VADODARA : ઢોરવાડાના દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી, મોટો સફાયો
VADODARA : વડોદરા પાલિકાની ટીમ (VADODARA - VMC) દ્વારા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઢોરવાડા પર તવાઇ બોલાવવામાં આવી છે. આજે 10 થી વધુ ઢોરવાડા પર પાલિકાનું જેસીબી ફરી વળ્યું છે. આ ઘટનામાં 25 જેટલા ટેગીંગ વગરના પશુઓને જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતમાં પશુપાલકો દ્વારા ઢોર પકડવાની કામગીરી ટાણે પાલિકાના કર્મીઓ જોડે ગેરવર્તણુંક કરી માર મારવામાં આવ્યો હતો. જે બાદ પાલિકાની ટીમ દ્વારા આજે મોટી કામગીરી કરવામાં આવી છે.
પાલિકાની ટીમ દ્વારા આકરી કાર્યવાહી
વડોદરામાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં અનેક વખત ઘર્ષણ થયાની ઘટનાઓ સામે આવતી હોય છે. તાજેતરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી સમયે પાલિકાના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ આજે પાલિકાની ટીમ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
કાર્યવાહી સમયે ચુસ્ત બંદોબસ્ત
આજે પાલિકાની ટીમ દ્વારા વાઘોડિયા રોડ-પરિવાર ચાર રસ્તા પાસેના ગેરકાયદેસર ઢોરવાડા પર બુલ્ડોઝર ફેરવી સફાયો કરી દેવામાં આવ્યો છે. સાથે જ ટેગીંગ વગરના 25 થી વધુ ઢોર જપ્ત કરી લેવામાં આવ્યા છે. જેને લઇને ગેરકાયદેસર ઢોરવાડા ધરાવતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સુત્રોએ ઉમેર્યું કે, પાલિકા દ્વારા આકરી કાર્યવાહી આવનાર સમયમાં પણ ચાલુ જ રહેશે. પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સમયે ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. સાથે જ દબાણો દુર કરીને જગ્યા સમથળ કરી દેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ રૂટીન કામગીરી છે
પાલિકાના કર્મીએ જણાવ્યું કે, ઢોરો માટે લાયસન્સ એપ્લાય કરો તેમ જણાવાયું હતું, વારંવાર જગ્યા પર ટેગીંગ માટે ડ્રાઇવ કરવામાં આવી હતી. જે કોઇ ઢોરવાડાનું લાયસન્સ મેળવ્યું નથી, ઢોરનું ટેગીંગ કરાવ્યું નથી. તેનું ડિમોલીશન અને ટેગીંગ વગરના પશુઓ જમા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રૂટીન કામગીરી છે, છેલ્લા અઠવાડિયાથી નોટીસ તથા મૌખિક સુચના આપવાની કાર્યવાહી ચાલુ જ છે. પાણીગેટ પોલીસ મથકમાં દાખલ ફરિયાદ સંદર્ભેના પશુપાલક અહિંયા રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો -- VADODARA : સાવલી નગર બેહાલ, તુટેલુ ડિવાઇડર-ખુલ્લી ગટરના ઢાંકણાને મરામતની વાટ