બન્યા પછી એમને જે સંયમ અને મર્યાદા રાખવી જોઈએ, ધારાસભ્ય ને શોભે તે પ્રકારનું વર્તન હોવું જોઈએ જેમાં જવાબદાર આગેવાન તરીકે તેવો નિષ્ફળ ગયા છે અને રાતોરાત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં અને પાર્ટીનાં આગેવાનોના વિરોધમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જેમકે કલેકટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ, ફોરેસ્ટ વિભાગ પર ચા-પાણી માટેનો કરોડો રૂપિયાનો ખર્ચનો ખોટો આરોપ તથા સરકાર ને બદનામ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. કોઈપણ બાબતે યોગ્ય જગ્યાએ રજુઆત કરવાના બદલે લોકોની વચ્ચે જઈ ડ્રામા કરવાનાં કાર્યક્રમો કરી રહ્યા છે.
● તાજેતરમાં ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીનું સંમેલન હતું. જે સંમેલનમાં આપ ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હતા અને સંમેલનમાં ભાજપનાં ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને ભાજપ સરકાર પર નિમ્ન કક્ષાના જે શબ્દપ્રયોગ કર્યા છે. ભાજપના ધારાસભ્યશ્રીઓ અને સંસદશ્રીઓ ને ચપરાસી કહ્યા છે તેનો ખુલાસો મેં મીડિયાનાં મિત્રો સમક્ષ કર્યો અને આમ આદમી પાર્ટીના નેતાઓ કેવા છે તે મીડિયા સમક્ષ જડબાતોડ જવાબ આપ્યૉ. જે બાબત થી નારાજ થઈ બિલકુલ આધાર વિહોણા નનામા પત્ર બાબતે ચૈતર વસાવાએ મુદ્દો ઉછાળ્યો તે બાબતે 18 માર્ચની જિલ્લા સંકલનની બેઠક દરમિયાન અધિકારી તથા તેઓની હાજરીમાં ખુલાસો થઈ ગયો અને જિલ્લાના હિતમાં સરકારી ગ્રાન્ટનો સદઉપયોગ થાય તેમજ પદાધિકારી અને અધિકારી બધા સાથે મળીને ચર્ચા કરવી તે બાબતે પણ વાત થઈ ગયેલી છતા પણ નનામી પત્રનો આધાર લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની ચડામણી થી ચૈતરભાઈએ ઓપન ડિબેટની માંગણી કરીજેનો મેં સ્વીકાર કર્યો જે ૦૧ એપ્રિલ ના રોજ આયોજીત થવાની હતી. આ ડિબેટ ફક્તને ફક્ત નર્મદા જીલ્લા પુરતી હતી પરંતુ કાર્યક્રમને ડિબેટના બહાને આપ ના લોકો પ્રદેશભરના આમ આદમી પાર્ટીના લોકોને ભેગા કરી વાતાવરણ ડહોળવાનો અને ડિબેટને ટાળવાનો પ્રયાસ કર્યો. તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ આવા માહોલમાં ડિબેટનો કાર્યક્રમ ન રાખવો તેવું ધ્યાન દોર્યું. તેમજ પ્રદેશના પાર્ટીના નેતૃત્વએ પણ આ કાર્યક્રમ ન કરવો તેવું જણાવ્યું. તેનો અમને આંનદ છે પરંતુ હમેંશા પાર્ટીની વિરોધમાં કામ કરનારા, પાર્ટીની સામે સમયે - સમયે બળવો કરનારા અને તેમની સાથે કેટલાક બીજા નેતાઓએ ડિબેટથી ડરી પાર્ટીમાં ઉચ્ચકક્ષાએ ખોટા - ખોટા કારણો બતાવી ડિબેટ રદ કરાવી તેનું મને ભારે દુઃખ છે.
● આજે આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ અને મારા વિરોધીઓ આ ડિબેટ બંધ રહેવાથી ગેલમાં આવી ગયા છે તથા મારા વિરોધીઓ મારા માટે અલગ અલગ પ્રકારની કમેન્ટ કરે છે.તેની મને જરા પણ ચિંતા નથી સમય આવતા તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપીશ.પરંતુ નર્મદા જિલ્લાની ધરતી પર આવી જે ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ ને ચપરાસી કહ્યા, નિમ્ન કક્ષાના શબ્દપ્રયોગ કર્યા, સરકાર પર પ્રહાર કર્યો આનો જવાબ આમ આદમી પાર્ટીના નેતાઓ ને આ ક્ષેત્રના ધારાસભ્યશ્રીઓ એ તથા આગેવાનોએ આપવો જોઇતો હતો પરંતુ કોઈએ હિંમત બતાવી નથી. મેં પાર્ટી માટે ઘસાતુ બોલનારાઓને, મારા ધારાસભ્યશ્રીઓ- સંસદ સભ્યશ્રીઓ ને ચપરાસી કહેનારાઓને મેં હિંમતપૂર્વક ભાજપનું સન્માન જળવાઈ તે રીતમાં જવાબ આપ્યો છે. આમા મારો કોઈ અંગત સ્વાર્થ નથી. ભૂતકાળમાં પણ જેણે મારો ઈતિહાસ જોવો હોય તો જોઈ શકે છે જ્યારે જ્યારે પાર્ટી કે સરકારના વિરોધમાં પ્રહાર કર્યા હોય ત્યારે મેં જડબાતોડ જવાબ આપ્યા છે. પરંતુ ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીઓના વિરોધમાં બેફામ બોલે છે તેવા લોકોની સામે હું બોલ્યો છું તેના માટે પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાવવામાં આવે છે. તેનુ ભારે દુઃખ છે. આ લડાઈ મારી અંગત નથી.સરકાર અને ઘારાસભ્યશ્રીઓ ના સન્માન માટે હું લડુ છું.
- લી. મનસુખ વસાવા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement