VADODARA : જૂની કલેક્ટર કચેરીનું ધ્યાન રાખવા માટે કોઇ નથી
VADODARA : વડોદરાની રાવપુરા સ્થિત જૂની કલેક્ટર કચેરી (OLD COLLECTOR OFFICE, RAOPURA - VADODARA) નું ધ્યાન રાખવા વાળું કોઇ નથી, આ વાતની સાબિતી આપતી ઘટના આજે સામે આવી છે. કલેક્ટર કચેરીમાં ધુળ અને કચરાના થર જોવા મળી રહ્યા છે. અને એક સમયે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓથી ધમધમતી કચેરી આજે કચરાઘર જેવી ભાસી રહી છે. આ વાત સામે આવ્યા બાદ પણ કેટલા સમયમાં તેની જાળવણીના પ્રયાસો કરવામાં આવે છે તે જોવું રહ્યું.
નવી કચેરીમાં ભારે ધમધમાટ
વડોદરાના રાવપુરા વિસ્તારમાં વર્ષોથી જૂની કલેક્ટર કચેરી ધમધમતી હતી. આ કલેક્ટર કચેરીમાં બેસીને વર્ષો સુધી જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેર-જિલ્લાનું સંચાલન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સુવિધાઓથી ભરપુર નવી કલેક્ટર કચેરી વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડની બાજુમાં ખસેડવામાં આવી છે. ચૂંટણી સમયે નવી કચેરીમાં ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. હવે જુની ગાયકવાડી સ્ટાઇલની કલેક્ટર કચેરી ક્યાંક વિસરાઇ ગઇ હોય તેવું જાણવા મળી રહ્યું છે.
કોઇ પણ તકેદારી રાખવામાં આવી નથી
આજે સવારે જૂની કલેક્ટર કચેરીના વિડીયો સપાટી પર આવતા જાણ્યું કે, અહિંયા તો ધુળા થર જામી ગયા છે. અને જ્યાં જુઓ ત્યાં કચરો જોવા મળી રહ્યો છે. સત્તાધીશો દ્વારા આ અંગે કોઇ પણ તકેદારી રાખવામાં આવી નથી. વડોદરા પાસે અનેક ઐતિહાસિક ઇમારતોનો વારસો આવેલો છે. પરંતુ તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યુ હોય તેવું અવાર-નવાર સામે આવતું રહે છે. આવા જ કિસ્સાનો ભોગ જૂની કલેક્ટર કચેરી બની છે. જૂની કલેક્ટર કચેરી ગાયકવાડી સાશન સમયની ઇમારતો પૈકીની એક છે. જેની છાપ તેના પ્રવેશદ્વારથી લઇને અંદરના માળખા સુધી જોઇ શકાય છે.
વારસો જળવાય તેવી લોકમાંગ
ત્યારે હવે તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં નહિ આવતા કચેરી કચરાઘર બની હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વાત સામે આવતા હવે તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું. શહેરનો ઐતિહાસીક વારસો જળવાય તેવી લોકમાંગ છે.
આ પણ વાંચો --- VADODARA : 15 દિવસથી ખાડા ખોદતા તંત્રને લીકેજ મળતું નથી