હિંમતનગરની યશદીપ ગાયનેક હોસ્પિટલના ડોક્ટર મહેન્દ્ર સોની અને દીપક પટેલ ગર્ભપરીક્ષણ કરતા ઝડપાયા
સાબરકાંઠા જિલ્લામાં આવેલી ગાયનેક હોસ્પિટલોમાં પ્રતિબંધિત એવા ગર્ભપરીક્ષણના કાયદાનો સરેઆમ ભંગ કરીને જરૂરીયાતમંદ દંપતીઓના ખિસ્સા ખાલી કરાવીને ધિકતી કમાણી કરી રહ્યા છે. ત્યારે સોમવારે રાજસ્થાનની પી.એન.ડી.ટી ટીમે હિંમતનગરની યશદીપ ગાયનેક હોસ્પિટલમાં દરોડો પાડીને બે તબીબોની અટકાયત કરી હતી. અને સ્થાનિક પોલીસને જાણ કર્યા બાદ આ બંને તબીબોને રાજસ્થાન લઈ જવાયા હતા.
રાજસ્થાનના જયપુર સ્થિત PCPNDT યુનિટની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું
હિંમતનગર શહેરમાં ગર્ભ પરિક્ષણ કરતા એક તબીબને પકડવા માટે રાજસ્થાનના જયપુર સ્થિત PCPNDT યુનિટની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. જયપુરના દલાલ મારફતે છટકાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હિંમતનગરના તબીબ મહેન્દ્ર સોનીને ઝડપી લેવામાં આવ્યા હતા. ડૉ.સોની દ્વારા રાજસ્થાનથી છટકા મુજબ આવેલી ગર્ભવતી મહિલાનુ ગર્ભપરીક્ષણ કર્યુ હતુ. જેને લઈ જયપુરની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
પી.એન.ડી.ટીની ટીમે યશદીપ હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ કરાવવાના બહાને એક ગર્ભવતી મહિલાને દર્દી તરીકે મોકલ્યા
આ અંગે આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવેલ યશદીપ હોસ્પિટલના જૂના અને જાણીતા તથા આર્થિક રીતે સંપન્ન એવા ડૉ.મહેન્દ્ર સોની અને દિપક પટેલ પોતાની હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરી રહ્યા છે. તેમ છતાં સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ જાણે કે અંધારામાં હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન સોમવારે રાજસ્થાનની પી.એન.ડી.ટીની ટીમે યશદીપ હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ કરાવવાના બહાને એક ગર્ભવતી મહિલાને દર્દી તરીકે મોકલ્યા હતા.
રાજસ્થાનની ટીમે તબીબોની દરકાર કર્યા વિના બંનેને લઈ રાજસ્થાન જતાં રહ્યા
ત્યારબાદ આ બંને તબીબોએ પ્રતિબંધિત એવા ગર્ભપરીક્ષણના કાયદાનો ભંગ કરીને ગર્ભવતી મહિલાના ગર્ભનું પરીક્ષણ કર્યું હતું. આ કામગીરી ચાલુ હતી ત્યારે રાજસ્થાનની પી.એન.ડી.ટીની ટીમે તુરંત જ તબીબની ચેમ્બરમાં ધસી જઈને બંને તબીબોને રંગે હાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ રાજસ્થાનની ટીમે આ બંનેને હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. જ્યાં બે પૈકી એક તબીબ અચાનક બિમાર પડી ગયા હતા. અને તુરંત જ સારવાર અપાવવાની તજવીજ કરાઈ હતી. હિંમતનગરમાં યશદીપ હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ કરતા પકડાયેલા બે તબીબો અંગે અન્ય તબીબોને ખબર પડતા કેટલાક તબીબો બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. પરંતુ રાજસ્થાનની ટીમે તબીબોની દરકાર કર્યા વિના બંનેને લઈ રાજસ્થાન જતાં રહ્યા હતા.
રાજસ્થાનની ટીમથી કોણ ગભરાયું
યશદીપ હોસ્પિટલમાં કામ કરતા દિપક પટેલને રાજસ્થાનની ટીમે રંગે હાથ પકડી લીધા બાદ બંને તબીબોને બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા માન ત્યારે દિપક પટેલની તબીયત લથડતા ૧૦૮ એમ્બ્યુલન્સ ધ્વારા સારવાર માટે લઈ જવાયા હતા.
સોનોગ્રાફી મશીન અને પ્રિન્ટર સીલ કરાયું
યશદીપ હોસ્પિટલમાં રાજસ્થાનની ટીમે દરોડો પાડી ગેરકાયદે સોનોગ્રાફી માટે ઉપયોગમાં લેવાનુ મશીન અને પ્રિન્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતુ. જો કે રાજસ્થાનની ટીમ સોનોગ્રાફી મશીન તથા પ્રિન્ટરનો અભ્યાસ કરી કેટલાક તારણો કાઢશે.
સ્થાનિક આરોગ્ય વિભાગ અજાણ કેમ ?
હિંમતનગર સહીત સાબરકાંઠામાં ગર્ભપરીક્ષણ કરી ધીકતી કમાણી કરતા અનેક ગાયનેક તબીબો રોજબરોજ ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરે છે ત્યારે શું જિલ્લાનું આરોગ્યતંત્ર તેનાથી અજાણ છે કે પછી રહેમ નજર હેઠળ વ્યવહારો કરીને તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ એમ માનીને હોતી હૈ, ચલતી હૈ મુજબ આંખ આડા કાન કરતા હોય તેમ લોકો માની રહ્યા છે.જેથી રાજ્યના આરોગ્ય વિભાગ ધ્વારા વિજીલન્સની તપાસ કરવામાં આવે તો અનેક ચોકાવનારી વિગતો બહાર ધમ ભાવ આવવાની શક્યતા નકારી શકાતી નથી.
અગાઉ પણ જયપુરની ટીમે ગાયનેક હોસ્પિટલના તબીબો વિરુદ્ધ કરી હતી કાર્યવાહી
ડો. મહેન્દ્ર સોની ગાયનેક તબિબ છે અને તેઓ પ્રસુતિ ગૃહ સહિતની હોસ્પિટલ હિંમતનગર શહેરમાં ચલાવે છે. આ દરમિયાન તેઓએ ગર્ભ પરિક્ષણ મંગળવારે કરતા તેઓને ઝડપવામાં આવ્યા હતા. આ પહેલા પણ હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા વિસ્તારમાંથી જયપુરની ટીમ આ રીતે કાયદાનો ભંગ કરીને રાજસ્થાનની ગર્ભવતી મહિલાઓનુ ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરવાને ઝડપી ચુકી છે. રાજસ્થાનથી ગર્ભ પરિક્ષણ કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ સરહદ વિસ્તારના શહેરોમાં આવતા હોય છે. જેને લઈ રાજસ્થાનમાં ટ્રેપની આયોજન કર્યા બાદ દલાલ મારફતે તબિબ પાસે પહોંચતા હોય છે. ત્યારે હવે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ તંત્ર ફરી ઊંઘતું ઝડપાયું હોય એવી સ્થિતી સામે આવી છે. હિંમતનગરથી 572 કિલોમીટર દુર જયપુરથી આવીને ટીમે તેમનુ આપરેશન પાર પાડ્યુ હતુ. આમ સ્થાનિક આરોગ્ય વિભાગ ગર્ભ પરિક્ષણ ઝડપવામાં ઉંઘતુ જ રહ્યુ હોય એવી સ્થિતી સર્જાઈ છે.
આ પણ વાંચો - ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