VADODARA : સમરસ હોસ્ટેલમાં 1 હજાર વિદ્યાર્થીનીઓ અસુવિધાની સજા ભોગવવા મજબૂર
VADODARA : વડોદરા (VADODARA) ની સમરસ હોસ્ટેલ (SAMRAS HOSTEL) માં વિદ્યાર્થીનીઓ અસુવિધાની સજા ભોગવી રહી હોવાની ઘટના સામે આવી છે. આજે વિદ્યાર્થીનીઓએ એકત્ર થઇને આ અંગે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વિદ્યાર્થીનીઓએ મુળ જમવાની ગુણવત્તા અને પાણીને લઇને તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીનીના કહેવા મુજબ આ અંગે રજુઆત કરવા જાય તો તેમને સામે ટોણા મારવામાં આવે છે. અને હાલ એક્ઝામ ચાલતી હોવાથી અનેક વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં જમવાનું ટાળે છે તેવું જાણવા મળી રહ્યું છે.
કાયમી ઉકેલ મેળવવામાં નિષ્ફળતા
સમરસ હોસ્ટેલ અગાઉ પણ જમવાની ગુણવત્તાને લઇને વિવાદોમાં આવી ચુકી છે. પરંતુ હજી સુધી તેનો કાયમી ઉકેલ મેળવવામાં નિષ્ફળતા મળી હોવાનું ધ્યાને આવી રહ્યું છે. વડોદરાની સમરસ હોસ્ટેલમાં એક હજાર જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે. અને રોજબરોજ તેઓ જમવા અને પાણીની અસુવિધાઓનો ભોગ બની રહી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
જમવામાં કલાક નિકળી જાય છે
દિપ્તી સગારખા જણાવે છે કે, ગર્લ્સ સમરસ હોસ્ટેલ આવેલી છે. વોર્ડન બદલાયા ત્યારથી જમવાની સમસ્યા આવી રહી છે. જમવાની ફરિયાદો કરી છે, પણ જવાબમાં કહે છે કે થઇ જશે. સ્ટાફ ઘટે છે, જેને કારણે જમવામાં કલાક નિકળી જાય છે. અને તેઓ પુરૂ નથી કરી શકતા. એક્ઝામ હોવાથી ઘણી છોકરીઓ સમયનો વેડફાટ ન થાય તે માટે જતી રહી છે. હોસ્ટેલમાં એક હજાર જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે. યોગ્ય જમવાનું અને પાણી સમયસર મળે તેવું અમે ઇચ્છીએ છીએ. મેનેજમેન્ટ ખરાબ કે શું ખરાબ છે તે નથી ખબર, જ્યારે કહે છે કે થઇ જશે તો થવું જોઇએને.
અમારે જોવાનું છે. તમારે પંચાયત નહિ કરવાની
અન્ય વિદ્યાર્થીની ભૂમિ લશ્કરે જણાવે છે કે, અહિંયા જમવાની અને પાણીની સમસ્યા છે. ભાત સાફ કરેલા નથી, તેમાં ધનેડા નિકળે છે. શાકમાં પાણી અને તેલ અલગ તરે છે. ફિડબેક લખીએ તો સિક્યોરીટી સવાલ કરે છે કે. તમે ઘરે જમવાનું બનાવો છો. બનાવતા હોય તો જ અમને ખબર પડે છે. ફરિયાદ કરીએ તો કહે છે કે, અમે સંચાલકો છે. અમારે જોવાનું છે. તમારે પંચાયત નહિ કરવાની. બોલવાનો અમારો હક છે. ખાતા હોય ત્યારે જોઇ જોઇને ખાવું પડે છે. શાકમાં ઇયળ પણ નિકળે છે. ખાવામાં ડર લાગે છે. બપોરે ભોજનાલયમાં લાઇટ્સ બંધ રાખવામાં આવે છે. જમવાનો 9 વાગ્યા સુધીનો ટાઇમ હોય તે તુરંત બંધ થઇ જાય. જમવા બેઠા હોય તો પણ ઉતાવળ કરે છે.
રજૂઆત મળી તેવા જ બે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા
ઇન્ચાર્જ ચીફ વોર્ડન હેતલ રાવલ જણાવે છે કે, સ્વાસ્થ્ય સાથે ચેડા નથી થઇ રહ્યા. ફુડ-વોટર રિપોર્ટ સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે. સુધારો કરવા સુચન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની કોઇ પણ રજૂઆત બાબતે તુરંત એક્શન લેવાય છે. તેમના ફિડબેક અંગે રોજેરોજ સહિ લઇને પત્રકો બનાવવામાં આવે છે. હોળીમાં સંખ્યા ઓછી હતી. કેન્ટીન મેઇન્ટેનન્સના કામે શિફ્ટ કરેલું છે. જેવી રજૂઆત મળી તેવા જ બે કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓની રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવે છે. આરઓ, ટીડીએસ ચેક કરવામાં આવે છે. જરૂરી સુચનો આપવામાં આવે છે. ગઇ કાલે રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ હતી, દિકરીઓ જમી રહી હતી. એજન્સીને જાણ કરી છે, તેમને નોટીસ પાઠવવામાં આવશે. અમે વિદ્યાર્થીનીઓને ઉદ્ધત જવાબ આપ્યા નથી.
આ પણ વાંચો --VADODARA : નંદેસરીમાં ટેન્કરમાંથી એસિડ લીક થતા ભય પ્રસર્યો