Gujarat : ગ્રામ વિકાસ વિભાગ દ્વારા "જોબ મેળા તથા અલ્યુમની મીટ" કાર્યક્રમ
- Gujarat-વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદ્યોગોના વિકાસ તથા વાઇબ્રન્ટ સમિટ જેવા વિવિધ આયોજન થકી રોજગારીનું નિર્માણ કર્યું છે: ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ગાંધીનગર ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) - ગ્રામ વિકાસ વિભાગ દ્વારા "જોબ મેળા તથા અલ્યુમની મીટ" કાર્યક્રમનું કરાયું આયોજન
- ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલના વરદ હસ્તે ૪૫૦ લાભાર્થીઓને રોજગારી માટેના નિમણૂંક ૫ત્ર એનાયત કરાયા
Gujarat- ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થતિમાં "જોબ મેળા તથા અલ્યુમની મીટ" કાર્યક્રમ યોજાયો હતો. દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) હેઠળ ગ્રામ્યસ્તરના ગરીબી રેખા નીચે જીવતા ૧૮ થી ૩૫ વર્ષના યુવકો તથા યુવતીઓને તેમની જરૂરિયાત મુજબ કૌશલ્ય વર્ધન તાલીમ આપી, તેમને રોજગારીની તકો પૂરી પાડવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) ની દેખરેખ હેઠળ, આ યોજના સાથે સંકળાયેલ અને તાલીમ મેળવેલ ૪૫૦ જેટલા લાભાર્થીઓને ગ્રામ વિકાસ મંત્રીશ્રીના હસ્તે રોજગારી માટેના નિમણૂંક ૫ત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
તેમજ તાલીમ મેળવેલ યુવક-યુવતીઓના ૧૫ જેટલી કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ દ્વારા જોબ માટે ઇન્ટરવ્યૂ
લેવામાં આવ્યા હતા તથા ભૂતપૂર્વ તાલીમાર્થીઓ માટે અલ્યુમની મીટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય સારું રોજગારી પૂરી પાડવા માટે આગોતરું આયોજન
આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય સારું રોજગારી પૂરી પાડવા માટે આગોતરું આયોજન કર્યું હતું. જે અંતર્ગત તેમણે ઉદ્યોગોના સર્વાંગી વિકાસ તથા વાઇબ્રન્ટ સમિટ જેવા વિવિધ આયોજન દ્વારા રોજગારી પૂરી પાડી હતી.
રાજ્યના યુવક અને યુવતીઓને કૌશલ્ય વર્ધક તાલીમ મળી રહે તે માટે વર્ષ ૨૦૧૪-૧૫ માં રાજ્ય સરકાર દ્વારા દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત તાલીમાર્થીઓને વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે, જેથી તાલીમ લેવામાં અનુકૂળતા રહે અને વધુમાં વધુ યુવક-યુવતીઓ આ યોજનાનો લાભ લઈ પગભર થઈ શકે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યુવાનોની રોજગારી માટે સતત પ્રયત્ન કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સરકાર વિકસિત ગુજરાત બનાવવા ભગીરથ કાર્ય કરી રહી છે.
આ જોબ મેળામાં ૪૫૦ લાભાર્થીઓને નિમણૂંક પત્રો
રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જુદી જુદી કંપનીઓનો સામેથી સંપર્ક કરીને જોબ મેળાનું આયોજન કરવામાં આવે છે. આજના આ જોબ મેળામાં ૪૫૦ લાભાર્થીઓને નિમણૂંક પત્રો આપી રોજગારી પૂરી પાડવામાં આવી છે, તે ખૂબ આનંદની અને ગૌરવની વાત છે. મંત્રીશ્રીએ રાજ્યના યુવક અને યુવતીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ગ્રામ વિકાસ વિભાગના સચિવ શ્રીમતી મનિષા ચંદ્રાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યુવાનોના કૌશલ્ય ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યના કુલ ૩૩ જીલ્લામાં દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ થી વધુ લાભાર્થીઓને તાલીમ આપવામાં આવી છે.
કૌશલ્ય વર્ધક કોર્ષની તાલીમ આપીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવે
આ ઉપરાંત ૨૩,૦૦૦ થી વધુ લાભાર્થીઓને રોજગારી, તથા ૧૪૦૦ જેટલા લાભાર્થીઓને કૌશલ્ય વર્ધન તાલીમ પૂરી પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામ્યસ્તરના ગરીબી રેખા નીચે જીવતા યુવકો તથા યુવતીઓના કૌશલ્યને Sector Skill Council (SSC) મારફતે પ્રમાણિત કરીને યુવાનોને ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી, ફિટર, વેલ્ડર જેવા ૭૦ થી વધુ કૌશલ્ય વર્ધક કોર્ષની તાલીમ આપીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનાનો લાભ લેનાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની લાભાર્થી બામણીયા પ્રિયંકા રાજુભાઈએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, આ યોજના થકી મારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે અને હું આત્મનિર્ભર બની છું. તેવા જ બીજા એક લાભાર્થી અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રેહવાસી વસાવા મેહુલ સુરેશભાઈએ કહ્યું હતું કે, આ યોજના અને તાલીમ કોર્ષ થકી હું મારા પરિવારને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થઈ શક્યો છું,"
આ પણ વાંચો- VADODARA : ભરૂચ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પ્રતિબંધિત વાહનોની સવારી