VADODARA : રખડતા ઢોર પકડતા પશુપાલકનો ડાંગ-પથ્થર વડે હુમલો
VADODARA : વડોદરા (VADODARA) ને રખડતા ઢોર મુક્ત (STRAY CATTLE FREE CITY) બનાવવા માટે કામે લાગેલી પાલિકાની ઢોર પાર્ટીના કર્મચારીઓ પર આજે પશુપાલકે ડાંગ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાલિકાના કામમાં જોતરાયેલા બે કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ હિંસાનો ભોગ બનેલી ટીમના કર્મચારીઓ હરણી પોલીસ મથક પહોંચ્યા હતા. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી હતી.
બે લોકો ઇજાગ્રસ્ત થયા
પાલિકાની રખડતા ઢોર પકડવા માટેની કામગીરી ક્યારે આસાન હોતી નથી. અવાર નવાર આ કામગીરી સમયે ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે શહેરના ગોલ્ડન ચોકડી વિસ્તારમાં રખડતા ઢોર પકડ્યા બાદ પશુપાલકો ઢોર પાર્ટીના કર્મચારીઓ પર ડાંગ અને પથ્થર વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. અને એકનું માથુ ફુટ્યું છે. બંનેને સારવાર અર્થે ખસેડ્યા બાદ કર્મચારીઓ હરણી પોલીસ મથકે પહોંચ્યા હતા. અને હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
ખીસ્સામાંથી ચપ્પુ કાઢ્યું
પાલિકાની ઢોર પાર્ટીના કર્મી ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી જણાવે છે કે, અમે ગાય પકડવા માટે રૂટ ફરી ફરીને ગોલ્ડન ચોકડી આવ્યા. ત્યાં અમારી હદમાં અમને ગાય દેખાઇ હતી. ચાર પૈકી અમે એક વાછરડી અને એક ગાય પકડી હતી. અને ચેકપોસ્ટ પાસે ગાય પકડીને ઉભા રહ્યા હતા. ત્યાર બાદ અમે થોડા આગળ ગયા હતા. તેમાં ચાર-પાંચ ભરવાડ ત્યાં આવ્યા હતા. તૈ પૈકી એક ચોટલીવાળો ભરવાડ હતો. તેણે ડાંગ લઇને આવ્યો હતો. બીજાએ ખીસ્સામાંથી ચપ્પુ કાઢીને બાંધેલી ગાયની રસ્સી કાપવા લાગ્યો હતો. તેમાં અમે તેને અટકાવ્યો હતો. જેથી તેણે પાછળ જઇને ડાંગ મારવાનું શરૂ કરી દીધું હતું. તેણે અમારા સાહેબને ડાંગ મારી હતી. અને બીજા એક શખ્સે મને ડાંગ મારી અને ડ્રાઇવરને છુટ્ટો પથ્થર મારી દીધો હતો. અમે હરણી પોલીસ મથક આવ્યો છે. અમારે ન્યાય જોઇએ છે.
આ પણ વાંચો -- VADODARA : SOG ની રેડમાં શંકાસ્પદ માંસનો મોટો જથ્થો મળી આવ્યો