અલૌકિક છે જુનાગઢનું એકમાત્ર પૌરાણિક મહાલક્ષ્મી મંદિર, દિવાળીના દિવસે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર
અહેવાલ - સાગર ઠાકર
જૂનાગઢના પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના દિવસો દરમિયાન માઁ મહાલક્ષ્મીના દર્શન માટે ભાવિકો ઉમટી પડે છે. દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે માઁ ના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જૂનાગઢનું એકમાત્ર મહાલક્ષ્મી મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે.
જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં આવેલું છે 466 વર્ષ પુરાણું માઁ મહાલક્ષ્મીનું મંદિર, જૂનાગઢ મહાલક્ષ્મી મંદિર ખાતે માઁ મહાલક્ષ્મી બાળ સ્વરૂપે ગજલક્ષ્મી સ્વરૂપે બિરાજે છે. માતાજીને કમળ અતિપ્રિય છે કારણ કે, કમળનું ફૂલ લક્ષ્મી સ્વરૂપ છે. આમ પણ દિવાળીનો તહેવાર જ લક્ષ્મીજીનો તહેવાર છે અને દિવાળીના દિવસોમાં મહાલક્ષ્મીને કમળનું ફુલ ધરાવવાનું પણ મહત્વ છે તેથી ભાવિકો માતાજીને કમળના ફુલ ધરાવે છે.
દિવાળીના તહેવારને લઈને મહાલક્ષ્મી મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. જૂનાગઢના લોકો નવા વર્ષની શરૂઆત મહાલક્ષ્મી માતાજીના દર્શન થી કરે છે, વેપારીઓ પોતાના ધંધા રોજગાર શરૂ કરે છે, નૂતનવર્ષ નીમીત્તે મોટી સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શન કરીને પોતાના નવા વર્ષની શરૂઆત કરે છે.
આ પણ વાંચો -- Junagadh : દિવાળીના દિવસે આ પરિવારની ગૃહિણીઓની કરાય છે પૂજા