કારખાનું ચાલુ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે : ગોંડલના કારખાનેદારને ધમકી
કારખાનું ચાલુ કરવું હોય તો રૂ.25 લાખની ખંડણી આપવી પડશે. ગોંડલના કારખાનેદારને આવી ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. રવિ પટેલે ગોંડલ તાલુકા પોલીસ મથકે જયદીપભાઈ ઉર્ફે ઠુમકી જાડેજા સહિત 8 શખ્સો અને ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ગોંડલમાં મહાકાળીનગરમાં રહેતા રવિભાઇ હંસરાજભાઇ સાટોડીયા (પટેલ) (ઉ.વ. 32)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું ઉમવાડા રોડ ઉપર બજરંગ કોટસ્પીન નામના કારખાનામાં નોકરી કરું છું અને વોરાકોટડા ગામે અવસર કલોરાટેક નામનું કારખાનુ આવેલ છે, જેમાં અમે ચાર ભાગીદાર છીએ. જેમાં હું તથા જનકભાઇ હંસરાજભાઇ સાટોડીયા અને કીશનભાઇ ભરતભાઇ સાટોડીયા તેમજ મીલનભાઇ ભરતભાઇ સાટોડીયા (રહે- ગોંડલ) ભાગીદાર છીએ.
ખંડણીખોર ગેંગના ડરથી ફરિયાદી રવિભાઈ પટેલને અમદાવાદ જતું રહેવું પડયું, આરોપીઓને પકડવા પોલીસે તપાસ આદરી
કારખાનામાં ડાઇઝ ઇન્ટર મીડીયેટ પાવડરનું ઉત્પાદન કરવાના છીએ અને કારખાનાનુ બાંધકામ થઇ રહ્યું છે. કારખાનાની તમામ દેખરેખ જનકભાઇ સાટોડીયા કરે છે. બાંધકામ આશરે 30 થી 40 ટકા થઇ ગયું છે. ગઇ તા.6/5/2023 ના રોજ બપોર પછી આશરે ત્રણથી ચારેક વાગ્યાની આસપાસ ઉમવાડા રોડ ઉપર બજરંગ કોટસ્પીન કારખાના પર હતો ત્યારે મારા મોબાઇલમાં વોટસએપ કોલ આવેલ અને પોતે હરેન્દ્રસિંહ જાડેજા તરીકેનો ઓળખાણ આપી, કહેલ કે તમારો ભાઇ કયા છે જેથી મે કહેલ કે મને ખબર નથી, જેથી મને કહેલ કે તુ તારા વોરાકોટડા ગામની સીમમા આવેલ કારખાને આવ, અમે ત્યા આવીએ છીએ, તેમ વાત કરતા મેં કેહલ કે હું થોડીવારમાં કારખાને પહોંચુ છું. તેમ કહી હુ મારૂ બાઈક લઇને કારખાને જવા નિકળેલ ત્યારે શ્રીહોટલ પાસે પહોંચેલ ત્યારે હરેન્દ્રસિંહ જાડેજા તથા મીતભાઇ બન્ને બાઈક લઇને ભેગા થયેલ, આ વખતે હરેન્દ્રસિંહએ કહેલ કે તારો ભાઇ કયા ? જેથી મે કહેલ કે ખબર નથી, કદાચ કારખાને હશે તેમ કહેતા તેઓએ કે હેલ કે હાલો... કારખાને તો.. તેમ કહેતા અમે બાઈક લઇને વોરાકોટડા વાળા કારખાને ગયા. અમે ત્રણેય કારખાનાની અંદર ગયેલ અને મારાભાઇ જનકભાઇ બાબતે તપાસ કરેલ પણ મારો ભાઇ કારખાને હાજર મળી આવેલ નહી, જેથી હરેન્દ્રસિંહએ કહેલ કે જયદીપભાઇ જાડેજા એશીયાટીક કોલેજ સામે આવે છે, અમે એશીયાટીક કોલેજ ગયા ત્યાં મને આ હરેન્દ્રસિંહે એશીયાટીક સામે બાકડો આવેલ છે ત્યા બેસાડેલ અને જયદીપભાઇ અહી આવે છે તેમ કહી બાકડા ઉપર બેસાડેલ તેવામાં એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી એન્ડોવર આવેલ જેમાંથી જયદીપભાઇ ઉર્ફે ઠુમકી વિક્રમસિંહ જાડેજા, અશ્વીનસિંહ વેસુભા જાડેજા, ઇન્દ્રજીતસિંહ બહાદુરસિંહ જાડેજા ઉતરેલ અને આ ત્રણેય માણસો અમારી પાસે આવેલ
આરોપીઓએ કારખાનાનું બાંધકામ ચાલતું હોય ત્યાં તોડફોડ કરી, સિમેન્ટમાં પાણી ભેળવી મજૂરોને ધમકાવ્યા, કારખાનેદારની ઘરે જઈ કહ્યું, પૈસા નહીં આપો તો અમારે તમારા ઘરે દારૂ પીવા આવવું પડશે, જેમાંથી જયદીપભાઇ કહેલ કે તારે કારખાનુ શરૂ કરવુ હોય તો અમને રૂ.25,00000 ખંડણીના આપવા પડશે. જેથી મે કહેલ કે, મારી પાસે રૂપીયા નથી, મારાભાઇ જનકભાઇ બધો વહીવટ કરે છે. જેથી તેમની પાસે રૂપીયા હોય અને મારો ભાઇ કયા હોય તેની મને ખબર નથી તેમ કહેતા જયદીપભાઇ એ કહેલ કે ગોંડલમાં જીવતું રહેવુ હોય અને ધંધો કરવો હોય તો ખંડણીના પૈસા તો આપવા પડશે. અને ખંડણી નહી આપો તો ટાંટીયા બાટીયા ભાંગી જશે. તેમ કહી અપશબ્દો કહ્યા હતા. તેવામાં બીજી બ્લેક કલરની એન્ડોવર ગાડી આવેલ જેમા હર્ષદીપસિંહ ઉર્ફે બન્ટી સરવૈયા તથા ત્રણ અજાણ્યા માણસો આશરે 20 થી 35 વર્ષની ઉમરના હતા. અને આ બંટી મને મારવા લાગેલ અને જયદીપભાઇ પાસે લાકડી હોય તેને મને જમણા પગમાં લાકડી મારતા મુંઢ ઇજા થયેલી.
