VADODARA : મરી માતાના ખાંચામાંથી ટ્રાફિકને નડતર રૂપ દબાણો પર કાર્યવાહી
VADODARA : વડોદરા (Vadodara) ના સૌથી જૂના અને જાણીતા મોબાઇલ બજાર મરી માતાના ખાચા (Mari Mata No Khacho) માં આજે ટ્રાફિક (Traffic) ને નડતરરૂપ દબાણો પર પાલિકા અને પોલીસની ટીમ ત્રાટકી છે. દબાણો દુર કરવા આવેલી ટીમને જોતા જ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અગાઉ સ્થાનિકો દ્વારા મરી માતાના ખાંચા તથા બહારના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઇને રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિકોએ બહાર નિકળી દુકાનો બંધ કરાવી
વડોદરાનું સૌથી જૂનું અને જાણીતું મોબાઇલ માર્કેટ મરી માતાના ખાંચામાં ધમધમે છે. અહિંયા મોબાઇલ ખરીદવા-વેચવા અને રીપેરીંગ માટેની દુકાનો મોટી સંખ્યામાં આવેલી છે. આ માર્કેટમાં સામાન્ય દિવસોમાં પણ ભારે ભીડ રહેતી હોય છે. જેને લઇને અહિંયાથી અવર-જવર કરવામાં સ્થાનિકોને મુશ્કેલી પણ પડતી હોય છે. જો કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો ઇમર્જન્સી વાહનોનું મરી માતાના ખાંચામાંથી નિકળવું મુશ્કેલ સાબિત થઇ શકે. તાજેતરમાં રવિવારે રજાના દિવસે પણ દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકોએ બહાર નિકળી દુકાનો બંધ કરાવી હતી.
પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા કાર્યવાહી
જે બાદ ટ્રાફિકની સમસ્યાને લઇને પોલીસ વિભાગમાં અરજી કરવામાં આવી હતી. અરજી બાદ ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ કરનારા લારી ધારકોને મેમો ફટકારવામાં આવ્યો હતો. સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, આટઆટલા વિરોધ બાદ પણ ટ્રાફિકને નડતરરૂપ દબાણોનો કોઇ ઉકેલ આવી રહ્યો ન્હતો. જેથી આજે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા દબાણ પર કાર્યવાહી કરવામાં આવી છે.
હંગામી દબાણો દુર કરવામાં આવ્યા
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે મોબાઇલ માર્કેટ ખુલી ગયા બાદ પાલિકા અને પોલીસની ટીમ દબાણ હટાવવા માટે મરી માતાના ખાંચામાં જઇ પહોંચી હતી. ટીમને જોતા જ વાહન પાર્ક કરનારાઓમાં રીતસરની દોડધામ મચી હતી. ટ્રાફિક પોલીસના જવાનોએ કામગીરી દરમિયાન બોડી વોર્ન કેમેરા પણ પહેરી રાખ્યા હતા. અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, સ્કુલના બાળકો, ફાયર ટેન્કરો અને ઇમર્જન્સી વાહનોને જવામાં તકલીફ પડે છે. તેના અનુસંધાને અરજી કરવામાં આવી છે. અને જેથી ટીમ દ્વારા હંગામી દબાણો દુર કરવામાં આવ્યા છે. બે ટ્રક ભરીને લાગી ગલ્લાના દબાણો દુર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો --VADODARA : અકોટા વિસ્તારની હકીકત, નલ સે દુષિત જલ