I & B Department: ફેક ન્યુઝની ભરમાર વચ્ચે વિશ્વાસનું પ્રતીક
- I & B Department-ગુજરાતની વિકાસગાથા વિશ્વ સુધી પહોંચાડતો માહિતી અને પ્રસારણ વિભાગ: મંત્રી શ્રી રાઘવજી પટેલ
- માહિતી અને પ્રસારણ વિભાગ: પ્રજાસંપર્કથી પ્રગતિ સુધી, જાણકારીથી જનકલ્યાણ સુધી
- ફેક ન્યુઝની ભરમાર વચ્ચે માહિતી અને પ્રસારણ વિભાગ વિશ્વાસનું પ્રતીક
- સરકારની તમામ લોકઉપયોગી યોજનાઓની માહિતી ‘મારી યોજના પોર્ટલ’થી નાગરિકો આંગળીના ટેરવે મેળવતા થયા
- દિલ્હી ખાતે ૨૬ જાન્યુઆરીએ ગુજરાત સરકારના ટેબ્લોએ સતત ત્રણ વર્ષથી ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી હેટ્રિક સર્જી
- માહિતી અને પ્રસારણ વિભાગની રૂ. ૨૩૨.૯૭ કરોડની અંદાજપત્રીય માંગણી વિધાનસભામાં મંજૂર
I&B Department એ રાજ્ય સરકારનું નિરંતર કર્મશીલતા સાથે કાર્યરત અને રાજ્યના નાગરિકો સુધી સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો, કાર્યક્રમો તેમજ નાગરિકલક્ષી યોજનાઓની વિશ્વાસપાત્ર અને સચોટ માહિતી પહોંચાડવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે એવા માહિતી અને પ્રસારણ વિભાગ (I&B Department)ની અંદાજપત્રીય માંગણીઓ અંગે પોતાના વિચાર રજૂ કરતાં મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) જણાવ્યું હતું કે, વિકાસના રોલ મોડલ તરીકેની ગુજરાતની વૈશ્વિક ઓળખ ઉભી કરવામાં પ્રચાર-પ્રસારના માધ્યમોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ પૂરવાર થઇ છે. ગુજરાતની વિકાસયાત્રાને માહિતી અને પ્રસારણ વિભાગ સમગ્ર વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે.
મંત્રી રાઘવજી પટેલે(Raghavji Patel) ઉમેર્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને 5G જેવી અદ્યતન ટેકનોલોજીના હરણફાળ યુગમાં પ્રચાર-પ્રસિદ્ધિના માધ્યમોની ગતિ અને સંખ્યા વાયુ વેગે વધી રહી છે. તેને અનુરૂપ માહિતી વિભાગે તેની કામગીરીની શૈલીમાં પરિવર્તન લાવી, અનેક નવતર પહેલો કરી છે. સરકારની દરેક યોજના તેના સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચે, તેના માટે માહિતી વિભાગ યોજનાકીય માહિતી અંતરિયાળ ગામના નાગરીકો સુધી પહોંચે, તેવી પ્રાથમિકતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે.
વિભાગ સતત ૨૪ કલાક એલર્ટ
માહિતી અને પ્રસારણ વિભાગ સતત ૨૪ કલાક એલર્ટ રહે છે. આજે સમગ્ર વિશ્વ ગુજરાતના અવિરત વિકાસથી વાકેફ અને પ્રભાવિત થયું છે તેમાં માહિતી અને પ્રસારણ વિભાગનું યોગદાન મહત્વપૂર્ણ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
‘મારી યોજના પોર્ટલ’થી જનકલ્યાણની નવી શરૂઆત
I&B Department માહિતી વિભાગની નવીન પહેલ વિશે જણાવતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, સુશાસન દિવસે લોન્ચ થયેલું ‘મારી યોજના પોર્ટલ’ ગુજરાત અને ભારત સરકારની ૬૮૦ થી વધુ યોજનાઓની માહિતી એક જ ક્લિકમાં ઉપલબ્ધ કરાવે છે. આ વિભાગ અંતરિયાળ ગામડાઓ સુધી યોજનાકીય માહિતી પહોંચાડવા સતત કાર્યરત છે, જેનાથી ફેક ન્યુઝની ભરમાર વચ્ચે પણ વિશ્વાસ જળવાઈ રહ્યો છે. ૨૪ કલાક એલર્ટ રહેતો આ વિભાગ ગુજરાતના અવિરત વિકાસને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યો છે.
