જૂનાગઢ યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ, 1400 થી 1600 રૂપિયે પ્રતિ મણના કપાસના ભાવ રહ્યા
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ
જૂનાગઢ યાર્ડમાં સામાન્ય રીતે લાભ પાંચમ થી કપાસની આવક શરૂ થાય છે, પરંતુ ચાલુ વર્ષે દિવાળી પહેલાં જ કપાસની આવક શરૂ થતાં હરાજીના શ્રીગણેશ થયા હતા. ખેડૂતો પાસે કપાસ તૈયાર થઈ જતાં ખેડૂતોની લાગણી હતી કે દિવાળી પહેલા તેમનો કપાસ વેચાઈ જાય જેથી તેમની દિવાળી સુધરી જાય અને વેપારીઓની પણ લાગણી હતી કે કપાસ તૈયાર છે તો યાર્ડમાં તેની આવક શરૂ કરવામાં આવે જેથી યાર્ડ સંચાલકો દ્વારા દિવાળી પહેલા જ કપાસની આવક શરૂ કરવાનો નિર્ણય લેવાયો અને ખેડૂતોની દિવાળી સુધરી ગઈ હતી.
જૂનાગઢ યાર્ડમાં ખુલતી બજારે કપાસની આવક શરૂ થઈ હતી અને પ્રથમ દિવસે 14 ક્વિન્ટલ આવક થઈ હતી જેનો ભાવ 1400 થી લઈને 1600 રૂપિયા પ્રતિ મણનો રહ્યો હતો. હજુ તો આવક થોડી છે અને દિવાળી બાદ કપાસની આવકમાં વધારો થશે તથા ભાવ પણ સારા મળશે તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી છે. જૂનાગઢ યાર્ડમાં સોયાબિનની પણ પુશ્કળ આવક થઈ રહી છે, યાર્ડમાં 6780 ક્વિન્ટલ સોયાબિનની આવક નોંધાઇ હતી અને 900 થી લઈને 1000 રૂપિયા સુધી પ્રતિ મણનો ભાવ રહ્યો હતો.
આ ઉપરાંત હાલ મગફળીની આવક પણ ચાલુ છે, પરંતુ સોયાબિનની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે અને હવે તેની સાથે કપાસની આવક પણ શરૂ થઈ જતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે. જૂનાગઢ યાર્ડમાં ખરો તોલ અને રોકડા નાણાનું સુત્ર ચાલે છે, ખેડૂતોની જણસીની જેવી તે હરાજી થાય કે કલાકમાં તેના રૂપિયા તેને મળી જાય છે, વળી યાર્ડમાં ઉતરાઈ શુલ્ક નથી લેવાતું તેથી ખેડૂતો અને વેપારીઓને તેનો ફાયદો થાય છે આમ આસપાસના વિસ્તારોમાંથી પણ ખેડૂતો જૂનાગઢ યાર્ડમાં જણસી વેચવા આવવાનું પસંદ કરે છે. ખાસ કરીને દિવાળી જેવો તહેવાર નજીક હોય ત્યારે પોતની જણસીના રૂપિયા છુટા થઈ જતાં ખેડૂતોની દિવાળી સુધરી ગઈ હતી.
આ પણ વાંચો -- જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી, શહેરમાં વિવિધ વિકાસ કામોને મંજૂરી અપાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે