Gondal: માતૃત્વની વાહક બનતી 108 સેવા, વરસતા વરસાદમાં સગર્ભાએ આપ્યો જોડિયા બાળકોનો જન્મ
Gondal: વરસતા વરસાદમાં વીજળીના કડાકા વચ્ચે બાળકના મીઠા રુદનની ટાઢકની અનુભૂતિ આજે 108 એમ્બ્યુલન્સમાં જોવા મળી હતી. જેવી રીતે વરસતા વરસાદમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ નંદની ઘરે થયો હતો. તેવી જ રીતે આજે ભરૂચમાં (Gondal) વહેલી સવારે 05:33 વાગ્યે ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં સગર્ભા માતાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 સેવા દ્વારા જોડિયા બાળકોનો જન્મ સ્ટાફની કુનેહથી કરાવી માતાને દર્દમુક્ત કરાઈ હતી.
પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરવી પડે એવી સ્થિતિ હતી
આ અંગે 108 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, અનેક કિસ્સામાં પ્રસુતાની હાલત ગંભીર હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ સગર્ભાની પ્રસુતિ 108 માં કરાવવવાની ફરજ પડતી હોય છે. આ કિસ્સામાં પણ હડમતાળા ગામમાં સગર્ભા માતાને એમ્બ્યુલન્સ લઇ જતાં હતાં. એ દરમિયાન સગર્ભા માતાને અસહય પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ સેવાનાં ફરજ ઉપરના ઇ.એમ.ટી અલ્પેશ આહીર અને પાઇલોટ દેવરાજભાઈ ચૌહાણે તપાસ કરતાં જાણ્યું કે મહિલાની સ્થિતિ નાજુક હતી. પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં જ કરવી પડે એવી સ્થિતિ પેદા થઈ હતી.
ચાલુ વરસાદમાં એમ્બ્યુલન્સમાં થયો
જોડિયા બાળકો હોવાની ખબર પડી એટલે તરત અમદાવાદ ખાતેના તજજ્ઞ ડોક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી ડોક્ટરની સલાહ સૂચન મુજબ ઇ.એમ.ટી અલ્પેશ આહીરએ સલામત સ્થળ એમ્બ્યુલન્સ ઉભી રાખી સગભા માતાની પ્રસૂતિની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન એક પછી એક એમ 10 મિનિટના અંતરમાં જોડિયા બાળકોનો જન્મ ચાલુ વરસાદમાં એમ્બ્યુલન્સમાં જ સફળ રીતે કરવામાં આવ્યો.
10 મિનિટના અંતરમાં જોડિયા બાળકોનો જન્મ આપ્યો
નોંધનીય છે કે, 28 વર્ષીય સગર્ભા માતા રૂબીબેન રાજેશ ભાઈ અને તેમના જોડિયા બાળકોને પ્રાથમિક સારવાર આપી રાજકોટ ઝનાના હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતાં. અહીં ફરજ ઉપરના ડો.મેઘાએ સગર્ભા માતા અને નવજાત જોડિયા બાળકો સંપૂર્ણ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી હતી. આમ ચાલુ વરસાદ દરમિયાન 108 સેવાનાં તાલીમબદ્ધ કર્મચારીની યોગ્ય કામગીરીએ સગર્ભા માતા અને નવજાત શિશુઓના જીવન બચાાવવામાં નિમિત્ત બન્યા હતા.આ તકે 108 ના કર્મનિષ્ઠ અધિકારી અને કર્મચારીઓએ પદ્મશ્રી પુરસ્કાર એનાયત એવા કવિ દુલા ભાયાની કવિતાને સાર્થક કરી બતાવી હતી.