Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગલગોટાના ફૂલને પોષણક્ષમ ભાવ અને સબસીડી આપવા ખેડૂતોની માંગ

અહેવાલ- નામદેવ પાટીલ,પંચમહાલ મધ્ય ગુજરાતમાં ગલગોટાના ફૂલની ખેતીનું હબ માનવામાં આવતા પંચમહાલ જિલ્લાના અરાદ ગામના ખેડૂતોને હાલ ગલગોટાના ફૂલના પોષણક્ષમ ભાવ નહીં મળવા ઉપરાંત વરસાદની અને વાતાવરણની સતત બદલાતી સ્થિતિને લઈ બેહાલ થયા છે.માર્કેટમાં હાલ ભાવ એકદમ ઓછા મળવા ઉપરાંત...
06:11 PM Oct 29, 2023 IST | Maitri makwana

અહેવાલ- નામદેવ પાટીલ,પંચમહાલ

મધ્ય ગુજરાતમાં ગલગોટાના ફૂલની ખેતીનું હબ માનવામાં આવતા પંચમહાલ જિલ્લાના અરાદ ગામના ખેડૂતોને હાલ ગલગોટાના ફૂલના પોષણક્ષમ ભાવ નહીં મળવા ઉપરાંત વરસાદની અને વાતાવરણની સતત બદલાતી સ્થિતિને લઈ બેહાલ થયા છે.માર્કેટમાં હાલ ભાવ એકદમ ઓછા મળવા ઉપરાંત ક્યારેક ફૂલનું વેચાણ નહીં થતાં ખેડૂતોને વિલે મોઢે ફુલ પરત ઘરે લઈને આવવાની તિથિનું નિર્માણ થઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે નવરાત્રિ અને દિવાળીમાં અહીંથી ફૂલ વડોદરા,સુરત અને સૌરાષ્ટ્ર પંથકમાં વેચાણ માટે જતાં હોય છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા અરાદ ગામના ખેડૂતો છેલ્લા 20 વર્ષ ઉપરાંત બાગાયત કેન્દ્ર અને સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મળેલા માર્ગદર્શનને અનુલક્ષી હાલ રોકડિયા પાક એટલે કે શાકભાજી અને ગલગોટાના ફૂલની ખેતી કરી રહ્યા છે.ગામમાં અંદાજિત 400 વીઘા ઉપરાંત જમીનમાં ખેડૂતો કેસરી અને પીળા ગલગોટાના ફૂલની ખેતી કરી રહ્યા છે.પ્રારંભિક તબક્કાથી માંડી ગત વર્ષ સુધી ગલગોટાની ખેતીમાં સારી ઉપજ થતાં જ ખેડૂતો માં ખૂબ જ ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળતો હતો પરંતુ છેલ્લા એક વર્ષ ઉપરાંત મોસમના સતત બદલાતા મિજાજને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તેઓએ જુલાઈ માસના અંતિમ તબક્કામાં ગલગોટાનું વાવેતર કર્યું હતું ત્યારબાદ ઓગસ્ટ માસમાં ગલગોટાના છોડને વૃદ્ધિ માટે વરસાદની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી એ જ સમયે વરસાદે લાંબો વિરામ પાળ્યો હતો જેથી ખેડૂતોએ ગલગોટાના છોડને બચાવવા માટે સિંચાઈ સુવિધાની સગવડ કરી છોડને જીવતદાન પૂરું પાડ્યું હતું.

ત્યાં જ સપ્ટેમ્બર માસમાં ત્રણ દિવસ માં અચાનક અંદાજિત 13 ઇંચ જેટલો વરસાદ થાક્યો હતો એ વેળાએ ખેતરોમાં પાણીનો જમાવડો થતા જ ગલગોટા ના છોડને ભારે નુકસાન થવા સાથે વૃદ્ધિ અટકી ગઈ હતી .આ સ્થિતિમાં પણ ખેડૂતોએ મોંઘા ખાતર બિયારણ થકી છોડની માવજત કરી હતી જેથી અગાઉના વર્ષો કરતા ફૂલની આવક 50% ઓછી થઇ હતી પરંતુ ખેડૂતોમાં ખાતર બિયારણ અને વાવેતરનો ખર્ચ નીકળવાની એક આશા બંધાઈ હતી.બીજી તરફ નવરાત્રી દરમિયાન ખેડૂતોએ પોતાના ફૂલ તોડી બજારમાં વેચવાનો શરૂઆત કરી ત્યારે પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોને માંડ માંડ મજૂરી ખર્ચ અને ભાડું મળી રહ્યું હતું.તેમ છતાં ખેડૂતોએ દિવાળીમાં ફૂલની આવકમાંથી ખર્ચ નીકળશે એવી આશા સાથે છોડને માવજત જારી રાખી હતી ત્યારે હાલ થોડા દિવસથી દિવસ દરમિયાન ગરમી,રાત્રે ઠંડી અને વહેલી સવારે ઝાંકળ વાળું વાતાવરણ સર્જાતા હાલ ફૂલની ઉપજમાં ખૂબ જ ઘટાડો થઈ જતા ખેડૂતોની હાલત કફડી બની છે.કેટલાક ખેડૂતો ને તો ગલગોટાના છોડ હાલ નિષ્ફળ થવાના આરે આવી ઊભા છે.

સરકાર દ્વારા અગાઉના વર્ષોમાં ખેડૂતોને ગલગોટાની ખેતીમાં સબસીડીનો લાભ આપવામાં આવતો હતો.અંદાજિત એક વીઘા દીઠ 5000 રૂપિયા સબસીડીની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવતી હતી જેથી ખેડૂતોને ખેતીમાં નુકસાન જવાની સ્થિતિ સર્જાય એ વખતે તેઓનો ખર્ચ સરભર થઈ જતો હતો.પરંતુ સરકાર દ્વારા સબસીડીની ચુકવણું છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત બંધ કરી દેવામાં આવી છે જે શરૂ કરવામાં આવે એવી અહીંના ખેડૂતો માગણી કરી રહ્યા છે.

ગલગોટા ના ફૂલનું હબ ગણાતા અરાદ ગામના ખેડૂતો નિરાસ વદને જણાવી રહ્યા છે કે અમે ગલગોટા ના ફૂલ વેચવા માટે નજીક પડતા વડોદરા માર્કેટમાં જઈએ છીએ ત્યાં પણ અમારી હાલત ખૂબ જ કફોડી છે.શાકભાજીમાં દલાલી એપીએમસી દ્વારા ચૂકવવામાં આવે છે.જ્યારે ફૂલમાં 10% દલાલી ખેડૂતો પાસે વસૂલવામાં આવે છે.જેથી ખેડૂતને દેખીતું નુકસાન થાય છે.વળી રાજ્ય બહારથી ફૂલની આયાત થતી હોવાથી અહીંના સ્થાનિક ખેડૂતોના ફૂલ નો પોષણક્ષમ ભાવ મળતો નથી .આ સંજોગોમાં ખેડૂતો પોતાના ફૂલ માર્કેટમાં રોડ ઉપર ઉભા રહી વેચવાનો પ્રયાસ કરે છે દરમિયાન અહીં ટ્રાફિક પોલીસ દ્વારા તેઓના વાહનો અને ફૂલનો જથ્થો જપ્ત કરવા સાથે જ મેમો આપવામાં આવતા ભારે ખર્ચ સહન કરવો પડે છે.ક્યારેક ફૂલ નહીં વેચાતા ઘરે પરત લાવવાની ફરજ પણ પડતી હોય છે.એમ જણાવતાં ખેડૂતો ભાવુક બની જાય છે.ત્યારે આ સંજોગોમાં સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ ટેકાના ભાવે ફૂલની ખરીદી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એમ છ. એવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો -  અંબાજી મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર્શન કરવા આવશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
affordable priceFarmersFarmers' demandFlowersubsidy
Next Article