Independence Day : રાજભવનમાં 'એટ હૉમ' કાર્યક્રમમાં શુભેચ્છાઓની આપ-લે
- Independence Day -પ્રત્યેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય પૂરી પ્રમાણિકતાથી નિભાવે, એ જ 'વિકસિત ભારત' માટેનો સાચો માર્ગ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
--------------- - રાજભવનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની સાંજે 'એટ હૉમ' કાર્યક્રમ યોજાયો
----------------- - પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાસત્તાક પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપ્યું એ માટે તેમનો આભાર માનતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
--------------- - રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સફાઈ કામદારો અને સમાજના સાચા શ્રમયોગીઓને 'એટ હૉમ' માં આમંત્ર્યા
-----------------
Independence Day ની સાંજે ગાંધીનગરમાં રાજભવનમાં 'એટ હૉમ' માં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકો સાથે શુભેચ્છાઓ ની આપ-લે કરી હતી.
રાજ્યના નાગરિકોને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, "સમાજની પ્રત્યેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય અને પોતાની ફરજ પ્રમાણિકતાથી, પૂરા પરિશ્રમથી નિભાવે એ જ આપણા ભારતને 'વિકસિત ભારત' બનાવવાનો માર્ગ છે. 'સૌના સાથ-સૌના વિકાસ'ની આ જ સાચી વિભાવના છે."
'એટ હૉમ' કાર્યક્રમ માત્ર એક ઔપચારિકતા ન બની રહે એ માટે સતત સજાગ અને પ્રયત્નશીલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંત્રીશ્રીઓ, રાજનેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સમાજના આગેવાન નાગરિકોની સાથે શ્રમયોગીઓને પણ આમંત્રણ આપ્યું હતું,
સમાજના દરેક વર્ગના લોકો આમંત્રિત
સૈનિકો, સામાજિક કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ, રીક્ષા ચાલકો ઉપરાંત સફાઈ કર્મચારી, વણકર, ધોબી, કુંભાર, લુહાર, વાળંદ અને મોચી જેવા સાચા શ્રમયોગીઓને પણ રાજ્યપાલે 'એટ હૉમ'માં આમંત્રણ આપ્યું હતું. એટલું જ નહીં, રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ શ્રમયોગીઓને મળ્યા હતા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
'એટ હૉમ'ના ઉદબોધનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, "ભારતની આઝાદી માટે બલિદાન આપનારા વીર સપૂતોનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. સાથોસાથ પ્રગતિ અને વિકાસનો નવો માર્ગ પ્રશસ્ત કરીએ. વિશ્વકલ્યાણના વિચાર સાથે ભારત પ્રગતિના પંથે છે. બધાની ઉન્નતિમાં જ આપણી ઉન્નતી છે, એવી સમજણ કેળવીને 'આખી દુનિયા આપણો પરિવાર છે' એ જ ભાવ આપણા દેશનું સાચું દર્શન છે."
ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા સંકલ્પબદ્ધ
"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પુરુષાર્થ અને દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનથી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા સંકલ્પબદ્ધ છે. એટલું જ નહીં, વિશ્વના કોઈપણ દેશમાં રહેતા ભારતીય આજે ગર્વભેર, છાતી કાઢીને કહી શકે છે કે, 'હું ભારતીય છું'. પ્રત્યેક ભારતીય આજે આત્મવિશ્વાસપૂર્વક પ્રગતિ કરી રહ્યો છે. 25 કરોડથી વધુ નાગરિકો ગરીબી રેખાની ઉપર આવી ગયા છે. નવી શિક્ષણનીતિથી નાલંદા અને તક્ષશિલા જેવા શિક્ષણ સંસ્કારો ભવિષ્યને વધુ ઉન્નત બનાવશે" -એમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું.
પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવાની વાત
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,:"પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પ્રજાસત્તાક પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવાની વાત કરી છે. એ જ દર્શાવે છે કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી."
પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા બદલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે, "રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી આપણા ડાઇનિંગ ટેબલ પર આવતું ભોજન ચિંતા ઉપજાવનારું બન્યું છે. આપણા અન્નમાં પોષક તત્વોની માત્રા ૪૫ ટકા ઓછી થઈ ગઈ છે. અસાધ્ય રોગો વધ્યા છે. હવા, પાણી અને ભૂમિ પ્રદૂષિત થઈ રહ્યા છે. આ તમામ તકલીફોનું એક માત્ર નિદાન પ્રાકૃતિક ખેતી છે."
દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા
Independence Day ની સંધ્યાએ તેમણે કહ્યું કે, "મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રોત્સાહનથી ગુજરાતમાં આજે દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આવનારા એક વર્ષમાં વધુ દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા મિશન સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. શુદ્ધ આહાર અને ઝેરમુક્ત ભોજનથી જ આપણી આવનારી પેઢી સ્વસ્થ અને નિરોગી બનશે."
પંજાબથી પધારેલા લોકપ્રિય ગાયક શ્રી જગત વર્માએ રાષ્ટ્રગીતોની લલકારથી 'એટ હૉમ' કાર્યક્રમને દેશભક્તિના રંગે રંગ્યો હતો. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન પણ આ અવસરે ગોઠવાયું હતું. આ સમારોહ સ્વતંત્રતા સંગ્રામના સ્મરણ અને 'વિકસિત ભારત' માટેની સજ્જતા કેળવવાનો બની રહ્યો.
દરેક ક્ષેત્રના મહનુભવો હાજર
'એટ હૉમ'માં આરોગ્ય અને શિક્ષણમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્ય માહિતી કમિશનર શ્રી સુભાષ સોની, ગાંધીનગર અને અમદાવાદના મેયર, રાજ્યસભાના સભ્ય શ્રી નરહરિભાઈ અમીન, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠોડ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતીભાઈ પટેલ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, ભારતીય થલ સેના, વાયુસેના અને નૌ સેનાના ઉચ્ચ અધિકારીઓ, અંગદાનનો સંકલ્પ કરનાર અંગદાતાઓ, પ્રાકૃતિક ખેતી કરી રહેલા અગ્રણી ખેડૂતો, શ્રમયોગીઓ, રમતવીરો અને આગેવાન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- Bangladesh: મોહમ્મદ યુનુસે PM મોદીને કર્યો ફોન,જાણો શું કહ્યું