Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath: મતગણતરીમાં થઈ હતી માથાકૂટ, સુત્રાપાડાના યુવાનનું પાડોશી સહિતના શખ્સોએ કર્યુ અપહરણ

Gir Somnath: સુત્રાપાડામાં રહેતો એક યુવાન મતગણતરી માટે તારીખ 3ના જૂનાગઢ ગયો હતો. જ્યાં તેના પાડોશમાં રહેતા શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. જેના મનદુઃખના કારણે ગતસાંજે પાડોશી, તેના મિત્ર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ યુવાનનું જીપમાં અપહરણ કરી બેફામ માર...
gir somnath  મતગણતરીમાં થઈ હતી માથાકૂટ  સુત્રાપાડાના યુવાનનું પાડોશી સહિતના શખ્સોએ કર્યુ અપહરણ

Gir Somnath: સુત્રાપાડામાં રહેતો એક યુવાન મતગણતરી માટે તારીખ 3ના જૂનાગઢ ગયો હતો. જ્યાં તેના પાડોશમાં રહેતા શખ્સ સાથે માથાકૂટ થઈ હતી. જેના મનદુઃખના કારણે ગતસાંજે પાડોશી, તેના મિત્ર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ યુવાનનું જીપમાં અપહરણ કરી બેફામ માર માર્યો હતો અને ધમકી આપી હતી. બાદમાં ફરિયાદ નહીં કરવા ખાતરી આપ્યા બાદ યુવાનને મુક્ત કર્યો હતો. આ અંગે આજે ફરિયાદ થતા પોલીસની ચાર ટીમ બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

પોલીસની ચાર ટીમ બનાવી આરોપીઓની શોધખોળ આરંભી

આ અંગેની વધુ વિગત મુજબ (Gir Somnath) સુત્રાપાડામાં મંજૂલેશ્વર મંદિર પાસે રહેતો અને ખેતી કરતો જયેશ ઉર્ફે મેઘાણી મહેન્દ્રભાઈ બારડ (ઉ.વ.30) ગત તા.3ના સાંજે લોકસભા બેઠકની મતગણતરી માટે જૂનાગઢ આવ્યો હતો. તેની બાજુમાં રહેતો મયંક કાના બારડ પણ જૂનાગઢ ગયો હતો. બંનેને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે મયંકે જયેશ ઉર્ફે મેઘાણીને ઢીકાપાટુ મારી મોઢાના ભાગે વિખોડીયા ભરી લીધા હતા.

જયેશે બુમાબુમ કરતા યશ બેરાએ મોં પર રૂમાલ બાંધી દીધો હતો

ગઈકાલે સાંજે જયેશ ઉર્ફે મેઘાણી સુત્રાપાડામાં કાંકરી ગેટ પાસે કાર રિપેર કરાવવા ઉભો હતો ત્યારે મયંક કાના બાડ અને જૂનાગઢનો તેનો મિત્ર યશ બેરા અને ત્રણ અજાણ્યા શખ્સો સફેદ કલરની બોલેરોમાં આવ્યા હતા. તેણે જયેશને બળજબરીપૂર્વક બોલેરોમાં બેસાડી સુત્રાપાડા ફાટકથી આગળ લઈ ગયા હતા અને આ દરમિયાન ઢીકાપાટુ તથા થપ્પડ વડે માર મારતા ગડુ અને ત્યાંથી તાલાળા તાલુકાના ઉમરેઠી ડેમ તરફ આવેલી એક વાડીએ લઈ ગયા હતા. જયેશે બુમાબુમ કરતા યશ બેરાએ મોં પર રૂમાલ બાંધી દીધો હતો. મયંકે કુહાડી વડે પગમાં ઈજા કરી હતી. જ્યારે યશે પાઈપ ફટકારી કાંડાના ભાગે ઈજા કરી હતી. અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ચેઈન વડે માર મારી આંખના ભાગે મુક્કા માર્યા હતા.

Advertisement

જયેશે મુક્ત કરવા આજીજી કરી હતી

એક કલાક સુધી આ શખ્સોએ માર મારતા જયેશને ઉલ્ટી થવા લાગી હતી અને અર્ધબેભાન થઈ ગયો હતો. મયંકને કોઈનો ફોન આવતા તેમના મિત્રોએ હવે આને આપડે વેરાવળ મુકી આવીએ એવી વાત કરી હતી. ત્યારે યશ બેરાએ આને જૂનાગઢ લઈ જઈ અને ત્યાં હાથ-પગ ભાંગી નાખવા છે તેમ કહ્યું હતું. જયેશે મુક્ત કરવા આજીજી કરી હતી. ત્યારે મયંક, યશ તથા તેના મિત્રોએ તું પોલીસ કેસ ન કરે તો તને મુક્ત કરશું, જો ફરિયાદ કરીશ તો પાછો પકડી ફરી માર મારશું એવી ધમકી આપી હતી. જયેશે મુક્ત થવા માટે ત્યારે ફરિયાદ નહી કરૂ તેવું કહ્યું હતું.

ઘાયલ થતા વેરાવળ સરકાર હોસ્પિટલમાં ખસેડાયો હતો

આથી શખ્સોએ જયેશને વેરાવળ બાયપાસ પર ઉતારી ચાલવા કહ્યું હતું, પરંતુ જયેશે ચાલી શકાય તેમ નથી તેમ કહેતા આ શખ્સોએ ચાલવા માંડ નહીતર તારા ઉપર ગાડી ચડાવી દઈશું એવી ધમકી આપતાં જયેશ ચાલવા લાગ્યો હતો. ત્યારબાદ તેને તેના મિત્રને ફોન કરી બોલાવ્યો હતો. તેણે વેરાવળ સરકાર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે ફરિયાદ થતા સુત્રાપાડા પોલીસે મયંક કાના બારડ, યશ બેરા તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ IPC 143,147,148,149,323,324,325,506(2) મુજબ અપહરણ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અહેવાલઃ અર્જુન વાળા, ગીર સોમનાથ

આ પણ વાંચો: Gondal: ગોંડલી નદી પર ફોર લેન બ્રિજના બાંધકામમાં અડચણરૂપ મિલકતોનું ડીમોલેશન શરૂ

આ પણ વાંચો: Surat: 14 વર્ષના તરૂણનું અકાળે મોત, સુરતના ભટાર વિસ્તારમાં બની હ્રદય કંપાવી દેનારી ઘટના

આ પણ વાંચો: Surat: ટેક્સટાઈલ માર્કેટને સીલ મારવા મુદ્દે હોબાળો, વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા

Tags :
Advertisement

.