અમદાવાદ પોલીસે ઓનર કિલિંગ જેવી ગંભીર ઘટના બનતા અટકાવી
અહેવાલ- પ્રદીપ કચિયા, અમદવાદ
અમદાવાદ પોલીસની સજાગતાએ ઓનર કિલિંગ જેવી ગંભીર ઘટના બનતા અટકાવી છે.રાત્રી દરમિયાન વાહન ચેકીંગ કરી રહેલી ટીમે રિક્ષામાં પસાર થતા બે યુવકોને રોકી તપાસ કરતા બેગમાંથી પીસ્ટલ અને કારતુસ મળી આવ્યા હતા.જે બાબતે પૂછપરછ કરતા એક આરોપી પ્રેમલગ્ન કરીને અમદાવાદ ભાગીને આવેલી બહેન અને તેના પતિની હત્યા માટે આવ્યો હોવાની કબૂલાત કરી હતી.જેથી આ મામલે પોલીસે બંને યુવકો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી બે લોકોનો જીવ બચાવ્યો છે.
બંને શખ્સો મૂળ બિહારના રહેવાસી
અમદાવાદના દરિયાપુર પોલીસની ગિરફતમાં દેખાતા આ બંને યુવકોના નામ સંદીપકુમાર સિંગ અને સંજય ઝા છે.બંને શખ્સો મૂળ બિહારના રહેવાસી છે.દરિયાપુર પોલીસ રાત્રીના સમયે વાહન ચેકીંગમાં હતી જે દરમિયાન પ્રેમ દરવાજા પાસે રીક્ષામાં પસાર થતા આ બંને આરોપીઓને પકડી સામાન ચેક કરતા એક પીસ્ટલ અને 5 જીવતા કારતુસ મળી આવ્યા હતા.જેથી બંને શખ્સોને હથિયારના લાયસન્સ બાબતે પૂછતાં કોઈ જવાબ ન આપી શકતા પોલીસ મથકે લાવી આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.
બિહારથી અમદાવાદ આવ્યા હોવાની હકીકત જણાવી
પકડાયેલા આરોપીમાં સંદીપકુમાર રાકેશકુમાર સિંઘે જણાવ્યું હતું કે અઢી વર્ષ પહેલા તેની બહેન સોનાલીને સીબુસિંગ રાજપૂત નામનો યુવક ભગાડીને અમદાવાદ ખાતે લાવ્યો હતો અને ચાંદખેડામાં એક જગ્યાએ રહેતા હોય તેવી હકીકત તેને મળી હતી.જેથી પોતાની બેન સોનાલી અને તેના પતિ સીબુસિંગને પરત પોતાના ગામ બિહાર ખાતે લઈ જવા માટે આવ્યો હતો અને જો આ લોકો ન માને તો જાનથી મારી નાખવા માટે બિહારથી અમદાવાદ આવ્યા હોવાની હકીકત જણાવી હતી.બંને આરોપીઓ ટ્રેનમાંથી ઉતરી સીધા જ ચાંદખેડા જઈ રહ્યા હતા,ત્યાં જઈને પોતાનો ઈરાદો પાર પાડી બિહાર પરત ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો.
દરિયાપુર પોલીસે હથિયાર કબ્જે લઈ તપાસ શરૂ કરી
બંને આરોપીઓએ ભેગા મળીને આ ગુનાહિત કાવતરું રચ્યું હતું,સંજય ઝા સંદીપસિંગનો જૂનો મિત્ર હોય તે પોતાના મિત્રની મદદ કરવા તેની જોડે ટ્રેનમાં અમદાવાદ આવ્યો હતો.તેઓની પાસેથી મળી આવેલી પિસ્ટલ બાબતે પૂછપરછ કરતા બિહારના પીન્ટુ કુમારસિંગ નામના વ્યક્તિ પાસેથી ચાર મહિના પહેલા પોતાની પાસે રાખવા માટે લીધી હોવાની હકીકત જણાવી હતી.આ મામલે દરિયાપુર પોલીસે આરોપીઓની સામે ગુનો દાખલ કરી હથિયાર કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - ભારતીય રેલ્વે સહિત રાજ્ય સરકારના 5 વિભાગોના વિકાસકાર્યોની ભેટ નાગરિકોને મળશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે