GSEB 10th Result 2024: છોટાઉદેપુર જિલ્લાના SSC ના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ 23% નો વધારો
GSEB 10th Result 2024: રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ બહાર પાડવામાં આવેલા ધોરણ 10 ના પરિણામોમાં છોટાઉદેપુર જિલ્લાના છેલ્લા વર્ષના પરિણામો જોતા તેમાં સુધારો જોવા મળી આવ્યું છે. જેને લઇ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજો ફરી વળ્યુ છે. જેથી છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમારે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સફળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.
ગત વર્ષની સરખામણીએ 23% જેટલું પરિણામ વધ્યું
નોંધનીય છે કે, વર્ષ 2023 ની સરખામણીએ આ વર્ષે ધોરણ 10 નું 23 ટકા પરિણામ ઉંચું મળી આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાનું એસએસસી બોર્ડનું પરિણામ 2023 માં 61.44% હતું જે વધીને આ વર્ષે 84.51% થયું છે એટલે કે કહી શકાય કે ગત વર્ષની સરખામણીએ 23% જેટલું પરિણામ વધ્યું છે. રાજ્યમાં પરિણામ દેખાવની દ્રષ્ટિએ પણ છોટાઉદેપુર જિલ્લો ચઢતા ક્રમે હોવાનું નોંધાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા ધોરણ 10 ના પરિણામ સમગ્ર રાજ્યમાં દેખાવની દ્રષ્ટિએ જોઈએ તો પણ વર્ષ 2023 માં 25 માં ક્રમે હતો. જે હાલ 15 માં ક્રમે હોય રાજ્યમાં દેખાવ પણ એકંદરે સારો આ વર્ષે રહ્યા હોવાનું નોંધાયું છે.
છોટાઉદેપુરની એક પણ શાળાનું પરિણામ શૂન્ય ટકા નોંધાયુ નથી
છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 10 માં 48 વિદ્યાર્થીઓ A+ ગ્રેડ થી ઉત્તીર્ણ થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે ધોરણ 10ના મળી આવેલા પરિણામમાં કુલ 48 વિદ્યાર્થીઓ A+ ગ્રેડથી ઉત્તીર્ણ થયા છે, જે ગત વર્ષે 2023 માં આઠ વિદ્યાર્થીઓ A+ ગ્રેડથી ઉત્તીર્ણ થયા હતા તેની તુલનાએ આ વર્ષનું પરિણામ ખુબજ આવકાર દાયક હોવાનું નોંધાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાની એક પણ શાળાનું પરિણામ શૂન્ય ટકા નોંધાયુ નથી.છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે એક પણ શાળા 0 થી 30 ટકા પરિણામ વાળી નથી એટલે કે જિલ્લામાં તમામ શાળાઓનું પરિણામ 30 ટકાથી વધુ નોંધાયું છે જે કહી શકાય કે વર્ષ 2023 માં 0 થી 30 ટકા પરિણામ વાળી શાળાઓનો આંક 09 નો હતો. જેમાં પણ મોટો સુધારો નોંધાયો છે.
2023 માં કુલ ત્રણ શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું હતું
છોટાઉદેપુર જિલ્લામાં સો ટકા પરિણામ મેળવનાર શાળાઓનો આંક 21 ને આંબ્યો છે.છોટાઉદેપુર જિલ્લાની સો ટકા પરિણામ મેળવનાર શાળાઓમાં 21 શાળાઓનો સમાવેશ થાય છે. જે ગત વર્ષની સરખામણીએ 18 શાળાઓનો વધારો નોંધાયો છે. એટલે કે વર્ષ 2023 માં કુલ ત્રણ શાળાઓએ સો ટકા પરિણામ મેળવ્યું હતું. અત્રે મહત્વની બાબત એ છે કે સો ટકા પરિણામ મેળવનાર 21 શાળાઓ પૈકી 13 શાળાઓ સરકારી શાળાઓ, 02 આશ્રમ શાળાઓ અને 06 નોન ગ્રાન્ટેડ શાળાઓનો સમાવેશ થાય છે.
છોટાઉદેપુરમાં SSC બોર્ડના પરિણામમાં 1 થી 3 માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ
ક્રમ | નામ | ટકા | શાળાનું નામ |
1 | શાહ પર્યંક વિવેકભાઈ | 97.5 | શ્રી કવાટ ઇંગલિશ સ્કૂલ |
2 | બારીયા પ્રાચી અલ્પેશભાઈ | 95.5 | શેઠ એચ એચ શીરોલા વાલા હાઇસ્કુલ બોડેલી |
જોશી મનન કુમાર અંકુર કુમાર | 95.5 | માય શાનેન સ્કૂલ બોડેલી | |
3 | મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઇ | 94.66 | ડોન બોસ્કો હાઇસ્કૂલ કવાંટ |
છોટાઉદેપુર જિલ્લાના એસએસસી બોર્ડના પરિણામમાં સૌથી વધુ પરિણામ આ વર્ષે સીથોલ કેન્દ્રનું છે. એસએસસી બોર્ડના મળી આવેલ પરિણામમાં આ વર્ષે સૌથી વધુ પરિણામ વાળા કેન્દ્ર તરીકે 95.20 ટકા પરીણામ સાથે શિથોલ કેન્દ્રનો સમાવેશ થાય છે. જે ગત વર્ષ 2023માં ભેંસાવહી કેન્દ્રનું પરિણામ 74.02 સૌથી વધુ હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ આ વર્ષે છોટાઉદેપુર કેન્દ્રનું 76.14 ટકા સાથે નોંધાયું છે જે ગત વર્ષે નસવાડી કેન્દ્રનું 41.30 ટકા સાથે સૌથી ઓછું પરિણામ નોંધાવ્યું હતું.