Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચમહાલ, ગોધરાના નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ઉપર સફાઈ નહીં થતા માર્ગો બન્યા ઉકરડા

ગોધરાના નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ઉપર હાલ સફાઈ નહીં થતા ઠેર ઠેર ઉકરડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના જાહેર મુખ્ય માર્ગોની સફાઈ કામગીરીનું ટેન્ડર 30 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે, જેથી હાલ શહેરના મુખ્ય...
08:06 PM May 15, 2023 IST | Dhruv Parmar

ગોધરાના નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ઉપર હાલ સફાઈ નહીં થતા ઠેર ઠેર ઉકરડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના જાહેર મુખ્ય માર્ગોની સફાઈ કામગીરીનું ટેન્ડર 30 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે, જેથી હાલ શહેરના મુખ્ય માર્ગોની સફાઈ કામગીરી રાબેતા મુજબ થઈ રહી નથી. જેને લઇ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નિયમિતપણે માર્ગની સફાઈ નહીં થતા જાહેર અને આંતરિક માર્ગો ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.

જોકે પાલિકાના સત્તાધીશો હાલ લગ્ન સીઝન ચાલી રહી હોવાથી સફાઈ કામદારોની સંખ્યા ઓછી હોવાથી સફાઈમાં વિલંબ થતો હોવાનું જણાવી પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે. પરંતુ રોજિંદા ક્રમ મુજબ સફાઈ કરવાની વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયામાં પાલિકાના જવાબદારોએ આગોતરૂ આયોજન કરી શક્યા નથી એ કડવું સત્ય છે.

ગોધરા નગરપાલિકા દ્વારા ગોધરાના શહેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને જાહેર માર્ગો પરથી સફાઈ કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા અલગ અલગ ટેન્ડર બહાર પાડી એજન્સીને સફાઈની કામગીરી આપવામાં આવતી હોય છે. જે મુજબ ગોધરા નગરપાલિકા દ્વારા ગત વર્ષે શહેરના મુખ્ય માર્ગોના સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા થકી એજન્સીને કામગીરી સુપ્રીત કરવામાં આવી હતી જેની મુદત 30 એપ્રિલના રોજ પૂર્ણ થઈ ગઈ છે.

હાલ આ એજન્સી દ્વારા માર્ગોની સફાઈની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. બીજી તરફ નગરપાલિકાના જણાવ્યા અનુસાર હાલ અન્ય સફાઈ કામદારો મારફતે માર્ગોની સફાઈ કરાવવામાં આવી રહી છે. જોકે નગરપાલિકાના સત્તાધીશોના આ દાવા માત્ર તેઓના કહેવા પૂરતા જ સીમિત હોય એવા દ્રશ્યો શહેરના બામરોલી રોડ, ગોન્દ્રા, વ્હોરવાડ સહિતના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વહેલી તકે નગરપાલિકા દ્વારા માર્ગોની નિયમિતપણે સફાઈ કરાવવામાં આવે એવી માંગ શહેરીજનોમાં ઉઠી છે. વેપારીઓ અને સોસાયટીઓના રહીશોમાં ઉનાળાની ઋતુમાં ગંદો કચરો વધુ સમય સુધી એકત્રિત થઈ પડી રહેતા રોગચાળાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગોધરાના મુખ્ય માર્ગોની સફાઈ કામગીરી અંગે ગોધરા નગરપાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે કે, આગામી દિવસે મળનારી બોર્ડ મિટિંગમાં ટેન્ડર પ્રક્રિયા માટેની ચર્ચા કરી પ્રોસીજર કરવામાં આવશે અને આગામી પહેલી મેથી એજન્સીની નિમણૂક કરી નિયમિતપણે સફાઈ કામગીરી કરવામાં આવશે. જોકે નગરપાલિકાના સત્તાધીશોને ટેન્ડરની મુદત પૂર્ણ થયા પૂર્વે નવી નવું ટેન્ડર કેમ બહાર પાડવામાં ન આવ્યું જે અંગે પૂછતા તેઓએ શરતચૂક અને ટેકનિકલ ગુંચનું બહાનું બતાવી પોતાનો લૂલો બચાવ કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે અત્રે ચોક્કસ કહી શકાય કે ગોધરા નગરપાલિકાના જવાબદારોએ ટેન્ડર પ્રક્રિયા માટે સહેજ પણ સજાગતા દાખવી નથી જેને લઇ હાલ આ સ્થિતિનું નિર્માણ થયું છે અને જેનો ભોગ નિર્દોષ શહેરીજનો અને વાહન ચાલકો બની રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

Tags :
GodhraGujaratMunicipalitypanchmahal
Next Article