ટેબ્લોની હેટ્રિકથી વધ્યું ગુજરાતનું ગૌરવ
મંત્રીશ્રીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ વર્ષે “આનર્તપુરથી એકતાનગર સુધી - વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” વિષય પર આધારિત ટેબ્લોએ દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીએ ‘પીપલ્સ ચોઈસ’ શ્રેણીમાં સતત ત્રીજી વખત પ્રથમ સ્થાન હાંસલ કર્યું. આ સિદ્ધિ ગુજરાતની વિકાસયાત્રાને વૈશ્વિક સ્તરે ચમકાવે છે.
નવી પહેલથી પ્રચાર-પ્રસારમાં વેગ
મંત્રી શ્રી પટેલે જણાવ્યું કે, સમય સાથે કદમતાલ મિલાવીને માહિતી અને પ્રસારણ વિભાગે (I&B Department) પ્રચાર-પ્રસારને વ્યાપક બનાવવા નિર્ણય લીધો છે કે, રાજ્ય સરકારના ૨૧ વિભાગોમાં પી.આર. કમ સોશિયલ મીડિયા યુનિટ અને દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ સ્થાપવામાં આવશે. આ ઉપરાંત, ૭૪ કચેરીઓ ખાતે ડિજિટલ ડિસ્પ્લે ગોઠવીને નાગરિકોને જનહિતલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, માહિતી વિભાગે એક્સ, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા ટૂલ્સનો અસરકારક ઉપયોગ કરીને આધુનિક જમાના સાથે કદમ મિલાવ્યું છે. આ સાથે, પત્રકારોના સ્વાસ્થ્ય માટે “ફીટ મીડિયા, ફીટ ઇન્ડિયા” અભિયાન હેઠળ ૧,૫૦૦થી વધુ પત્રકારોનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરાયું.
વિકાસને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં માહિતી અને પ્રસારણ વિભાગનું યોગદાન
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ‘ગુજરાત’ પાક્ષિક અને ‘ધ ગુજરાત’ મેગેઝિન દ્વારા સરકારની સફળતાની ગાથાઓ પ્રકાશિત થાય છે, જ્યારે ગુજરાતી ફિલ્મો અને દસ્તાવેજી ચિત્રોને પ્રોત્સાહન આપવા પારિતોષિકો પણ આપવામાં આવે છે. ગુજરાતના વિકાસને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં માહિતી અને પ્રસારણ વિભાગનું યોગદાન અમૂલ્ય છે.
મંત્રી શ્રી પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમો, નિર્ણયો, સિદ્ધિઓ અંગે તેમજ લોકજાગૃતિ માટે માહિતી વિભાગ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અખબારી યાદીઓ, ટીવી ફિલ્મો, ક્વિકી, વિજ્ઞાપનો અને હોર્ડિંગ્સના માધ્યમથી સુચારુ પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે.
રાજ્યમાં યોજાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાન, ગરીબ કલ્યાણ મેળા,વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવાસેતુ જેવા કાર્યક્રમથી લઇને રીન્યુએબલ એનર્જી સમિટ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની પ્રચાર પ્રસારની કામગીરી માટે માહિતી વિભાગે (I&B Department) દિવસ રાત કામગીરી કરતું હોય છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની રૂ. ૨૩૨.૯૭ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Budget Session 2025 : દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના”