એસેન્ચર દ્વારા સમર્થિત EDII ના ફ્લેગશિપ વીએક્ટ પ્રોગ્રામે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર કચેરી સાથે MOU કર્યા
એસેન્ચર દ્વારા સમર્થિત આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ( EDII ), અમદાવાદના વીએક્ટ પ્રોગ્રામે સમાવેશક વિકાસ અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર કચેરી સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો છે. ગુજરાતના કુટિર ઉદ્યોગમાં આર્થિક વિકાસને વધારવા, સ્થાનિક કારીગરોને સશક્ત કરવા તથા ટકાઉ પ્રથાઓને આગળ ધપાવવા માટે આ સહયોગ કરવામાં આવ્યો છે.
EDII અને ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર કચેરી વચ્ચે MOU
ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર અને સેક્રેટરી આઈએએસ પ્રવીણ સોલંકી, ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના અધિક નિયામક હેતલ પટેલ, એસેન્ચરના સીએસઆર મેનેજર ડેનિયલ થોમસ અને ઈડીઆઈઆઈના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોજેક્ટ્સ-કોર્પોરેટના ડિરેક્ટર ડો. રમણ ગુજરાલની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સહયોગ હેઠળ ગુજરાત સ્થિત મહિલા કારીગરોને એસેન્ચર સમર્થિત વીએક્ટ પ્લેટફોર્મ દ્વારા માર્કેટ એક્સેસ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને નેટવર્ક તથા ટેક્નોલોજીનો લાભ સુનિશ્ચિત કરવામાં આવશે. વીએક્ટ એ મહિલા ઉદ્યોગ સાહસિકોનું પ્લેટફોર્મ છે જેનો ઉદ્દેશ્ય હસ્તકલા સેતુ પ્રોજેક્ટમાં નોંધાયેલી કારીગરોને તેમનો વ્યવસાય વધારવા અને રાષ્ટ્રીય બજાર સુધીની પહોંચ મેળવવા માટે સક્ષમ બનાવવાનો છે. આ ભાગીદારી સમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા, આર્થિક વિકાસને વધારવા તથા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને સાચવવા માટેના ગંભીર પ્રયાસોનું પ્રતીક છે.
વીએક્ટે ભારતભરમાં 13,400થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો સુધી પહોંચી છે અને કારીગરો તથા વણકરો માટે બજારને નોંધપાત્ર વધાર્યું છે.
ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના કમિશનર તથા સચિવ આઈએએસ પ્રવીણ સોલંકીએ જણાવ્યું હતું કે “ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ તથા વીએક્ટ વચ્ચેની ભાગીદારી રાજ્યના કારીગરો અને વણકરોના કલ્યાણ માટેની દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.”
EDII ના ડિરેક્ટર જનરલ ડો. સુનીલ શુક્લાએ જણાવ્યું હતું કે “આ ભાગીદારી ગુજરાતમાં કારીગર સમુદાયને સશક્ત કરવા તથા સમાવેશક વિકાસને આગળ વધારવા માટેના અમારી સહિયારી પ્રતિબદ્ધતાને વ્યક્ત કરે છે.”
EDII ના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોજેક્ટ્સ-કોર્પોરેટના ડિરેક્ટર ડો. રમણ ગુજરાલે જણાવ્યું હતું કે “આ એમઓયુ વીએક્ટ પ્રોગ્રામ થકી હસ્તકલા સેતુ પ્રોજેક્ટ (ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર કચેરી દ્વારા સમર્થિત અને ઈડીઆઈઆઈ દ્વારા અમલી)ના લાભાર્થીઓ માટે વિસ્તૃત બજારો તથા નેટવર્કના સંદર્ભમાં સર્વગ્રાહી સમર્થન પ્રદાન કરશે.”
અહેવાલ - સંજય જોશી
આ પણ વાંચો -- Vadodara : હાથીખાના માર્કેટમાંથી ડુપ્લિકેટ મરચાં પાવડરનો જથ્થો જપ્ત કરાયો