VADODARA : શહેર નજીક જંગલમાં આગને પગલે લાશ્કરો દોડ્યા
VADODARA : વડોદરા નજીકના જરોદ પાસે NDRF (National Disaster Response Force - VADODARA) કેમ્પની પાછળ આવેલા આંદાજીત 50 એકરમાં પથરાયેલા જંગલમાં ગતસાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા જ વડોદરા, હાલોલ તથા NDRFના ફાયર લાશ્કરો દ્વારા આગને બુઝાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે પવનના કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી સર્જાતી હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.
જોતજોતામાં જંગલમાં આગ પ્રસરી
વડોદરા પાસે NDRF કેમ્પ અને હોમગાર્ડનું ટ્રેનિંગ સેન્ટર પર આવેલું છે. એનડીઆરએફ અને હોમગાર્ડના ટ્રેનિંગ સેન્ટર પાછળ આશરે 50 એકર જમીનમાં પથરાયેલા સુકા-લીલા જંગલમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જંગલમાં આગ પ્રસરી હતી. અને ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં ઉંચે સુધી પહોંચતી અગન જ્વાળાઓ આસપાસના 5 કિલોમીટર સુધી દેખાઈ હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. જેના પગલે આસપાસના ગામોના લોકોમાં ભય પ્રસર્યો હતો. અનેક ગામ લોકો કૂતુહલવશ સ્થળ ઉપર ઉમટી પડ્યા હતાં.
ચારે તરફથી પાણીનો મારો શરૂ
ગત સાંજે લગભગ સાત વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગતાની સાથે જ વડોદરા ફાયર બ્રિગેડ, હાલોલ ફાયર બિગેડ ને જાણ કરવામાં આવતા એક પછી એક ફાયર ટેન્ડર સાથે લાશ્કરો પહોંચી ગયા હતા અને આગને વધુ પ્રસરતા અટકાવવા માટે ચારે તરફથી પાણીનો મારો શરૂ કર્યો હતો. પરંતુ પવનના કારણે આગ સતત પ્રસરી રહી હતી. જેને લઇને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી સર્જાઇ રહી હતી.
કોઈ જાનહાનિના અહેવાલ નથી
NDRF ના ડેપ્યુટી કમાન્ડરે મીડિયાને જણાવ્યું કે. એનડીઆરએફના કમ્પાઉન્ડ પાસે હોમગાર્ડનું ટ્રેનિંગ સેન્ટર આવેલું છે અને તેની પાછળ વિશાળ જમીનમાં જંગલ આવેલું છે. જંગલ સૂકું હોવાના કારણે અને પવન હોવાના કારણે આગ પ્રસરી રહી છે. વડોદરા, હાલોલ અને એનડીઆરએફ ના ફાયર લાશ્કરો દ્વારા આગને બુજાવવા માટેના સતત પ્રયાસો ચાલી રહ્યા છે.આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ પણ વાંચો -- Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન