Idar તાલુકાના 15 ખેડૂતોને વાવ્યું મકાઈનું આ બોગસ બિયારણ, આખી સિઝન પર ફેરી વળ્યું પાણી
Idar: ઈડર તાલુકામા છેલ્લા ઘણા સમયથી બોગસ દવા અને નકલી બિયારણોનો વેચાઈ રહ્યા છે. ખેડુતો પણ ચોકસાઈ કર્યા વગર આવા હલકી ગુણવત્તાના બિયારણ ખરીદીને વાવતેર કર્યા બાદ ડુંડવસ્થા પછી દાણા ન ભરાતાં ખેડુતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે. તાજેતરમાં ઈડર તાલુકાના કાનપુર સહિત અન્ય ગામના 15 ખેડુતોએ એક ખાનગી કંપનીના 3502 માર્કાવાળી મકાઈના બિયારણ ખરીદી વાવેતર કર્યા બાદ ડુંડામાં દાણા ન બેસતાં ખેડુતોએ છેતરાયા હોવાનું માની નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીને તાજેતરમાં જાણ કરીને હકીકતથી વાકેફ પણ કર્યા છે.
ખાનગી કંપનીનું મકાઈનું બિયારણ ઉત્પાદન આપશે કે કેમ?
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના કાનપુર સહિત આસપાસના ગામોના ખેડુતો વર્ષોથી ચોમાસુ મકાઈનું વાવેતર કરે છે. આ વર્ષે પણ આ વિસ્તારના 15 જેટલા ખેડુતોએ એક ખાનગી કંપનીનું મકાઈનું બિયારણ ખરીદીને વાવેતર કર્યા બાદ જરૂરી માવજત અને ખાતર તથા દવાનો ખર્ચ કરીને સારૂ ઉત્પાદન મળશે તેવો આશાવાદ સેવ્યો હતો.
ખેડુતોની ચોમાસુ સિઝન પર પાણી ફેરી વળ્યું
પરંતુ અત્યારે ખેતરોમાં લહેરાઈ રહેલી મકાઈના છોડમાં આવેલા ડુંડામાં મકાઈના દાણા બેઠા નથી જેને લઈને ખેડુતોમાં ધ્રાસ્કો પડયો છે. હવે આવા બોગસ બિયારણ અને ખાતરના વિક્રેતાઓ સામે ભોગ બનેલા ખેડુતોએ યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિતમાં જાણ કરી છે. હજુ તો થોડાક સમય પહેલાં બટાકાની સીઝનમાં ખેડુતોએ વાવતેર કરેલ કેટલીક બટાકાની જાતમાં ઓછા ઉતારો આવ્યો હોવાને કારણે ખેડુતોને થયેલા નુકશાનની કળ વળી નથી. ત્યાં ફરીથી મકાઈના બોગસ બિયારણે કાનપુર સહિતના અન્ય ગામના ખેડુતોની ચોમાસુ સિઝન પર પાણી ફેરવી દીધુ હોય તેવું ખેડુતોનું કહેવુ છે. જે અંગે ઈડર તાલુકાના પુર્વ વિસ્તાર ગણાતા કાનપુર, રેવાસ, બડોલી, ગોરલ, વડિયાવિર, ભાણપુર અને વસાઈ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોએ મકાઈ વેચવા માટે જે ઈજારદારને નક્કી કરેલા ભાવે આપી દીધી છે તેના લીધે ખેડુતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.