સુરતમાં ઇસ્કોન મંદિરની રથયાત્રામાં ભગવાનના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત
અષાઢી બીજ એટલે કે ભગવાનના વિહાર, રથયાત્રાને લઇને ઇસ્કોનના વિવિધ મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી ૨૦ જૂનના રોજ અષાઢ સુદ બીજ નિમિત્તે સુરત શહેરમાં પાંચ ઠેકાણેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. દરમિયાન વરાછા સ્થિત ઇસ્કોન મંદિરમાં રથયાત્રામાં અવનવી કૃતિ, પ્રસ્તુતિ અને ભગવાનના વાઘા આકર્ષણનું કેન્દ્ર બનશે.એટલું જ નહીં, રથયાત્રાની સાથે જ કોમી એકલાસ, સમરસતાના પણ દર્શન થશે, કારણ કે ભગવાન જગન્નાથ ભાઇ બલદેવ અને બહેન સુભદ્રા માટે હિન્દુ-મુસ્લિમ કારીગરોએ સાથે મળીને આકર્ષક અને અનોખા વસ્ત્રો બનાવ્યા છે.
વરાછા લંબે હનુમાન રોડ સ્થિત માતાવાડી સર્કલ ખાતે આવેલા રાધા શ્યામસુંદર (ઇસ્કોન)મંદિરમાં મૂર્તિમાનદાસ પ્રભુના માર્ગદર્શન હેઠળ ૨૦ જુનના મંગળવારના રોજ મીનીબજારથી વીઆઇપી સર્કલ, સવજી કોરાટ બ્રિજ, સરથાણા જકાતનાકા સુધીની ૧૧.૫૦ કિલોમીટર લાંબી રથયાત્રા નીકળશે. આ અંગે મંદિર ના પૂજારીએ જણાવ્યું હતું કે,આ વખતે ભક્તોમાં ભારે ઉત્સાહ છે,ભક્તો રથ યાત્રામાં ભાગ લે એવી તમામની ભાવના પણ છે. સાથે જ આ વખતનું આકર્ષણનું કેન્દ્ર એવા ભગવાનના વાઘા મુસ્લિમ અને હિન્દુ કારીગર દ્વારા સયુંકત રીતે સાથે મળીને બનાવવામાં આવ્યા છે. વાધામાં તાકેલા સ્ટોન અને જવેલરી અમેરિકન ડાયમંડમાંથી બનાવાઇ છે..જેની કિંમત સવાલાખ રૂપિયા જેટલી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા ૯ કિલોમીટર લાંબી નીકળતી હતી અને તેમાં આ વર્ષ વધારો કરાયો છે. આગામી દિવસોમાં રથયાત્રાને લગતી અન્ય તૈયારીઓનો પણ ધમધમાટ જોવા મળશે.