ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૂનાગઢ જીલ્લાના નાની ખોડીયાર ગામની ઘટના, વર્ષ 2018 માં ડિજીટલ વિલેજ જાહેર થયું પરંતુ પત્ર ન મળ્યો

જૂનાગઢ જીલ્લાના નાની ખોડીયાર ગામે એવી ઘટના બની કે તમે પણ ચોંકી જશો. પોતાનું ગામ ડિજીટલ છે એવી ખબર ગામના લોકોને છેક પાંચ વર્ષે પડી. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર શિક્ષણ કેન્દ્રનો પત્ર મળતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વર્ષ 2018 માં...
11:47 PM Jun 08, 2023 IST | Dhruv Parmar

જૂનાગઢ જીલ્લાના નાની ખોડીયાર ગામે એવી ઘટના બની કે તમે પણ ચોંકી જશો. પોતાનું ગામ ડિજીટલ છે એવી ખબર ગામના લોકોને છેક પાંચ વર્ષે પડી. ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર શિક્ષણ કેન્દ્રનો પત્ર મળતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વર્ષ 2018 માં નાની ખોડીયાર ગામ ડિજીટલ વિલેજ જાહેર થયું પરંતુ તેનો કોઈ પત્ર મળ્યો ન હતો. જ્યારે માન્યતાની મુદત પુરી થયાની જાણ કરતો પત્ર મળ્યો ત્યારે ઘટસ્ફોટ થયો કે આપણાં ગામને ડિજીટલ ગામ જાહેર કરાયું હતું. વાસ્તવમાં નાની ખોડીયાર ગામમાં ડિજીટલની વાતો તો દૂર ગ્રામજનોને બેંક આરોગ્ય જેવી સુવિધા માટે 6 કિમી દૂર મેંદરડા જવું પડે તેવી સ્થિતિ છે.

જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના નાની ખોડીયાર ગામે ગ્રામ પંચાયત કચેરીને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા 3 એપ્રિલ 2023 નો એક પત્ર મળ્યો જેમાં કોમ્પ્યુટર શિક્ષણને લગતા સીસીસી બીસીસી કોર્ષ ચલાવવા માટેનું સુવિધા કેન્દ્ર ડિજીટલ વિલેજ અંતર્ગત ફાળવાયું હોવાનો ઉલ્લેખ હતો અને આ સેન્ટર 12 જૂન 2022 સુધીમાં શરૂ કરી દેવાનું હતું. પરંતુ નાની ખોડીયાર ગામે આ કેન્દ્ર શરૂ કરવામાં નહીં આવતાં તેની માન્યતા રદ કરવામાં આવી છે અને જો કેન્દ્ર શરૂ કરવું હોય તો બે મહિનામાં તેની ફરી અરજી કરવાની રહેશે તેવું પત્રમાં જાણવા મળતાં ગામના સરપંચ ચોંકી ઉઠ્યા હતા.

નાની ખોડીયાર ગામના સરપંચ જગદીશભાઈ સોલંકીએ આ પત્રની ખરાઈ કરી અને ઉપલા અધિકારીઓને પણ પત્ર વિશે જાણ કરી પરંતુ અધિકારીઓ પણ આવી કોઈ બાબતને લઈને અજાણ હતા. વર્ષ 2018 માં દેશના 700 ગામોને ડિજીટલ વિલેજ જાહેર કરાયા હતા જેમાં ગુજરાતના તમામ જીલ્લાઓના એક એક ગામ એટલે કે ગુજરાતના 33 ગામોનો સમાવેશ થાય છે જેમાં જૂનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના નાની ખોડીયાર ગામનો સમાવેશ ડિજીટલ વિલેજમાં કરાયો હતો પરંતુ આ અંગેનો કોઈ પત્ર નાની ખોડીયાર ગ્રામ પંચાયતને મળ્યો જ ન હતો, પરંતુ જ્યારે માન્યતાની મુદત પૂરી થવાની જાણ કરવામાં આવી ત્યારે છેક ડિજીટલ વિલેજ અંગેનો ખ્યાલ આવ્યો.

નાની ખોડીયાર ગામને ઓન પેપર તો ડિજીટલ વિલેજ જાહેર કરી દેવાયું પરંતુ ગામની વાસ્તવિકતા એ છે કે અહીં એક શાળા આવેલી છે એટલે શિક્ષણ ઉપલબ્ધ છે. પરંતુ ડિજીટલની વાત કરીએ તો અહીંયા ડિજીટલ બહુ દૂર છે, આરોગ્ય અને બેંક જેવી કોઈ સુવિધા જ નથી, ગામલોકોએ બેંક માટે માંગણી કરી હતી પરંતુ હજુ સુધી કોઈ બેંક કાર્યરત નથી, કે કોઈ એટીએમ પણ નથી, વળી અહીંયા કોઈ આરોગ્ય કેન્દ્ર પણ નથી, તેથી આરોગ્ય સેવા કે નાણાંકીય વ્યવહાર માટે ગ્રામજનોને 6 કિ.મી. દૂર તાલુકા મથક મેંદરડા જવું પડે છે, એટલું જ નહીં, ગામમાં કોઈને ટીવી ફ્રીઝ કે મોબાઈલ રીપેર કરાવવા હોય તો પણ મેંદરડા સુધી જવું પડે છે, આમ જ્યાં હજુ આરોગ્ય અને નાણાંકીય સુવિધાનો અભાવ છે તેવા ગામને ડિજીટલ વિલેજનો દરજ્જો કઈ રીતે મળી ગયો એ પણ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે. સરકાર દ્વારા નાની ખોડીયાર ગામને ડિજીટલ વિલેજ જાહેર કરાયું તેનો ગામના સરપંચ અને ગ્રામજનોને આનંદ છે પરંતુ હવે ડિજીટલ વિલેજ જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

અહેવાલ : સાગર ઠક્કર, જુનાગઢ

આ પણ વાંચો : પત્નીનું બહાર ચાલતું હતું પ્રેમ પ્રકરણ, પતિને ખબર પડી અને અંતે આવ્યો ખરાબ અંજામ

Tags :
digital villageGujaratJunagadhKhodiyar Village
Next Article