VADODARA : એક સ્ટેશન-એક પ્રોડક્ટ્સ અંતર્ગત શ્રમ મંદિરને સ્ટોલની ફાળવણી, મહેનતને મળ્યું માધ્યમ
VADODARA : જ્યાં લાગણી છે, સ્નેહ છે અને દરેક પીડિતો માટે પરિવારની હુંફ છે. એક અનોખું નગર જ્યાં રક્તપિત્ત ધરાવતા દર્દીઓ વસવાટ કરે છે. વડોદરા (VADODARA) ને અડીને આવેલા સીંધરોટ ગામમાં આવેલું આ શ્રમ મંદિર (SHRAM MANDIR) એટલે મહીસાગર નદીની કોતરોમાં 150 એકરની જમીનમાં ફેલાયેલું રક્તપિત્તના દર્દીઓનો આશરો- જેને શ્રમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1978 માં નિર્માણ પામેલા આ શ્રમ મંદિરમાં પ્રારંભે તો 50 પથારીની હોસ્પિટલ જ હતી, જ્યાં ધીમે ધીમે જેટલા દર્દીઓનું પુર્નવસન કરવામાં આવ્યું, જેમાંથી મોટા ભાગની દર્દીઓ સારવાર લઇને પગભર બન્યા છે.
સંઘર્ષ વચ્ચે મહેનતનું ફળ મળે તેવું ઘર
હવે તમને એમ થશે કે, આ સ્થળને શ્રમ મંદિર કેમ કહેવામાં આવે છે ?.. તો આ નામકરણ પાછળ પણ એક રસપ્રદ કહાની છે. શ્રમ મંદિરનો અર્થ કરવો હોય તો એવું કહી શકાય કે, જ્યાં સંઘર્ષ વચ્ચે મહેનતનું ફળ મળે તેવું ઘર. અહીં દરેક પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પુનર્વસન થયેલા દર્દીઓ સ્વમાનભેર જીવી શકે તે હેતુથી વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જેમાં કુટિર ઉદ્યોગ અંતર્ગત હેન્ડલૂમ, વણાટકામનો સમાવેશ થાય છે.
દર્દીઓના હાથ કે પગની આંગળીઓ નથી
અહીં વિવિધ ડિઝાઇનની અને રંગબેરંગી બેડશિટ, ટુવાલ, નેપકિન, ડસ્ટર, આસન જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ તાણાવાણાના નામે ચાલતા ઉદ્યોગની તમામ બનાવટોનું દેશ-વિદેશમાં વેચાણ કરવામાં આવે છે. દર્દીઓ જાતે મહેનત કરીને રોજગાર મેળવી સ્વાભિમાનથી પોતાનું જીવન ગુજારે છે. આ દર્દીઓના હાથ કે પગની આંગળીઓ નથી, તેમ છતાં વણાટના કારીગર બનીને ઉત્તમ કામ કરે છે.. ભલે પરિવારે તેમની કદર ના કરી, પરંતુ શ્રમ મંદિરે પેટ ભરવાની સાથે સ્વાભિમાનથી જીવવાની તક આપી તેનો સંતોષ અને રાજીપો તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળે છે.
આજથી સ્ટોલનો શુભારંભ
એક સ્ટેશન, એક પ્રોડક્ટ્સ અંતર્ગત આજથી શ્રમ મંદિરના અંતેવાસી ભાઈઓ દ્વારા હેન્ડલૂમ ઉત્પાદિત વસ્તુઓ જેવી કે બેડસીટ,ટુવાલ અન્ય બનતી પ્રોડક્ટ્સના વેચાણ માટે રેલવે વિભાગ,વડોદરા દ્વારા શ્રમ મંદિરને સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. આજથી સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : રીઢા ચોરને પકડી 15 સાયકલો રિકવર કરતી ક્રાઇમ બ્રાન્ચ