Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જૂનાગઢ સંગ્રહાલયને 122 વર્ષ પૂર્ણ થયા, સંગ્રહાલય ખાતે અઠવાડીયા સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાશે

અહેવાલ - સાગર ઠાકર  જૂનાગઢ સંગ્રહાલયને 122 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંગ્રહાલયની 122 મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જૂનાગઢ સંગ્રહાલય ખાતે એક અઠવાડીયા સુધી વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાશે. ઐતિહાસિક ધરોહર પ્રત્યે જાગૃતિ આવે તેવા...
10:42 PM Dec 05, 2023 IST | Harsh Bhatt

અહેવાલ - સાગર ઠાકર 

જૂનાગઢ સંગ્રહાલયને 122 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સંગ્રહાલયની 122 મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જૂનાગઢ સંગ્રહાલય ખાતે એક અઠવાડીયા સુધી વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાશે. ઐતિહાસિક ધરોહર પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુસર આયોજન કરવામાં આવ્યું છે, સંગ્રહાલયની બનાવટ અને હેતુનો પણ રસપ્રદ ઈતિહાસ છે. જૂના જમાનામાં લોકોના મનોરંજન માટે એક ત્રિવિધ હેતુસર સંગ્રહાલયોનું નિર્માણ થતું હતું. એક એવું સ્થળ કે જ્યાં નાના બાળકો થી લઈને સિનિયર સિટીઝનો સુધીની ઉંમરના લોકોને મનોરંજન મળી શકે તેવા હેતુસર સંગ્રહાલયની સાથે પ્રાણી સંગ્રહાલય અને બગીચાઓ બનતા પરંતુ હવે સમય જતાં સરકારી વિભાગો વહેંચાઈ જતાં આ તમામ વ્યવસ્થાઓ અલગ અલગ થઈ ગઈ છે. તેમ છતાં લોકોમાં હજુ સંગ્રહાલય પ્રત્યેનું આકર્ષણ યથાવત છે.

જૂનાગઢના સરદાર બાગ ખાતે આવેલ ઐતિહાસિક મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું અને વિશાળ મ્યુઝિયમ પૈકીનું એક છે. અહી બે હજાર થી વધુ રાજા રજવાડાના સમયની ઐતિહાસિક ચીજવસ્તુઓનો સંગ્રહ છે. જૂનાગઢ સંગ્રહાલયની સ્થાપના 2 ડિસેમ્બર 1897 ના રોજ તે સમયના નવાબ રસુલખાનજી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રણ વર્ષ પછી 5 ડિસેમ્બર 1901 ના રોજ મુંબઈના ગવર્નર લોર્ડ નોર્થકોટના હસ્તે તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ સંગ્રહાલયમાં નવાબના શાસન દરમિયાન રજવાડાના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓનો સંગ્રહ છે. નવાબનો દરબાર ભરાતો તે દરબારમાં રાજાના સિંહાસન થી લઈને દરબારીઓના બેસવાની વ્યવસ્થા માટેના જૂનવાણી સિંહાસનો અને ખુરશીઓ તે સમયની બેઠક વ્યવસ્થા મુજબ ગોઠવવામાં આવી છે, જે દરબાર હોલ તરીકે ઓળખાય છે. અહીં નવાબી કાળના હથિયાર જેમાં યુધ્ધ માટેના હથિયાર તથા ઉત્સવો એટલે કે શસ્ત્ર પૂજન માટેના હથિયારોનો સમાવેશ થાય છે.

તે ઉપરાંત સોના ચાંદીની એન્ટિક ચીજ વસ્તુઓ, વાસણો, રજવાડાના આભૂષણો, સોના ચાંદીના તારથી ગુંથેલા અને ભરતકામ કરેલા વસ્ત્રો, કાચના રંગબેરંગી ઝુંમર, કાચના વાસણો, ફ્લાવર પોટ, હાથી પર બેસવાની અંબાળી, પાલખી, બગી સહીતની અદભૂત ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ સંગ્રહાલયની શરૂઆત થઈ ત્યારે તે દિવાન ચોક ખાતેની બિલ્ડીંગમાં હતું. રજવાડાના સમયની એ ઈમારત જર્જરીત થતાં હાલ સરદાર બાગ ખાતે ખસેડવામાં આવ્યું છે. અહીં જ મ્યુઝીયમની સામે ઓપેરા હાઉસ પણ છે જે મ્યુઝીયમ માટે ગૌરવ સમાન છે. રાજા રજવાડાના સમયમાં જ્યારે સંગ્રહાલયો બનાવવામાં આવતાં ત્યારે તેને અનુરૂપ તેની ઈમારતનું નિર્માણ થતું જૂનાગઢના દિવાન ચોક સ્થિત જૂનવાણી ઈમારત સંગ્રહાલય માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ, તંત્રની ઉદાસીનતાને લઈને આજે તે ઈમારત જર્જરીત અવસ્થામાં છે અને જો તંત્ર હજુ પણ ધ્યાન નહીં આપે તો હેરીટેજ ઈમારત નષ્ટ થઈ જશે. હાલ સરદાર બાગમાં જ્યાં સંગ્રહાલય ખસેડવામાં આવ્યું છે તે પણ નવાબીકાળની ઈમારત છે અને નજીકમાં જ એક સમયનું નાટ્યગૃહ આજે ઓપેરા હાઉસ તરીકે ઓળખાય છે. તે પણ મ્યુઝિયમ હસ્તક છે, જે જૂનવાણી જમાનાની યાદ તાજી કરાવે છે.

જૂનાગઢ સંગ્રહાલયની 122 મી વર્ષગાંઠ નિમિત્તે આગામી એક અઠવાડીયા સુધી વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચિત્ર સ્પર્ધા, ફલાવર વાઢ પેઈન્ટીંગ, ફોટોગ્રાફી સ્પર્ધા, કવિતા સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ તથા ડોક્યુમેન્ટ્રી ફીલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે.

આ પ્રકારની સ્પર્ધાનો હેતુ એ છે કે કોઈપણ સંગ્રહાલય જે તે પ્રદેશ કે રજવાડાની સંસ્કૃતિ, પરંપરા અને શૌર્યનું દર્શન કરાવે છે, સંગ્રહિત ચીજવસ્તુઓ તે સમયની યાદ અપાવે છે અને આ ઐતિહાસિક ધરોહર જળવાઈ રહે તેનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો -- CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘આઈડિયા ટુ એન્ટરપ્રાઇઝ’ ના ધ્યેયને નવીન દિશા આપતા ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરાયું

Tags :
122 yearsJunagadhMuseumoldest and largestSardar Bagh
Next Article