Gujarat : ઘૂસણખોરો પર સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક, ચંડોળા તળાવ 'દબાણમુક્ત' બનશે
- ગેરકાયદે વસવાટ કરનારાઓના સામ્રાજ્યનો સફાયો
- ગુજરાત સરકાર અને પોલીસની અમદાવાદમાં મોટી કાર્યવાહી
- દેશભરમાં પ્રથમ આટલી મોટી કાર્યવાહી કરી દિશા ચિંધતી ગુજરાત પોલીસ
Gujarat : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટનામાં (Pahalgam Terror Attack) 26 નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશમાં ગેરકાનુની રીતે વસવાટ કરતા નાગરિકોને શોધી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને પાકિસ્તાની, બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવાયું હતું. કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકાર ત્વરિત એક્શનમાં આવી હતી. અને રાજ્યભરમાં બિનઅધિકૃત વસવાટ કરતા લોકોની સઘન શોધખોળ હાથ ધરાઇ હતી. રાજ્યમાં જે ઝડપથી આ કામગીરી કરવામાં આવી છે, તે દેશમાં ક્યાંય જોવા મળી નથી. આ મામલે ગુજરાત સરકાર અને પોલીસની આ કામગીરીની દેશભરમાં સરાહના થઇ રહી છે. આ પ્રમાણે અન્ય રાજ્યો પણ બિનઅધિકૃત રહેતા નાગરિકો પર તવાઇ લાવે તો નવાઇ નહીં.
નાગરિકો દ્વારા ઘર અને કારખાના તૈયાર કરી દેવામાં આવ્યા હતા
ગુજરાત પોલીસને આદેશ મળતા જ ત્વરિત રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની ઓળખ કરીને તેમના ડોક્યૂમેન્ટ્સ વેરીફીકેશનનું સઘન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ ગેરકાયદેસર રહેતા નાગરિકોના સામ્રાજ્ય પર ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૈકી એક અમદાવાદમાં આજરોજ ઐતિહાસીક કામગીરી કરવામાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ ખાતે દબાણો પર ઐતિહાસિક સફાઇ અભિયાન (CHANDOLA TALAV DEMOLITION) હાથ ધરવામાં આવી રહ્યું છે. અહિંયા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા નાગરિકો દ્વારા ઘર અને કારખાના તૈયાર કરી દેવામાં આવ્યા હતા. જેનો સફાયો જારી છે.
દેશ વિરોધી રાજનિતીના કારણે તે લોકોને ફાવતું મળ્યું
મહત્વનું છે કે, વર્ષ 2010 માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પણ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર જોરદાર એક્શન લેવામાં આવ્યું હતું. અને તે સમયે તેમને મોટી સંખ્યામાં ડિપોર્ટ કરીને તેમના દેશ પરત મોકલી આપવામાં આવ્યા હતા. સાથે જ મેગા ડિમોલીશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, તે સમયે કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ મામલે કોર્ટમાંથી સ્ટે મેળવી લેવામાં આવ્યો હતો. જે બાદ ખોટી દેશ વિરોધી રાજનિતીના કારણે તે લોકોને ફાવતું મળ્યું હતું, અને તેઓ પરત ફર્યા હતા. બાદમાં તેમના પુનર્વસનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાત સરકારે જબરદસ્ત એક્શન લીધા
આ મામલે સમયાંતરે સ્ટે હટતાની સાથે જ ગુજરાત સરકાર દ્વારા ડિમોલીશન કાર્ય હાથ ધરવાની કામગીરી કરવામાં આવી હતી. આ વખતે દેશહિતમાં અને રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાત સરકારે જબરદસ્ત એક્શન લીધા છે. અને ચંડોળા તળાવ નજીકના દબાણોનો મોટા પાયે સફાયો કરી નાંખવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કાર્યવાહીને દેશભરમાં બિરદાવવામાં આવી રહી છે. અને ગુજરાત પોલીસની ત્વરિતતાને જોતા અન્ય રાજ્યોમાં બિનઅધિકૃત રહેતા નાગરિકો વિરૂદ્ધની કામગીરી વેગ પકડે તેવી પ્રબળ શક્યતાઓ છે.
આ પણ વાંચો --- LIVE: Ahmedabad : ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવા એકસાથે 50 JCB ફરી વળ્યા