JUNAGADH : સૌ પ્રથમવાર કિન્નર અને પ્રજ્ઞાચક્ષુના ગરબા યોજાયા, વાંચો સમગ્ર અહેવાલ
અહેવાલ - સાગર ઠાકર, જુનાગઢ
જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ તથા પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં કિન્નર સમાજના ગરબા સાથે પ્રજ્ઞાચક્ષુ બાળાઓના રાસ ગરબા યોજાયા હતા. જેમાં કિન્નરોનું સન્માન કરાયું અને બાદમાં બે હજાર થી વધુ શહેરની વિવિધ ગરબીમાં રમતી નાની બાળાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. શહેરના દાતાઓના સહયોગથી આ અનોખો સેવાયજ્ઞ સાથે જૂનાગઢમાં સૌપ્રથમવાર કિન્નરો અને પ્રજ્ઞાચક્ષુઓના સાથે ગરબા જોવા મળ્યા.
જૂનાગઢની સત્યમ સેવા યુવક મંડળ નામની સેવાભાવી સંસ્થા વર્ષોથી વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે, હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે શહેરનો સૌપ્રથમવાર એક અનોખો ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમની આંખોની રોશની નથી એવી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પણ સામાન્ય લોકોની જેમ ગરબા રમી શકે છે, ગરબા ગાઈ શકે છે અને તેમને પણ પોતાની કલા પ્રદર્શિત કરવાની તક મળે, તેઓ પણ માતાજીની આરાધના કરી શકે તેવા હેતુથી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના ગરબા યોજાયા હતા.
આ સાથે કિન્નર સમાજના ગરબા પણ યોજાયા, સામાન્ય રીતે લોકો કિન્નરોથી દૂર ભાગતા હોય છે પરંતુ કિન્નરો પણ માઁ બહુચરાજીનું સ્વરૂપ છે અને તેમને પણ નવરાત્રીમાં માતાજીનું સ્તવન કરવાની તક મળે, ગરબા રમવાની તક મળે તેવા હેતુથી સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત અંધ કન્યા છાત્રાલયની બાળાઓ અને કિન્નરોના રાસ ગરબા યોજાયા હતા. કિન્નરો અને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના એકીસાથે ગરબા યોજાયા હોય તેવી આ પ્રથમ ઘટના હતી. પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ અને કિન્નરો દ્વારા જ ગરબા ગાવામાં આવ્યા અને ગરબા રમવામાં આવ્યા અને એક અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કિન્નરોને પણ સમાજમાં સન્માન મળે તેઓ પણ સમાજની સાથે રહીને માતાજીની આરાધના કરે તે હેતુ કિન્નરોના ગરબા યોજાયા અને બાદમાં સંસ્થા દ્વારા દરેક કિન્નરોને લ્હાણી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ શેરી ગરબાની સંખ્યા ઘટતી જાય છે ત્યારે શેરીઓમાં ગરબા રમતી નાની બાળાઓને પણ આ તકે ભોજન કરાવીને લ્હાણી આપવામાં આવી હતી. શહેરની વિવિધ ગરબામાં રમતી બે હજાર જેટલી બાળાઓને કુમકુમ તિલક કરીને બાદમાં તેમને ભોજન કરાવવામાં આવ્યું હતું અને લ્હાણી આપવામાં આવી હતી.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા થતા આ પ્રકારના આયોજનો થકી સમાજને એક સંદેશ મળે છે, કિન્નરો અને પ્રજ્ઞાચક્ષુઓને ભલે ઈશ્વરે કાંઈક ખોટ આપી હોય પરંતુ તેઓ પણ સમાજના એક ભાગ છે અને તેઓ પણ સામાન્ય માણસની જેમ સક્ષમ છે. કિન્નરો અને પ્રજ્ઞચક્ષુ બાળાઓએ પોતાના અંદાજમાં ગરબા રમીને માતાજીની આરાધના કરવાનો અવસર આપનાર સેવાભાવી સંસ્થાએ આ એક સરાહનીય સેવાકાર્ય કર્યું હતું.
આ પણ વાંચો -- Gondal : રાજમાતાની હાજરીમાં યોજાયેલા રાસોત્સવમાં બાળાઓ એ તલવાર રાસ રજૂ કર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે