Junagadh News : દામોદર કુંડના પુલની દિવાલ ધરાશાયી, કુંડમાં રેતી પથ્થર ભરાયા, તિર્થઘાટ પરના ઓરડાઓમાં ભારે નુકશાની
જૂનાગઢમાં ચાર દિવસ અગાઉ સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા જેને કારણે દામોદર કુંડ પરના પુલની દિવાલ તુટી ગઈ છે, કુંડ રેતી પથ્થર થી ભરાઈ ગયો છે. તિર્થઘાટ પરના ઓરડામાં કાંપ ભરાઈ જવાથી ભારે નુકશાની થઈ છે. હાલ અધિક માસ છે, શ્રાવણ અને ભાદરવા મહિનામાં અહીં લાખો ભાવિકો આવે છે ત્યારે ભાવિકોની સુરક્ષા માટે પુલની દિવાલ બનાવવા કુંડ અને તિર્થઘાટ ની સફાઈ માટે માંગ ઉઠવા પામી છે.
સૌરાષ્ટ્રના મહાભારત કાળના સૌથી પૌરાણિક તિર્થક્ષેત્રો પૈકીના એક એવા પૌરાણિક દામોદર કુંડની હાલ દુર્દશા જોવા મળી રહી છે. 22 જુલાઈ ના રોજ ગિરનાર પર્વત પર આભ ફાટતાં સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યા હતા જેને કારણે દામોદર કુંડમાં મોટા પાયે નુકશાની થવા પામી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં દામોદર કુંડ પરના પુલની બન્ને દિવાલ ધરાશાયી થઈ ગઈ છે તો સમગ્ર કુંડ રેતી પથ્થર થી ભરાઈ ગયો છે, દામોદર કુંડ પરના ચેકડેમનો પાળો તુટી જતાં હાલ પાણી પાળો તોડીના સાઈડમાંથી વહી રહ્યું છે જેથી પાણી કુંડમાં આવતું નથી ત્યારે પાળો રીપેર કરવાની જરૂર છે જેથી પાણી કુંડમાં આવી શકે.
દામોદર કુંડ તિર્થક્ષેત્ર છે અને અહીંના તિર્થગોરો તથા આવનાર ભાવિકો માટે ઘાટ પર ઓરડાઓ બનાવવામાં આવ્યા છે, પુરની સ્થિતિમાં ઓરડાઓમાં ભારે નુકશાની થવા પામી છે, ઓરડામાં પાણી ભરાઈ જવાથી તમામ સામાન પલડી ગયો હતો, કુડ પર આવેલ પ્રાચીન મોક્ષ પીપળો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને હવે પાણી ઓસરતાં આસપાસ કાંપ ભરાઈ ગયો છે અને ગંદકી થઈ છે, તેથી અહીં આવનાર ભાવિકો જ્યારે પિતૃ તર્પણ માટે આવે છે ત્યારે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
હાલ અધિક માસ ચાલી રહ્યો છે, આગામી શ્રાવણ માસમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો આવશે અને ભાદરવા મહિનાની અમાસના દિવસો તો લાખોની સંખ્યામાં ભાવિકો દામોદર કુંડ આવતાં હોય છે આવા સંજોગોમાં જો પુલ પરની દિવાલ તાત્કાલીક રીપેર કરવામાં નહીં આવે તો ફરી કોઈ મોટી દુર્ઘટના થવાની દહેશત વ્યાપી છે, વળી કુંડ રેતી પથ્થર થી ભરાઈ ગયો છે ત્યારે ભાવિકો ક્યાં સ્નાન કરશે તે પણ એક પ્રશ્ન છે.
હાલ જે કાંઈ થોડું ઘણું પાણી છે તેમાં કોઈ ભાવિક સ્નાન કરવા જાય તો પણ તેમને પથ્થર વાગી જાય તેવી સંભાવના છે, તિર્થઘાટ પર રોજીરોટી મેળવતા તિર્થગોરના તમામ ચોપડા સહીતનો માલસામાન પુરમાં તણાય ગયો અને જે સામાન બચી ગયો તેમાં ભારે નુકશાની થવા પામી છે. જૂનાગઢ શહેરમાં રાયજીબાગ વિસ્તારમાં તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સાફ સફાઈ સહીતની રાહતની કામગીરી કરવામાં આવી પરંતુ ઘટનાના પાંચ દિવસ પછી પણ તંત્રનું ધ્યાન હજુ દામોદર કુંડ તરફ ગયું નથી જ્યાં આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં ભાવિકો આવવાના છે.
જો તેમની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સ્થિતિ કેવી થશે તેની કલ્પના અશક્ય છે, પુલની દિવાલ તુટી છે ત્યારે કોઈ ભાવિક અકસ્માતે નીચે પટકાશે તો જાનહાનિ થવાની સંભાવના છે, કુંડમાં પથ્થરો પડેલા છે કોઈ સ્નાન કરવા જશેને માથામાં પથ્થર વાગી જશે તો પણ જાનહાનિ થશે વળી કુંડ પર તાકીદે સાફ સફાઈની આવશ્યકતા છે જો સાફ સફાઈ નહીં કરવામાં આવે તો ગંદકી વધશે અને રોગચાળો ફેલાવાની સંભાવના છે ત્યારે તંત્ર દ્વારા દામોદર કુંડ પર વહેલી તકે પુલ અને ચેક ડેમના સમારકામ તથા કુંડ સહીતના આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવે તે જરૂરી બન્યું છે અન્યથા જૂનાગઢ શહેરમાં ફરી એક દુર્ઘટના ઘટી જશે.
અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ
આ પણ વાંચો : Breaking : રાજ્યમાં 70 IPS ની બદલીના આદેશ, GS મલિકને અમદાવાદના નવા CP બનાવાયા