Padara : સામુહિક આત્મહત્યા કેસમાં મહિલાના 6 સાસરીયાની ધરપકડ
અહેવાલ--વિજય માલી, પાદરા વડોદરા જિલ્લાના પાદરામાં અંબાજી તળાવમાં પોતાના 2 સંતાનો સાથે પડતું મુકનારી મહિલાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહિલાના સાસરીયાઓએ મહિલા પર અમાનુષી અત્યાચાર ગુજારતા આખરે મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ત્રાસ આપનારા મહિલાના 6 સાસરીયાની...
02:41 PM Sep 16, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--વિજય માલી, પાદરા
વડોદરા જિલ્લાના પાદરામાં અંબાજી તળાવમાં પોતાના 2 સંતાનો સાથે પડતું મુકનારી મહિલાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહિલાના સાસરીયાઓએ મહિલા પર અમાનુષી અત્યાચાર ગુજારતા આખરે મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે ત્રાસ આપનારા મહિલાના 6 સાસરીયાની ધરપકડ કરી હતી.
પાદરામાં ચકચાર
આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના લતીપુરા ગામની પરિણીતા રશ્મીકાબહેન રતિલાલ વાઘેલાએ શુક્રવારે બપોરે પોતાના બે સંતાનો રૂદ્ર (ઉં.વ.12) અને દક્ષ (ઉં.વ.9) સાથે પાદરાના અંબાજી તળાવમાં પડતું મુકી આપઘાત કરી લીધો હતો. આ સામુહિક આપઘાતને પગલે લતીપુરા ગામ સહિત પાદરા પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી.
2011માં લગ્ન થયા હતા
દરમિયાન આ બનાવ અંગે બે બાળકો સાથે આપઘાત કરનાર દીકરીના પતિ સહિત સાસરીયાઓ સામે કરજણમાં ઓમ શાંતિનગર સોસાયટીમાં રહેતા પિતા મગનભાઇ ધનજીભાઇ વણકરે પાદરા પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મગનભાઇ વણકર ઓટો રિક્સા ચલાવે છે. તેમની મોટી દીકરી રશ્મીકાના લગ્ન વર્ષ-2011માં લતીપુરા ગામના રતિલાલ વાઘેલા સાથે થયા હતા.
પત્નીએ પણ ઇન્કાર કર્યો
એ.બી.બી.માં નોકરી કરતા રતિલાલ વાઘેલાએ ભાયલી ખાતે આવેલું સસરા મગનભાઇ વણકર પાસે મકાન રહેવા માટે માંગ્યું હતું. પરંતુ, સસરાએ મકાન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી રતિલાલે પત્ની રશ્મીકા ઉપર ભાયલીના મકાન માટે દબાણ કર્યું હતું. પરંતુ, રશ્મીકાએ પણ પિતાની માલિકીનું મકાન રહેવા માટે આપવા માટે માંગવાનો ઇન્કાર કરી દીધો હતો.
બપોરે ઘરેથી નીકળ્યા
પત્ની અને સસરાએ મકાન આપવાનો જે દિવસે ઇન્કાર કર્યો તે દિવસથી પતિ રતિલાલ તેમજ સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને નણંદે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવાર-નવાર ઝઘડો કરીને પતિ તથા સાસરીયાઓ રશ્મીકાને સંતાનો સાથે મરી જવા માટે કહેતા હતા. આખરે રશ્મીકા શુક્રવારે બપોરે પોતાના બે સંતાનો રૂદ્ર અને દક્ષને લઇ ઘરેથી નીકળી ગઇ હતી. અને પાદરા અંબાજી તળાવમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
મોડી રાત્રે આરોપીઓની ધરપકડ
પાદાર પોલીસે ફરિયાદના આધારે લતીપુરા ગામમાં રહેતા પરિણીતાના પતિ રતિલાલ વાઘેલા (રહે. લતીપુરા), સસરા ધુળાભાઇ શંકરભાઇ વાઘેલા, સાસુ રેવાબહેન વાઘેલા, જેઠ વિનોદ વાઘેલા (રહે. અટલાદરા, વડોદરા), જેઠાણી ધર્મિષ્ઠાબહેન વાઘેલા (રહે. અટલાદરા, વડોદરા), અને નણંદ મીનાબહેન શાંતિલાલ પરમાર (રહે. ઝેન સ્કૂલ સામે, પાદરા) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Next Article