તમામે મને ઢીકાપાટુનો માર મારેલ. મે અગાઉ મારા કાકાના દિકરા કીશનભાઇ સાટોડીયાને ફોન કરી બનાવની વાત કરી એશીયાટીક કોલેજ પાસે આવવા જણાવેલ હોય જેથી કીશનભાઇ આવતા તેઓ વચ્ચે પડી વધુ મારમાથી છોડાવેલ. કીશનભાઇને પણ આ લોકોએ બે ત્રણ ઢીકાપાટુ માર્યા હતા. આ આરોપીઓ જતા જતા કહે તા ગયેલ કે સોમવાર સુધીમાં રૂ.25,00000 ખંડણી મોકલાવી આપજે, નહીતર ગોંડલમાં રહેતો નહી, અને પોલીસ કેસ કરતો નહી અને પોલીસ સ્ટેશને ધકા ખાતો નહી, તારી ફરીયાદનુ કંઇ નહી આવે તેમ કહી ફોરવ્હીલ ગાડી લઇ જતા રહેલ હતા, મને બીક લાગતા સારવાર લીધા વગર સોમવારે અમદાવાદ જતો રહેલ. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ફરિયાદ લઈ આરોપીઓ સામે આઇપીસી 323, 384, 506(2), 504, 427, 114 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ આદરી છે.
કારખાને તોડફોડ કરી
રવિ પટેલે વધુમાં જણાવ્યું કે, તા-9/5/2023 ના રોજ સાંજે મારે કીશનભાઇ સાથે વાતચીત થયેલ ત્યારે કીશનભાઇએ વાત કરેલ કે આજે સવારમાં અગ્યારેક વાગ્યાની આસપાસ મીત તથા અન્ય એકભાઇ એમ બન્ને જણા ઘરે આવી ધમકી આપેલ કે પૈસા તો આપવા પડશે, અમે તમારા કારખાને જાવી છીએ અને તમારા કારખાને જઇ તોડફોડ કરી નાખીશુ આરોપીઓએ કારખાને દરવાજા તોડી નાખેલ છે અને નુકશાન કરી નાખેલ. સીમેન્ટમાં પાણી ભેળવી નુકશાન કરી દીવાલ પાડી દેશું તેવી મજુરને ધમકી આપી જતા રહેલ છે.
દવા પીવાનું નાટક કરી ખંડણી માંગી, કારખાનેદારના ઘરે પણ ઉઘરાણી કરવા ગયા
ફરિયાદમાં રવિએ કહ્યું કે, સોમવારે હું અમદાવાદ હતો ત્યારે બપોર પછી જયદીપભાઇ ઉર્ફે ઠુમકીએ વોટસએપ કોલમાં કોલ કરી જણાવેલ કે હરેન્દ્રસિંહ જાડેજાએ દવા પી લીધેલ છે તેમ વાત કરેલ, આમ આ લોકો દવા પીવાનુ નાટક કરી ખંડણીના રૂપીયા આપી દેવા દબાણ કરી કરતા હતા. તા-8/5/2023 ના રોજ હું અમદાવાદ હતો ત્યારે રાત્રીએ મારે મારા ભાગીદાર કીશનભાઇ સાથે વાતચીત થયેલ ત્યારે કીશનભાઇએ જણાવેલ કે આજે બપોર પછી આશરે ચારેક વાગ્યાની આસપાસ તારા ઘરે રાજદીપસિંહ તથા બ્રીજેશભાઇ સાટોડીયા તથા અન્ય એક અજાણ્યાભાઈ ગયેલ હતા અને તારી પત્નીને આ લોકોએ કહેલ કે, તારા પતિ કયા છે? તેમ કહી જણાવેલ કે તમારા પતિને કહી દેજે કારખાનુ ચાલુ રાખવુ હોય તો પૈસા તો આપવા પડશે, જયદીપ ભાઇના માણસો છીએ, બીજીવાર કહેવા નહી આવીએ, જો પૈસા નહી આપો તો અમે રાત્રીએ દારૂ પીવા તમારા ઘરે આવીશુ તેમ કહી ધમકી આપી જતા રહેલ. અને કારખાને પણ આ લોકો ગયેલ હશે અને કારખાને કામ કરતા મજુરને ધમકી મારી જતા રહેલ હતા તેમ વાત કરતા મને ખબર પડેલ કે મારા ઘરે તથા મારા કારખાને પણ આ લોકો જઇ ધમકીઓ આપે છે.
આ પણ વાંચો - માત્ર 8 હજાર રૂપિયા ઉધાર લઈને કરી હતી શરૂઆત, આજે 3 હજાર કરોડનું બનાવ્યુ સામ્રાજ્ય, જુઓ તસવીરો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - વિશ્વાસ ભોજાણી