Junagadh : પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પ્રાચીન શિવાલયોમાં ભાવિકોની ભીડ
અહેવાલ : સાગર ઠાકર, જુનાગઢ
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં પ્રાચિન શિવાલયોમાં ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં ભાવિકો માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ લોકો મહાદેવજીના મંદિરે પૂજા અર્ચના કરી રહ્યા છે, શિવાલયોમાં શ્રાવણ માસને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
જૂનાગઢની આધ્યાત્મિક ભૂમિ પર આજથી ભક્તિભાવ પૂર્વક પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો, ચાલુ વર્ષે શ્રાવણ અધિક માસ હતો એટલે ગઈકાલે અધિક શ્રાવણ પૂર્ણ થતાં હવે નીજ શ્રાવણની શરૂઆત થઈ છે, ચાલુ વર્ષે ભાવિકોને બે પવિત્ર માસનો લ્હાવો મળી રહ્યો છે, શ્રાવણ માસના પ્રથમ દિવસે શહેરના પ્રાચીન શિવાલયોમાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, શહેરના પ્રાચીન સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારથી ભાવિકો શિવાલયમાં પૂજા અર્ચના કરી રહ્યા છે, ભગવાન ભોળાનાથની ષોડશોપચાર પૂજા, રૂદ્દાભિષેક, મહાઆરતી સહીતની પૂજા વિધિ કરવામાં આવી રહી છે. પ્રાચીન સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર શહેરની મધ્યમાં હોય અને પ્રાચીન મંદિર હોય લોકોની આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસને લઈને ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ ભાગવત, દેવી ભાગવત અને શિવમહાપુરાણનું પઠન કરવામાં આવે છે, સાથોસાથ દરરોજ વિવિધ ધાર્મિક વિષયો પર પ્રવચન અને સત્સંગ સહીતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જેનો ભાવિકો લાભ લે છે. બીજી તરફ શહેરના અન્ય એક પ્રાચીન માંગનાથ મહાદેવ મંદિર ખાતે પણ સવારથી જ ભાવિકો પૂજા અર્ચના માટે પહોચ્યા હતા, માંગનાથ મહાદેવ મંદિર અંદાજે 700 વર્ષ જૂનું છે અને તેનો રોચક ઈતિહાસ છે, મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.
શ્રાવણ માસ દરમિયાન પ્રાતઃ આરતી, વિશેષ પૂજા, રૂદ્રાભિષેક, મહાઆરતી સહીતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તો ગરવા ગિરનારની તળેટીમાં બિરાજમાન ભગવાન ભવનાથ મહાદેવ મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી, મહાશિવરાત્રી દરમિયાન ભવનાથ તળેટીમાં મેળો યોજાઈ છે, સમગ્ર વર્ષ દરમિયાન અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતાં હોય છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિકોએ ભવનાથ મહાદેવના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.
આ પણ વાંચો : UNESCO ના સભ્યોએ સાયન્સ સિટીના ક્લાઈમેટ ચેન્જ એજ્યુકેશન અંગે માહિતી મેળવી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.