Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat-રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ

શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 28 શિક્ષકોને  'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' અર્પણ શિક્ષકો સમર્પણભાવથી પ્રામાણિકતાપૂર્વક કર્તવ્યપાલન કરે તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે: રાજ્યપાલશ્રી...
04:38 PM Sep 05, 2024 IST | Kanu Jani

Gujarat રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતાં કહ્યું હતું કે :"શિક્ષકની શક્તિ અપરંપાર છે. શિક્ષણથી મોટું પવિત્ર કર્મ બીજું કોઈ નથી. આ સૃષ્ટિમાં શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક રાષ્ટ્ર નિર્માતા, સમાજ નિર્માતા અને પરિવાર નિર્માતા છે. સુખ અને શાંતિનો આધાર શિક્ષક છે. એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. "

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ટાગોર હૉલ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં રાજ્યના ૨૮ શિક્ષકોનું 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'થી સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રી જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ મેળવનારા ૧૦ લાભાર્થી વિદ્યાર્થીઓને પણ પ્રતીકાત્મકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ અવસરે Gujarat ના શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

૩૫ વર્ષ સુધી ગુરુકુલના આચાર્ય તરીકે વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યની શિક્ષા આપનાર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, : "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પુસ્તક 'કેળવે તે કેળવણી'માં લખ્યું છે કે, જો શિક્ષક પોતાના કર્તવ્યનું યોગ્યતાપૂર્વક પાલન ન કરે તો તે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે ઘાતક પુરવાર થાય. તેમણે શિક્ષકોને માત્ર પરિચયાત્મક જ્ઞાનને બદલે આચરણમાં-અનુસરણમાં આવી શકે એવું જ્ઞાન આપવાનો અનુરોધ કરતાં કહ્યું કે, અહિંસા અને સત્ય જેવા સદગુણોનું જ્ઞાન એ રીતે અપાય કે તે જીવનનું અભિન્ન અંગ બને, આભૂષણ બને."

"મહર્ષિ ઉદ્દાલક અને રાજા અશ્વપતિ કૈકેયના પ્રસંગનું ઉદાહરણ આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે શિક્ષકો-આચાર્યો-ગુરુજનોના પ્રતાપે રાજા કૈકેયના રાજ્યમાં એક પણ ચોર, વ્યસની, અભણ, દુરાચારી કે કંજૂસ વ્યક્તિ ન હતી. એક પણ ઘર એવું ન હતું, જ્યાં સવાર-સાંજ હોમહવન ન થતા હોય.

"શિક્ષકો રાજ્યમાં આવી સ્થિતિનું નિર્માણ કરવાની સમર્થતા ધરાવે છે."- તેમણે એમ પણ કહ્યું કે:"નાનામાં નાનું બાળક પણ બધું જ સમજે છે. તેની સમજણશક્તિ અને ગ્રહણશક્તિ અમાપ છે. હવનના સમિધ જેવાં પ્રગટવા માટે તત્પર બાળકોને વિદ્યાપુંજ જેવા અગ્નિસ્વરૂપ આચાર્ય-ગુરુજન પ્રજ્વલિત કરે, તેમના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે. અધ્યાપકો પર મોટી જવાબદારી છે."

"પ્રધાનમંત્રી 'આત્મનિર્ભર' અને 'વિકસિત ભારત'ના નિર્માણ માટે પ્રયત્નશીલ છે ત્યારે શિક્ષકો પણ શ્રેષ્ઠ માનવ નિર્માણના મિશનમાં લાગી જાય તો આપણે 'વિશ્વગુરુ ભારત' બનાવી શકીશું"  એમ કહીને રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

 મુખ્યમંત્રીશ્રી :-

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટેની પેઢીનું ઘડતર કરી રહેલા શિક્ષકોની કાર્યનિષ્ઠાની સરાહના શિક્ષક સન્માનના આ અવસરે કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૨૧મી સદી જ્ઞાનની સદી છે અને તેનું નેતૃત્વ ભારત કરશે તેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વ્યક્ત કરેલા વિશ્વાસને ચરિતાર્થ કરવાનું દાયિત્વ શિક્ષકો નિભાવી રહ્યા છે તેનું વિશેષ ગૌરવ આ પ્રસંગે કર્યું હતું.

“સામર્થ્યવાન ગુરુ, જ્ઞાન અને શિક્ષા-દીક્ષાથી વિદ્યાર્થીને તેજોમય બનાવીને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે” તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે શિક્ષક સાથે બાળક પોતાનો મોટાભાગનો સમય વિતાવે છે ત્યારે બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષવી એ શિક્ષકોનું દાયિત્વ બને છે."

" બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને જ્ઞાન-કુતૂહલને સંતોષવા માટે સમયાનુકૂળ વ્યવસ્થા સાથે પોતાને પણ અપડેટ-સજ્જ રાખવાની જવાબદારી શિક્ષકોની છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. “શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તેની અંદરનું શિક્ષકત્વ સતત જાગૃત રહે છે”  તેમ તેમણે શિક્ષક સમુદાયની સુદીર્ઘ સેવાપરાયણતાને પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આપણી પ્રાચીન વલ્લભી, તક્ષશિલા, નાલંદા જેવી પ્રાચીન વિદ્યાપીઠોની વિરાસત તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગુગલ જેવા આધુનિક આયામોના સમન્વયથી ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વડાપ્રધાનશ્રીના મંત્રને સાકાર કરવામાં ગુજરાતની અગ્રેસરતાની ભૂમિકા આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "વિદ્યાર્થીનો શિક્ષણ અને શિક્ષક પ્રત્યેનો આદર, શિક્ષકનું સમર્પણ અને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે પોતીકાપણા-અપનાપનની ત્રિવેણીથી ગુજરાતે જ્ઞાન-કૌશલ્ય, શિક્ષા-દીક્ષા ક્ષેત્રને નવી ઊંચાઈઓ આપી છે."

તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં ઘડાયેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ને ઉજ્જવળ અને વિકસિત ભારતના નિર્માણમાં ઉદ્દીપક ગણાવી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતે શિક્ષણની દિશા બદલવાના જે અભિયાનો વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ચલાવ્યા છે, તેમાં કન્યા કેળવણી અભિયાન, શાળા પ્રવેશોત્સવ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ,  ટીચર્સ  યુનિવર્સિટી વગેરેની સફળતામાં શિક્ષક સમુદાયના મહત્ત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું.

Gujarat-મુખ્યમંત્રીશ્રીએ સમાજ જીવનમાં મૂલ્યનિષ્ઠ ઘડતરનું અને રાષ્ટ્ર નિર્માણનું ઉમદા કાર્ય શિક્ષકોના વ્યવસાય-પ્રોફેશનમાં છે તેને ગુરુવર્યો સુપેરે નિભાવશે તેવો વિશ્વાસ એવોર્ડ વિજેતા અને સૌ શિક્ષક સમુદાયને અભિનંદન પાઠવતાં વ્યક્ત કર્યો હતો.  

-: શિક્ષણમંત્રીશ્રી :-

Gujarat રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે સરસ્વતીના સાધક એવા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને આવકારતાં કહ્યું હતું કે શિક્ષક સમાજની શ્રેષ્ઠ મૂડી છે. જેમની યાદમાં સમગ્ર દેશ આજે શિક્ષક દિવસ ઉજવે છે તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં એક શિક્ષક જ હતા. શિક્ષકમાં શિક્ષણને ઉજાગર કરવાનું સામર્થ્ય હોય છે.

તેમણે જણાવ્યું કે: 'શિક્ષક એ શિક્ષણની સાથે બાળકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી ઉત્તમ નાગરિકનું પણ ઘડતર કરે છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષક અને શિક્ષણની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આ માટે તેમણે કહ્યું કે આપણા રાજ્યપાલ જ્ઞાનમૂર્તિના શ્રેષ્ઠ શિક્ષકનું ઉદાહરણ છે. જેમના જ્ઞાનનો લાભ રાજ્યને મળી રહ્યો છે. મંત્રીશ્રીએ કહ્યું કે સંકલ્પથી સિદ્ધિ થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલ ભારતને વિશ્વગુરુ બનાવવા સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ બનીએ" તેમ તેમણે ઉમેર્યું હતું.

આજે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કરનારા રાજ્યસ્તરે ૨૮, જિલ્લા કક્ષાએ ૯૬ અને તાલુકા કક્ષાએ ૧૮૪ સહિત તમામ શિક્ષકો તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ મેળવનારા ૧૦ લાભાર્થી વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રીશ્રીએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે શિક્ષણ વિભાગ દ્વારા ‘વિકાસ ગાથા’ શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે Gujarat રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, અમદાવાદ મહાનગરપાલિકાનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારાસભ્યશ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડીયા, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રી મુકેશ કુમાર, શિક્ષણ નિયામકશ્રી એમ.આઈ. જોષી, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-Gujarat-6 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ

Tags :
Gujarat
Next Article