VADODARA : ઓવરલોડ કામગીરીની અસર સ્મશાનની ચિતા પર વર્તાઇ
VADODARA : શહેરના સૌથી મોટી અને જુના ગણાતા ખાસવાડી સ્મશાનના (Khaswadi Smashan - VADODARA) નવીનીકરણનું કાર્ય હાલ હાથ ધરાઇ રહ્યું છે. ત્યારે અન્ય સ્મશાનોમાં આવેલી ચિતા પર અંતિમ વિધિને લઇ ઓવરલોડ સર્જાયો હોય તેવી સ્થિતીનું સર્જન થયું છે. જેમાં શહેરના માંજલપુર ગામ પાસે આવેલા સ્મશાનમાં ચિતાઓનું માળખુ ગરમીના કારણે ધીરે ધીરે પોતાનો આકાર ગુમાવી રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. જેને લઇને અંતિમવિધીમાં લોકોને મુશ્કેલી પડી રહી છે. આ વાતને લઇને સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ આ અંગે કોઇ નક્કર ઉકેલ હજીસુધી લાવી શકાયો નથી.
સ્મશાનમાં 8 ચિતાઓ છે
શહેરના ખાસવાડી સ્મશાનમાં નવીનીકરણ સાથે અનેક સુવિધાઓનો ઉમેરો કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઇને અહિંયા માત્ર જુજ મૃતદેહોની જ અંતિમવિધિ હાલ શક્ય છે. ત્યારે શહેરના અન્ય સ્મશાનોમાં મૃતદેહોની અંતિમક્રિયાની સંખ્યા વધી ગઇ છે. જેની અસર હવે વર્તાવવાનું શરૂ થયું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના માંજલપુર ગામ પાસે આવેલા સ્મશાનમાં 8 ચિતાઓ આવેલી છે. જે પૈકીની કેટલીક ચિતાઓ પર ઓવરલોડ કામગીરીની અસર વર્તાઇ રહી હોવાનું ધ્યાને આવ્યું છે. બે જેટલી ચિતા પોતાનો આકાર ગુમાવી રહી છે. જેને લઇને અંતિમ વિધીમાં મુશ્કેલી સર્જાઇ રહી છે.
સંતોષજનક જવાબ મળી શક્યો નથી
સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, માંજલપુર ગામ પાસે આવેલા સ્મશાનમાં 8 જેટલી ચિતાઓ આવેલી છે. હાલ અહિંયા 15 થી વધુ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી રહી છે. જેને લઇને 2 ચિતાઓનું મુળ માળખું ધીરે ધીરે પોતાનો આકાર ગુમાવી રહ્યું છે. જેથી લોકોને મૃતદેહોની અંતિમક્રિયામાં મુશ્કેલી પડી રહી છે. કેટલીક વખત મૃતદેહોને બહારથી અલગથી ટેકો આપવો પડે તેવા દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાથે જ બાળકોના દફનવિધિ સ્થળ પાસે પણ સ્વચ્છતાના અભાવની બુમો ઉઠવા પામી છે. આ મુશ્કેલીનો અંત લાવવા માટે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવી છે. પરંતુ તેમના દ્વારા કોઇ સંતોષજનક જવાબ મળી શક્યો નથી.
આ પણ વાંચો -- VADODARA : સ્ટેશનની ઘટના બાદ પોલીસ અને લારી-ગલ્લા ધારકો વચ્ચે મીટીંગોનો દોર