Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરવા હડફ તાલુકાના કેટલાક ગામોમાં સિંચાઇની સુવિધાનો અભાવ

(અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ) પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા અને આદિવાસી બાહુલ્ય ધરાવતા મોરવા હડફ તાલુકાના કેટલાક ગામોમાં સિંચાઇની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. તાલુકામાં આવેલો જીવાદોરી સમાન હડફ ડેમ છે તેમ છતાં મોરવા હડફ તાલુકાના ખાબડા, સંતરોડ...
મોરવા હડફ તાલુકાના કેટલાક ગામોમાં સિંચાઇની સુવિધાનો અભાવ

(અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ)

Advertisement

પંચમહાલ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલા અને આદિવાસી બાહુલ્ય ધરાવતા મોરવા હડફ તાલુકાના કેટલાક ગામોમાં સિંચાઇની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. તાલુકામાં આવેલો જીવાદોરી સમાન હડફ ડેમ છે તેમ છતાં મોરવા હડફ તાલુકાના ખાબડા, સંતરોડ અને આસપાસના કેટલાક ગામોમાં સિંચાઇની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી જેના કારણે સ્થાનિક ખેડૂતો વરસાદી ખેતી કરી અન્ય દિવસોમાં રોજગારી માટે પોતાનું વતન છોડી રાજ્યના અનેક શહેરોમાં પેટિયું રળવા માટે પલાયન કરતા હોય છે.

Advertisement

બીજી તરફ પંચમહાલ જિલ્લામાં મુખ્ય ત્રણ જળાશય અને નર્મદા મુખ્ય કેનાલ જિલ્લામાંથી પસાર થાય છે પરંતુ ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવી હાલત સ્થાનિક ખેડૂતોની બની ગઈ છે જેથી સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Advertisement

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના કેટલાય ગામો આજે પણ સિંચાઈ સુવિધા વિહોણા છે. જેને લઇ આ વિસ્તારના રહીશોને ચોમાસા સિવાયના અન્ય દિવસોમાં રોજગારી માટે ફરજિયાત રાજ્યના અલગ અલગ શહેરોમાં સ્થળાંતર કરવું પડી રહ્યું છે. અહીંના ખેડૂતો માત્ર ચોમાસાની ખેતી ઉપર જ નિર્ભર છે જેમાં પણ બદલાતા વાતાવરણ અને ઓછા વરસાદ ને લઇ પૂરતા પ્રમાણમાં ચોમાસાની ખેતી કર્યા બાદ ખેડૂતો પૂરી ઉપજ જ લઈ શકતા નથી.

ચોમાસા સિવાય આ વિસ્તારના તમામ ખેતરો વેરાન રણ સમા જોવા મળતાં હોય છે.વધુમાં આ વિસ્તાર માંથી પસાર થતી પાનમનદી સૂકી ભઠ્ઠ થઈ જતાં ચેકડેમો અને તળાવો પણ ખાલી થઈ જાય છે જયારે કુવા અને બોર વેલના પણ ઉનાળામાં તળિયા દેખાઇ જાય છે, ત્યારે હડફ મોરવા તાલુકાના ખાબડા, નાટાપુર, માતરિયા, કશનપુર, રસુલપુર સહિત આજુબાજુના 9 ઉપરાંત ગામ ના ખેડૂતો ચોમાસાની ખેતી આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે.

ચોમાસા સિવાયના અન્ય આઠ માસ એટલે કે ઉનાળા અને શિયાળામાં અહીંના રહીશો ફરજિયાત પણે જીવન નિર્વાહ ચલાવવા માટે ઘરના પુરુષ અને યુવકો બહારગામ મજૂરી કામે આજે પણ જવુ પડે છે ત્યારે ઘરે મહિલાઓ એકલી જ ઘર અને સામાજિક કાર્યો કરતી હોય છે.

જેને લઈ અહીંના ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે કે પંચમહાલ માંથી પસાર થતી નર્મદા કેનાલ અથવા પાનમ નદીના માધ્યમથી તેઓના વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો પોતાના પરિવારને છોડી બહારગામ મજૂરી કામે જવા ની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે એમ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ અત્યાર સુધીના પદાધિકારીઓને આ અંગે તેઓ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી આશાજનક પરિણામ જોવા મળ્યું નથી ત્યારે હવે ખેડૂતોને નવા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પાસે સુવિધા ઉપલબ્ધ કરાવશે એવી પણ એક આશા બંધાયેલી જોવા મળી રહી છે.

મોરવા હડફ તાલુકામાં મુખ્ય ડેમ પણ આવેલો છે પરંતુ આ ડેમ નું પાણી અહીંના ખેડૂતોને મળતું નથી જેના કારણે અહીંના ખેડૂતો વરસાદી ખેતી પર જ નિર્ભર હોવાનું જણાવી રહ્યા છે .વધુમાં નાટાપુર ખાતે આવેલા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વીયર યોજના આવેલી છે અને આ ડેમ માંથી ખાબડા ગામ ખાતે આવેલા તળાવ માં પાણી ભરવા માટે સરકાર દ્વારા યોજના મંજુર થઈ છે.

પરંતુ આજદિન સુધી આ યોજના અમલમાં મુકવા નહિ આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારે જે યોજના મંજૂર કરવામાં આવી છે જે વહેલી તકે અમલમાં લાવી અને ગામના તળાવ ને રિચાર્જ કરવામાં આવે તો અહીંના તમામ ખેડુતો ખેતી કરી શકે એમ છે.

આ પણ વાંચો : યુવરાજસિંહે નામ ના જાહેર કરવા 1 કરોડનો તોડ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ

Tags :
Advertisement

.