Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat-ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

Gujarat : પૂ. ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા મૂલ્યો હશે તો જ દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે : શ્રી આચાર્ય દેવવ્રતજી ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ મૂલ્યોને લઈને આગળ વધે એ જ અભ્યર્થના પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન ન ઉદ્દેશ...
gujarat ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
  • Gujarat : પૂ. ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અપરિગ્રહ જેવા મૂલ્યો હશે તો જ દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે : શ્રી આચાર્ય દેવવ્રતજી
  • ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓ મૂલ્યોને લઈને આગળ વધે એ જ અભ્યર્થના
  • પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન ન ઉદ્દેશ સાથેની ગ્રામ જીવન યાત્રા 21 થી 26 ઑક્ટોબર દરમ્યાન 18,000 ગામોમાં ગ્રામજનો અને ખેડૂતોને માર્ગદર્શન આપશે : રાજ્યપાલ અને મહાનુભાવો એ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
  • ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટનું લોકાર્પણ : ગાંધી વિમર્શના આઠ પુસ્તકોનું વિમોચન કરાયું :  કવિ શ્રી તુષાર શુક્લએ લખેલા પ્રાકૃતિક કૃષિ ગીતનું પણ લોકાર્પણ

Gujarat : પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના 105 મા સ્થાપના દિવસે વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આત્મા શરીર વિના રહી શકે છે, શરીર આત્મા વિના રહી શકતું નથી. એમ અક્ષરજ્ઞાન વિના દુનિયા રહી શકે છે, પરંતુ પૂજ્ય ગાંધીજીએ સૂચવેલા સત્ય, અહિંસા, અસ્તેય, સદાચાર, સંયમ અને અપરિગ્રહ નહીં હોય તો સમાજ નહીં બચી શકે. આ મૂલ્યો હશે તો જ દુનિયા સુખ અને શાંતિથી જીવી શકશે.

Advertisement

આધ્યાત્મિક વિકાસ જ જીવનને પૂર્ણતા આપે

આધ્યાત્મિક વિકાસ જ જીવનને પૂર્ણતા આપે છે, એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૂજ્ય ગાંધીજી ઈચ્છતા હતા કે, ગૂજરાત વિદ્યાપીઠમાં ભણનારા દીકરા-દીકરીઓ ચારિત્ર્યવાન બને, ધર્માત્મા અને જીતેન્દ્રિય બને. પરોપકારી, સેવક અને દયાળુ હોય. તેમના હૃદયમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિનો ભાવ હોય. ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવા મૂલ્યોને લઈને આગળ વધે એવી અભ્યર્થના શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્થાપના દિવસે વ્યક્ત કરી હતી.

'સા વિદ્યા યા વિમુક્તયે'

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠનું ધ્યેય વાક્ય છે - 'સા વિદ્યા યા વિમુક્તયે'.  જે વિદ્યા આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક તાપોથી છુટકારો આપે અને માનવને સંપૂર્ણ વ્યક્તિત્વ પ્રદાન કરીને આદર્શ મનુષ્ય બનાવે એ જ સાચી વિદ્યા. પૂજ્ય બાપુના વિચારો વૈદિક અને ઋષિ પરંપરાના વિચારો હતા એમ કહીને તેમણે કહ્યું કે, વિદ્યા બે પ્રકારની હોય છે; પરાવિદ્યા અને અપરાવિદ્યા. અભ્યાસક્રમની વિદ્યા, કે જેનાથી મનુષ્ય જીવન સુખમય, સરળ અને આરામદાયક બને છે એ વિદ્યા તે અપરાવિદ્યા અને અહિંસા, સત્ય, અસ્તેય,અપરિગ્રહ, બ્રહ્મચર્ય, સંતોષ અને સંયમ તે પરાવિદ્યા. પૂજ્ય બાપુ આવા મૂલ્યવાન માનવનું નિર્માણ ઈચ્છતા હતા.

Advertisement

અગાઉ અહીં જ મેં નિરાશા અને હતાશાનું વાતાવરણ તથા કર્તવ્યપરાયણતાનો અભાવ અનુભવ્યો

શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો તેને 20 મી ઓક્ટોબરે બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના સૌ મહાનુભાવો, કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, વિદ્યાપીઠના તમામ અધ્યાપકો, સેવકગણ અને તમામ વિદ્યાર્થીઓના પ્રયત્નોથી હું વિદ્યાપીઠમાં મોટું પરિવર્તન જોઈ રહ્યો છું. અગાઉ અહીં જ મેં નિરાશા અને હતાશાનું વાતાવરણ તથા કર્તવ્યપરાયણતાનો અભાવ અનુભવ્યો છે. મનને પીડા પહોંચે એટલી ગંદકી જોઈ છે. પરંતુ હવે ગૂજરાત વિદ્યાપીઠે વિકાસની જે દિશા પકડી છે તે જોઈને લાગે છે કે, આપણા સૌ પ્રતિ પૂજ્ય બાપુનો સ્નેહ વરસી રહ્યો હશે. એક મિશન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. તેમણે ગૂજરાત વિદ્યાપીઠના સંચાલન સાથે જોડાયેલા સૌ કોઈને અભિનંદન આપ્યા હતા.

ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટનું લોકાર્પણ

શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટનું લોકાર્પણ કર્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી વિદ્યુત જોષી, પ્રેમ આનંદ મિશ્રા, મંજુલા લક્ષ્મણ, નિપા શાહ,  ડૉ. શેતલ બરોડિયા, પુનિતા અરુણ હરણે, એમ.એચ. મહેતા અને ડૉ. હિમાની બક્ષી લિખિત ગાંધી વિમર્શના અલગ અલગ આઠ પુસ્તકોનું વિમોચન પણ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠની પરિચય પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

Advertisement

ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગ્રામ જીવન યાત્રા

Gujarat-ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગ્રામ જીવન યાત્રા - તારીખ 21 થી 2ઑક્ટોબર દરમ્યાન ગુજરાતના 18,000 ગામોમાં પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન અંતર્ગત ગ્રામજનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપશે.  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મહાનુભાવોએ આ  ગ્રામ જીવન યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી મહાઅભિયાન માટે ગુજરાતી ભાષાના જાણીતા કવિ શ્રી તુષાર શુક્લએ પ્રાકૃતિક કૃષિ ગીત લખ્યું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ ગીત લોકાર્પણ કર્યું હતું.

'વિદ્યાર્થી ત્યાં વ્યવસ્થા'

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે સ્વાગત ઉદબોધનમાં કહ્યું હતું કે, 'વિદ્યાર્થી ત્યાં વ્યવસ્થા'ના ઉદ્દેશ સાથે ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા, સહયોગ, સ્વાવલંબન અને સગવડને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેમણે વિદ્યાપીઠના સ્થાપના દિવસના સંદર્ભે 18 અને 19 ઓક્ટોબર, બે દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. અંતમાં વિદ્યાપીઠના કાર્યકારી કુલસચિવ  ડૉ. નિખિલ ભટ્ટે આભાર વિધિ કરી હતી.

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી કૃષ્ણ કુલકર્ણી, શ્રી દિલીપભાઈ ઠાકર, શ્રી ચંદ્રવદનભાઈ શાહ, શ્રી સુરેશભાઈ રામાનુજ અને શ્રી વિશાલભાઈ ભાદાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-VADODARA : દિવાળી પૂર્વે જિલ્લાને રૂ. 507 કરોડના વિકાસ કામોની સોગાદ આપતા મુખ્યમંત્રી

Tags :
Advertisement

.