Chhotaudepur: એકલવ્ય મોડેલ સ્કૂલમાં બીમાર દાખલ દર્દીઓનો આંક 100 ને પાર
Chhotaudepur: છોટાઉદેપુરના પુનિયાવાંટ ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ (Eklavaya Model School)માં બીમાર દાખલ દર્દીઓનો આંક 100 ઉપર પહોંચ્યો છે. તંત્ર દ્વારા એસ.એસ.જી વડોદરા ખાતેથી ડોક્ટરોની વિશેષ ટીમ બોલાવી છે. ઘટનાને પગલે વડોદરા આર.ડી ડી પણ છોટાઉદેપુર ખાતે દોડી આવ્યા હતા. 66 બાળકોના સીરમ સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલાયા છે, તો ફૂડ એન્ડ સેફટી વિભાગે શાળા પરિસરના રસોડામાંથી કાચા માલના નમુના પણ લેવાયા છે.
SSG વડોદરા ખાતેથી ડોક્ટરોની વિશેષ ટીમ બોલાવાઈ
છોટાઉદેપુર પુનિયાવાંટ ખાતે આવેલ ઇ.એમ.આર.એસ એકલવ્ય મોડલ સ્કૂલ (Eklavaya Model School)ના શુક્રવાર સાંજે 45 બાળકોને વિવિધ શારીરીક તકલીફોને લઈ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ તેમજ તેજગઢ રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હોવાનો ઘટનાક્રમ શરૂ થયો હતો મોડી સાંજ સુધી આ આંકડો દાખલ બાળકોનો 61 સુધી પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાળકોને અપાતી સારવારનું નિરીક્ષણ કરી તબીબો સાથે ખાસ વાતચીત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ સાથે સાથે સતત મોનેટરીંગ ગોઠવવામાં આવ્યું હતું.
ચાર ફિઝિશિયનની ટીમ તાબડતોડ બોલાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, શનિવાર સવારે વડોદરા એસ.એસ.જી માંથી ચાર બાળ રોગ નિષ્ણાંત અને ચાર ફિઝિશિયનની ટીમ તાબડતોડ બોલાવવામાં આવી હતી. બાળકોની સારવારને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ સાથે ઘટનાની ગંભીરતાને લઈ વડોદરા ખાતેથી આર ડી.ડી પણ છોટાઉદેપુર ખાતે દોડી આવ્યા હતા. બાળકોને અપાતી સારવારનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો અપાયા હતા.
ધારાસભ્યએ બીમાર બાળકોની મુલાકાત લીધી
છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બીમાર બાળકોની મુલાકાત લીધી હતી. બાળકો સાથે વાતચીત કરી હતી. તબીબો સાથે બાળકોની તબિયત અને ચાલતી સારવાર અંગે માહિતી મેળવી હતી. ત્યારે બાળકોએ ધારાસભ્યને ગુરૂવારની સાંજે આપવામાં આવેલ ભોજન માં ખામી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. શનિવારે બપોર સુધી આ સમાચાર લખાય છે. ત્યાં સુધી દાખલ દર્દીઓનો આંક 100 ઉપર પહોંચ્યો છે. જેમાં 46 બાળકો છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ, 44 બાળકો તેજગઢ રેફરલ હોસ્પિટલ અને 11 બાળકો પાવીજેતપુર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
66 બાળકોના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત બાળકોની ચાલતી સારવારનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તો 66 બાળકોના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે અને પુના ખાતેની લેબોરેટરીમાં મોકલાયા હોવાનું સૂત્ર એ જણાવ્યું છે. ફુડ એન્ડ સેફટી વિભાગ દ્વારા પણ શાળા પરિસરના રસોડામાંથી કાચા માલના નમુના લેવામાં આવ્યા છે અને લેબોટરીમાં મોકલાયા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ તમામ બાબતોનો ખુલાસો આવી શકે તેમ છે. જોકે તબીબોના મતે બાળકોની તબિયત હાલ સુધારા ઉપર છે અને કોઈ ગંભીર તકલીફનું હાલના તબક્કે ધ્યાને આવ્યું નથી. જે એક સુખદ સમાચાર છે. દાખલ બાળકોને હોસ્પિટલમાં તબીબો દ્વારા સતત મોનિટિંગ કરવામાં આવી રહ્યા છે.હોસ્પિટલ સ્ટાફ પણ પોતાના સેવાના કર્મને સરાહનીય રીતે અંજામ આપી રહ્યા છે.