VADODARA : પાલિકાના કર્મીઓનો બ્રિજ નીચે ફૂલ વેચતી મહિલાઓ પર બળ પ્રયોગ
VADODARA : વડોદરામાં પાલિકા (VMC) ની દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા લાલ બાગ ઓવર બ્રિજ (LAL BAG OVER BRIDGE) નીચે ફુલો વેચી ગુજરાન ચલાવતી મહિલાઓ પર બળ પ્રયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાલિકાના કર્મચારીઓ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણુંક કરવામાં આવી હોવાના આરોપો મુકવામાં આવી રહ્યા છે. મહિલાઓ પાલિકામાં પાવતીના પૈસા ભરે છે છતાં કાર્યવાહી કરવામાં આવતા રોષની લાગણી જોવા મળી રહી છે.
કર્મચારીઓએ ગેરવર્તણુંક કરી હોવાનો આરોપ
વડોદરામાં પાલિકા તંત્ર (VMC) દ્વારા કરવામાં આવતી દબાણ હટાવવાની કામગીરી ક્યારેય સહેલી નથી હોતી. આજે સવારે વડોદરાના લાલ બાગ બ્રિજ નીચે ફુલ વેચવાનું કામ કરતી મહિલાઓ પર પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને તેમનો માલ-સામાન જપ્ત કરી લેવામાં આવ્યો છે. તો બીજી તરફ મહિલાઓ દ્વારા પાલિકાના કર્મચારીઓએ ગેરવર્તણુંક કરી હોવાનો આરોપ મુક્યો છે. સાથે જ મહિલાઓ જણાવે છે કે, અમે પાલિકાની પાવતીના રૂપિયા ભરીએ છીએ. છતાં અહિંયા બેસવા દેવામાં આવતા નથી.
તેમને વ્યવસ્થિત યોગ્ય જગ્યા આપવામાં આવે
સ્થાનિક કોર્પોરેટર જ્યોતિબેન પટેલ જણાવે છે કે, વિશ્વામિત્રી મહાકાળી નગર મારો દત્તક વિસ્તાર છે. અહિંયાના ગરીબ લોકો ફુલનો ધંધો કરે છે. તેઓ રૂ. 500 ની પાવતી પણ ફડાવે છે. અને રૂ. 100 ની સફાઇ અંગેની પાવતી પણ ભરે છે. બધાની પાસે પાવતી છે. પાવતી છતા કેમ હેરાન કરવામાં આવે છે, તે અંગે વોર્ડ ઓફિસરને જાણ કરી છે. કમિશનરને જાણ કરી કે, દબાણ હટાવવું તે સારી વાત છે, પરંતુ પાવતી ભરતા હોય ત્યારે તે લોકો હેરાન ન થાય તે માટે તેમને વ્યવસ્થિત યોગ્ય જગ્યા આપવામાં આવે તે અંગે ધ્યાન દોર્યું છે. અગાઉ પાવતીને લઇને વિવાદની વાત મારા ધ્યાને નથી. કોઇ પૈસા ઉઘરાવતા હશે તો તપાસ કરાવવામાં આવશે. કમિશનરને વિડીયો પણ મોકલી આપવામાં આવ્યા છે. તકલીફ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. ફુલ વેચતી મહિલાઓ ભણેલી-ગણેલી નથી.
ખેંચી ખેંચીને માર મારવામાં આવ્યો
શારદાબેન આરોપ મુકતા જણાવે છે કે, બે દિવસથી હેરાન કરે છે. આજે અમને અહિંયા બેસવાની ના પાડે છે. પાલિકામાં રૂ. 500 ભરીએ છીએ. છતાં આજે માર માર્યો. અમને ખેંચી ખેંચીને માર મારવામાં આવ્યો છે.
પાવતીઓ ભર્યા બાદ અહિંયાથી ઉઠાડવામાં આવ્યા
અન્ય મહિલા જણાવે છે કે, લાલબાગ બ્રિજ નીચે ફુલનો ધંધો કરીએ છીએ. તેનાથી અમારૂ ઘર ચાલે છે. બાળકો ભણે તે માટે પૈસા એકઠા કરીએ છીએ. પાલિકા તંત્રવાળા દર મહિને રૂ. 600 લઇ જાય છે. માર-ઝુડ કરવાની વાત કરે છે, ગેરવર્તણુંક કરે છે. પાલિકાના અધિકારીઓ અમને ખાલી કરવા માટે જણાવે છે. અમને પહેલા કહેવામાં આવ્યું હોત તો અમે ન ભરતા. પહેલાથી કહેવું હતું. આટલી પાવતીઓ ભર્યા બાદ અહિંયાથી ઉઠાડવામાં આવી રહ્યા છે. આજે 20 - 25 પાલિકાના કર્મચારીઓએ 5 મહિલા સાથે ગેરવર્તણુંક કરી માર માર્યો છે.
આ પણ વાંચો -- VADODARA : અસંખ્ય ગાયોને ડાઇનિંગ ટેબલ પર કેરીના રસનું જમણ પીરસાયું