VADODARA : ડમ્પર ચાલકના સ્નાન કરવા જવાને તક સમજી બેઠેલો તસ્કર ઝબ્બે
VADODARA : વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથક (VARNAMA POLICE STATION) વિસ્તારમાં ડમ્પર ચાલકના સ્નાન કરવા જવાને તક સમજી બેઠેલો તસ્કર ગણતરીના સમયમાં દબોચી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસની ત્વરીત કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.
દોટ મુકીને નાસી જવામાં સફળ રહ્યો
તાજેતરમાં વરણામા પોલીસ મથકમાં હસમુખભાઇ મથુરભાઇ બારીયાએ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ ડમ્પરને કપુરાઇ ગામના તળાવ પાસે મુકીને પોતાના ઘરે નાહવા ગયા હતા. થોડાક સમય બાદ તેઓ પરત ફર્યા ત્યારે એક અજાણ્યો ઇસમ ડમ્પરની ડ્રાઇવર સીટ પર બેસીને વાયરો તોડીને હાઇવા ચોરી જવાના પ્રયત્નો કરતો હોવાનું નજરે પડ્યું હતું. જો કે, તેઓ સ્થળ પર પહોંચતા જ તે દોટ મુકીને નાસી જવામાં સફળ રહ્યો હતો.
અટકાયત કરી
દરમિયાન હસમુખભાઇ મથુરભાઇ બારીયાએ આ અંગેની જાણ પોતાના શેઠને કરી હતી. આ ઘટનામાં શેઠ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તુરંત પોલીસ એક્શનમાં આવી હતી. અને આ કૃત્ય આચરનારની સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉપરોક્ત આરોપી અસલમખાન ઉર્ફે સદામ અયુબભાઇ રાઠોડ (રહે. કાળી તલાવડી, સંખેડા - છોટાઉદેપુર) ની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તમામ કેસમાં ત્વરીતતાની આશ
અત્રે ઉલ્લેખનીય છે કે, જો ચાલક સમયસર ડમ્પર પાસે પહોંચ્યો ન હોત, તો તેણે મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હોત. પરંતુ તે સમયસર પહોંચી જતા આ ઘટના ટળી હતી. જે બાદ તુરંત જ શેઠને આ મામલે જાણ કરવામાં આવતા વધુ કાર્યવાહી શક્ય બની હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા ત્વરીત કરવામાં આવેલી પરીક્ષામલક્ષી કાર્યવાહીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. અને આ પ્રકારની કામગીરી તમામ કેસમાં થાય તેવી લોકચર્ચા જોવા મળી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું