Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગત વર્ષની સરખામણીએ કેરીની આવક વધી, આવકમાં સવા બે લાખ બોક્સનો વધારો

જૂનાગઢની જગવિખ્યાત કેસર કેરીની સીઝન હવે પૂર્ણતાના આરે છે. જેમ સો બસો બોક્સથી કેરીની સીઝન શરૂ થાય છે તે જ રીતે હવે આવક ઘટી રહી છે અને જૂજ દિવસોમાં હવે કેરીની સીઝન પૂર્ણ થઈ જશે. જોકે, ગત વર્ષની સરખામણીએ કેરીની...
ગત વર્ષની સરખામણીએ કેરીની આવક વધી  આવકમાં સવા બે લાખ બોક્સનો વધારો

જૂનાગઢની જગવિખ્યાત કેસર કેરીની સીઝન હવે પૂર્ણતાના આરે છે. જેમ સો બસો બોક્સથી કેરીની સીઝન શરૂ થાય છે તે જ રીતે હવે આવક ઘટી રહી છે અને જૂજ દિવસોમાં હવે કેરીની સીઝન પૂર્ણ થઈ જશે. જોકે, ગત વર્ષની સરખામણીએ કેરીની આવકમાં વધારો થયો, ચાલુ વર્ષે કેરીની આવકમાં સવા બે લાખ બોક્સનો વધારો નોંધાયો છે. દર વર્ષે મે મહિનામાં કેરીની સૌથી વધુ આવક હોય છે. ચાલુ વર્ષે હવે ગણતરીના દિવસોમાં કેરી બજારમાં આવતી બંધ થઈ જશે.

Advertisement

જૂનાગઢમાં કેરીની સિઝન પૂર્ણતાના આરે

ફળોનો રાજા ગણાતી કેસર કેરી તેના સ્વાદ માટે જગ વિખ્યાત છે. તેમાં પણ જૂનાગઢની કેસર કેરી તેના સ્વાદ અને તેની સોડમથી લોકપ્રિય છે. હવે તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં અને દેશ વિદેશમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પરંતુ જૂનાગઢ આસપાસના વિસ્તારની કેરી ખુબ લોકપ્રિય છે. આ કેસર કેરીની સીઝન હવે ગણતરીના દિવસોમાં પૂરી થવા જઈ રહી છે. ઉનાળો શરૂ થતાં બજારમાં કેસર કેરીનું આગમન થાય છે. લગભગ ચોમાસાં સુધી કેરી બજારમાં જોવા મળે છે. એટલે કે માર્ચ મહિનાથી શરૂ કરીને જૂન મહિના સુધી ચાર મહિના લોકોને કેરીનો સ્વાદ માણવા મળે છે. આ સમગ્ર કેરીની સીઝન દરમિયાન અનેક ઉતાર ચઢાવ જોવા મળે છે. જોકે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અંદાજે સવા બે લાખ બોક્સની કેરીની આવક વધી છે.

Advertisement

સમગ્ર સીઝન દરમિયાન જૂનાગઢ યાર્ડમાં કેરીની આવક

વર્ષ 2022 માં 6,32,859 બોક્સની આવક
વર્ષ 2023 માં 8,65,194 બોક્સની આવક
મે 2022 માં 3,25,623 બોક્સની આવક
જૂન 2022 માં 2,75,871 બોક્સની આવક
એપ્રિલ 2023 માં 1,32,629 બોક્સની આવક
મે 2023 માં 4,73,984 બોક્સની આવક
જૂન 2023 માં 2,50,222 બોક્સની આવક

કેરીની સીઝનમાં વર્ષ 2022 માં તૌકતે વાવાઝોડાના કારણે ઉત્પાદન પર અસર

આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અંદાજે સવા બે લાખ કેરીના બોક્સની આવક વધી, જ્યારે દર વર્ષે મે મહિનામાં સૌથી વધુ આવક નોંધાઇ હતી. કેરીની સીઝનમાં વર્ષ 2022 ની વાત કરીએ તો ત્યારે તૌકતે વાવાઝોડાની અસરના કારણે ઘણાં ખરા આંબાના વૃક્ષો ધરાશાયી થતાં ઉત્પાદન પર અસર પડી હતી. જોકે, ચાલુ વર્ષે પણ બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. પરંતુ તેની કોઈ ખાસ અસર પડી ન હતી. બજારમાં સારી એવી આવક થઈ હતી. કેસર કેરીના ઉત્પાદન પર હવામાનની ખુબ જ અસર પડે છે. ચાલુ વર્ષે જ અનિયમિત હવામાન અને કમોસમી વરસાદને કારણે કેરીના ઉત્પાદન પર અસર પડી છે. તેમ છતાં કેરીનું વાવેતર વધી રહ્યું છે. હવામાનમાં આવેલા બદલાવને કારણે ધણાં વિસ્તારોમાં આંબા પર વહેલું ફ્લાવરીંગ થાય છે. જેના લીધે ફાલ વધુ આવ્યો, ઉત્પાદન વધુ મળ્યુ અને પરિણામે બજારમાં કેરીની આવકમાં પણ વધારો થયો.

Advertisement

દર વર્ષે મે મહિનામાં કેરીની સૌથી વધુ આવક હોય છે

કેરીની સીઝન શરૂ થતાંની સાથે જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકમાં દિન પ્રતિદિન વધારો થાય છે. 10-20 બોક્સથી જ્યારે કેરી બજારમાં આવે છે. ત્યારે ખુબ ઉંચો ભાવ રહે છે. શરૂઆતમાં એક હજારથી પંદરસો રૂપિયા પ્રતિ બોક્સના રહેતા હોય છે. બાદમાં આવકમાં વધારો થતાં ભાવ નીચા જાય છે, અને 300 થી 700 રૂપિયા સુધીના ભાવે કેરી વેચાતી હોય છે. એક સમય એવો હોય છે કે જ્યારે સીઝનની સૌથી વધુ કેરી યાર્ડમાં ઢલવાતી હોય છે અને દરરોજ 25 થી 30 હજાર બોક્સની આવક થતી હોય છે. બાદમાં ધીમે ધીમે આવક ઘટતી જાય છે અને અંતમાં ફરી 10-20 બોક્સ આવે છે. ધીમે ધીમે કેરી બજારમાં આવતી બંધ થઈ જાય છે અને કેરીની સીઝન પૂર્ણ થાય છે. હાલ બજારમાં કચ્છની કેસર કેરી અને લંગડો કેરી ઉપલબ્ધ છે. જે યાર્ડમાં 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના હોલસેલ ભાવે વેચાય છે. સ્વાદના રસિકો જ્યાં સુધી બજારમાં કેરી આવે ત્યાં સુધી કેરી ખાતા હોય છે. ચાલુ વર્ષે બાગાયત ખેડૂતોથી લઈને રીટેઈલ વેપારીઓ સુધી તમામ લોકોને કેરીની સીઝન ફળી છે અને સૌએ મન મુકીને કેરીનો સ્વાદ માણ્યો છે. હવે ફરી આવતાં વર્ષે સારી કેરી ખાવા મળે તેવી સૌ રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો - CM Bhupendra Patel બાળકો સાથે માંડી ગોઠડી, વિદ્યાર્થીઓને જીવન જીવવાના પાઠ ભણાવ્યા

આ પણ વાંચો - પ્રાકૃતિક રીતે પકવેલી કેસર કેરી સીધી ગ્રાહકોને વેચતા ખેડૂતોની આવકમાં થયો 30થી 35 જેટલો વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - સાગર ઠાકર

Tags :
Advertisement

.