JUNAGADH : લગ્નસરાની મોસમમાં ફુલોની માંગ આસમાને, છત્તા ભાવ ગગડયા
અહેવાલ - સાગર ઠાકર
જૂનાગઢમાં લગ્નસરાની મોસમમાં ફુલોની માંગ વધી છે, લોકો શણગાર માટે અવનવી વેરાયટી પસંદ કરે છે. ફુલોની માંગ વધી પરંતુ ભાવ ગગડી ગયા છે. લગ્ન સિઝનની માંગ હોવા છતાં ભાવો તળીયે ગયા છે, માવઠાને કારણે ફુલોની ખેતી પર અસર પડી છે અને ગલગોટાં, ગુલાબ, નરગીસ સહીતના ફુલોના ભાવ ઘટી ગયા છે. જેની ફુલોની ખેતી કરતાં ખેડૂતો અને ફુલોના હોલસેલ વેપારીઓને અસર પડી છે.
લગ્નસરાની મૌસમમાં વર કન્યા માટે વરમાળા હોય કે વરરાજાની ગાડીનો ફુલોનો શણગાર કે પછી મંડપમાં શણગાર હોય લગ્ન સિઝનમાં ફુલોની માંગ વધી જાય છે, માંગ વધે છે તેની સામે આવક પણ પુરતી છે પરંતુ જે ગુણવત્તા જોઈએ તે મળતી નથી. તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ફુલોની ખેતી પર અસર પડી છે, માવઠાને કારણે ફુલો બગડી જાય છે. લગ્ન સિઝન હોવાથી માંગ છે, આવક પણ છે પરંતુ માવઠાંને કારણે ફુલોનો બગાડ થવાથી જેવા જોઈએ તેવા ભાવ મળી રહ્યા નથી, જેના કારણે ફુલોની ખેતી કરતાં ખેડૂતો અને હોલસેલના વેપારીઓના ધંધા પર તેની અસર પડી છે.
ગુલાબ - સિઝનના ભાવ 100 થી 150 - હાલના ભાવ 40 થી 80
ગલગોટા - સિઝનના ભાવ 70 થી 80 - હાલના ભાવ 10 થી 20
જરબેરા - સિઝનના ભાવ 150 થી 160 - હાલના ભાવ 80 થી 100
આપણે ત્યાં ધાર્મિક તહેવારોની ધામધુમથી ઉજવણી થતી હોય છે અને તેમાં પૂજન અર્ચન, શણગાર, હારતોરાં, પુષ્પવર્ષા વગેરે કાર્યો માટે ફુલોની સારી એવી માંગ રહેતી હોય છે. તેમાં પણ જો લગ્ન હોય તો વર કન્યા ના હાર, મંડપનો અને વરરાજાની ગાડીનો શણગાર વગેરે માટે ફુલોની બજારમાં તેજી આવે છે, માંગ વધે છે, માગં સામે આવક પણ પુરતી છે કારણ કે જૂનાગઢમાં ફુલોની પુરતી ખેતી થાય છે ઉપરાંત ડચ ગુલાબ, જરબેરા સહીતના ડેકોરેટીવ ફુલો મુંબઈ, અમદાવાદ કે રાજકોટ થી નિયમિત રીતે સપ્લાય થાય છે.
આમ જૂનાગઢમાં પણ મોટા શહેરોની માફક ફુલોની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે. લોકો પણ નિતનવી ડિઝાઈનના હાર અને શણગારની માંગ કરતાં હોય છે અને તેના પ્રમાણમાં જોઈતી વેરાયટી પણ મળી રહે છે. ગુલાબના ફુલ બારેમાસ પૂજન અર્ચન માટે વપરાય છે તો ગલગોટાંનો ઉપયોગ હાર બનાવવા અને શણગાર માટે થાય છે.
ડચ ગુલાબ અને જરબેરા જેવા ફુલોની માવજત માટે હોલસેલ વેપારીઓને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા રાખવી પડી છે. ચાલુ વર્ષે ફુલોના વેપારીઓને સારા વેપારની અપેક્ષા હતી પરંતુ માવઠાને કારણે ફુલો પર અસર પડતાં ભાવ લગભગ 50 ટકા જેવા નીચા આવી ગયા છે, લગ્ન તથા ધાર્મિક ઉત્સવોના કારણે ફુલોની માંગ વધી છે. પરંતુ સામાન્ય ફુલોની સાથે ફેન્સી ફ્લાવર ગણાતાં જર્બેરા અને ડચ ગુલાબના ભાવો પણ ઓછા થઈ ગયા છે. કારણ કે ફેન્સી ફુલોની જગ્યાએ આર્ટીફીશ્યલ ફુલોનું ડેકોરેશન થઈ રહ્યું છે જેથી ડેકોરેશનના ફુલોની માંગ ઘટી જાય છે અને સીધી અસર ફુલોના વેપાર પર પડે છે. આમ જૂનાગઢમાં લગ્ન સિઝનમાં ફુલોની માંગ તો વધી છે પરંતુ ભાવ ગગડી જતાં વેપારીઓને અસર પડી છે જેનો એકંદરે ગ્રાહકોને ફાયદો પણ થયો છે.
આ પણ વાંચો -- VADODARA : ચાંદોદ પોલીસ સ્ટેશનમાં એસીબીની સફળ ટ્રેપ, લાંચીયા કોન્સ્ટેબલને ઝડપી પાડયો