Chotaudepur : આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલેટર બહેનોનો બાકી પડતો પગાર વધારો ચુકવી દેવાની માંગ
અહેવાલ---તૌફિક શેખ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીને મહિલા શકિત સેનાના નેજા હેઠળ જિલ્લાની આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલેટર બહેનોનો બાકી પડતો પગાર વધારો ચુકવી દેવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.
જિલ્લા આરોગ્ય અધિકારીના ચેમ્બરની બહાર રામધૂન
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશા વર્કર બહેનો તેમ જ આશા ફેસીલેટર બહેનોને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી પ્રોત્સાહન રકમમાં દર માસે રૂપિયા ૨૫૦૦ નો વધારો તેમજ આશા ફેસીલેટર બહેનોને ૨૦૦૦ નો પગાર વધારો જાહેર કરવામાં આવેલો હતો.આ પગાર વધારો ૧-૪-૨૩ થી આજદિન સુધીનો ચૂકવવાનો બાકી હોવાથી જે મહિલા શક્તિ સેનાના ચંદ્રિકા સોલંકીના નેજા હેઠળ જિલ્લાની આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલેટર બહેનો આક્રોશ સાથે જીલ્લા આરોગ્ય કચેરી ખાતે ઘસી આવી હતી.અને જિલ્લા પંચાયત પરિસરમાં આવેલ જિલ્લા આરોગ્ય અધિકારીના ચેમ્બરની બહાર રામધૂન બોલાવી ધરણા કરી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલેટર સાથે ઓરમાયું વર્તન
દિવાળીના તહેવારોમાં ઘણા જિલ્લામાં આશા વર્કર બહેનો તેમ જ આશા ફેસીલેટર બહેનોને ૫૦ ટકા નો વધારો તેમજ ૨૫૦૦ રૂપિયાનો પગાર વધારો ચૂકવી દીધેલ હતો. જેથી તે બહેનો એ દિવાળીના તહેવારો પણ આનંદ ઉલ્લાસ સાથે ઉજવ્યા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલેટર સાથે જાણે ઓરમાયું વર્તન દાખવીને દિવાળી તો શું પણ દેવ દિવાળી કે જે આદિવાસીઓનો મોટો તહેવાર ગણાય છે. ત્યારે પણ તેઓના હકના નાણાં ચૂકવવામાં આવ્યા નથી. તો આવો અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે...? આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટર બહેનોને પગાર વધારો ચૂકવી દેવા બાબતે રાખવામાં આવેલી ઉદાસીનતા અને લાલાયાવાડી કોઈ પણ સંજોગોમાં ચલાવવી લેવામાં નહીં આવે અને જો દસ દિવસમાં પગાર વધારો ચૂકવવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબિસા દ્વારા વહેલામાં વહેલી તકે સદર બાકી રહી ગયેલ ચુકવણું ને અંજામ આપી દેવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી છે.
આ પણ વાંચો----AMRELI : મિતિયાળા ઇકોઝોન અને લીલીયા ઈકોઝોન ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા સરકારમાં રજૂઆત કરતા MLA કસવાળા