6 વર્ષીય બાળક અને 63 વર્ષીય વડીલની જોડીએ સરકારી વસાહતમાં બનાવ્યું નાનકડું 'ઉપવન'
કહેવાય છે કે સેવાકાર્યોની શરૂઆત કોઈ પણ સમય, સ્થળ અને પરિસ્થિતિમાં કરી શકાય. તેના માટે ન તો ઉંમરની કોઈ મર્યાદા છે, ન તો લાયકતનું બંધન. એમાં પણ વાત પર્યાવરણની હોય ત્યારે તો કરીએ તેટલું ઓછું. પર્યાવરણ માટે સેવારત એક બાળક અને વડીલની જોડીની આ વાત છે. 6 વર્ષીય બાળકનું નામ યશવીર વિરલભાઈ પટેલ અને 63 વર્ષીય વડીલનું નામ છે મુકેશભાઈ આચાર્ય. આ બન્ને અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં રહે છે. તેમણે બે વર્ષ પહેલાં વસાહત પરિસરને વધુ હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો અને તેઓ તેમાં સફળ પણ થયા છે.
જણાવી દઇએ કે, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર એવા મુકેશભાઈના પત્ની સરકારી કર્મચારી હોવાને કારણે તેમને આ વસાહતમાં આવાસની ફાળવણી થઈ અને 29 ઓક્ટોબર 2021ના રોજ તેઓ અહીં સ્થાયી થયા. મુકેશભાઇના કહેવા પ્રમાણે આવાસમાં તમામ સુવિધાઓ તો હતી જ પણ તેમનો સંકલ્પ હતો કે આ જગ્યાને વધુ હરિયાળી બનાવીએ. બે વર્ષ પહેલાં એક કર્મચારીની વર્ષગાંઠ નિમિત્તે 10 છોડનું વાવેતર કરાયું અને ત્યાર પછી મુકેશભાઈના આ સંકલ્પને સાકાર કરવામાં વસાહતમાં રહેતા અનેક સરકારી અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિજનોનો સહયોગ મળતો રહ્યો. આ સહુમાંથી સૌથી વધુ મહેનતુ અને પ્રામાણિક પ્રયાસ કરનાર સૌથી નાની ઉંમરનો સભ્ય બન્યો 6 વર્ષનો યશવીર.
યશવીર એટલે હસતું ફૂલ જ જોઈ લો! તેને વૃક્ષારોપણ અને જતનની પ્રવૃત્તિમાં રસ પડ્યો. તેની આ કામ માટેની ધગશ અને નિષ્ઠા ગજબની! કોઇની તાકાત નહીં કે વાવેલા છોડનું એક ફૂલ પણ તોડે, મુકેશભાઈ અને યશવીરે નક્કી કર્યું છે કે અહીં જે ફૂલ ખીલે તેના પર સૌ પ્રથમ હક્ક પક્ષી, પતંગિયા અને કિટકોનો જ રહેશે. યશવીરના પિતા વિરલભાઈ કહે છે કે, યશવીર માટે અભ્યાસની સાથે આ ઉપવનની કાળજી રાખવી એ જ ઇત્તર પ્રવૃત્તિ. ઘરે ન હોય ત્યારે તે બગીચાની આજુબાજુ જ મળી આવે. ક્યારેક છોડને પાણી પીવડાવતો જોવા મળે, તો ક્યારેક કચરો એકઠો કરતો જોવા મળે. આમ તેના માતા-પિતાએ પણ તેનો આ પ્રવૃત્તિ માટે ઉત્સાહ વધાર્યો.
વસાહતના જ સભ્ય ઉમંગ બારોટ જણાવે છે કે, મુકેશભાઈ, યશવીર અને અન્ય જાગૃત સભ્યોના પરિશ્રમને પરિણામે આજે ફળ-ફૂલ અને છાંયડો આપતું નાનકડું ઉપવન સહુ માટે સમય પસાર કરવાનું પ્રિયસ્થળ બની ગયું છે. આજે મુકેશભાઈ યશવીર માટે દાદા સમાન બની ગયા છે અને યશવીર મુકેશભાઈ માટે પૌત્ર સમાન. આ જોડીના અથાક પ્રયાસોથી આજે વસાહતના પરિસરમાં વૃક્ષારોપણ અવિરત ચાલી રહ્યું છે. અન્ય પરિવારોને પણ સમજાવી તેમણે આ પ્રવૃત્તિમાં જોડ્યા છે. અને ખરા અર્થમાં પર્યાવરણના પરિચારક બન્યા છે, જે સહુ માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો – ગીરગઢડા : ચેક ડેમનું નબળુ કામ થતાં BJP MLA અને ગ્રામજનો દ્વારા કરાઈ જનતા રેડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – સંજય જોષી