VADODARA : "લાઇટ, ડ્રેનેજ, રોડ નહીં, તો વોટ નહીં", આક્રોશિત લોકોનું એલાન
VADODARA : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચૂંટણી બહિષ્કાર (BOYCOTT ELECTION) ના બેનર લાગ્યા છે. અમિત નગર પાસે આવેલી રણછોડા પાર્ક સોસાયટી તથા આસપાસની અનેક સોસાયટી-કોમ્પલેક્ષમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઇને સ્થાનિકોએ આજે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. સોસયટીઓમાં વિજળી, પાણી અને ડ્રેનેજની સમસ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
લોકોનો રોષ ફાટી નિકળ્યો
વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકો ચૂંટણી બહિષ્કારના બેનરો-નારા લગાવી રહ્યા છે. આમ, ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધાઓના અભાવ વચ્ચે જીવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો છે. હવે આ મામલે તંત્ર કેટલા તાત્કાલિક પગલાં લે છે તે જોવું રહ્યું.
મોબાઇલની લાઇટથી સવાર સુધી વાંચ્યું
સ્થાનિક મહિલા મનીષાબેન સુથાર જણાવે છે કે, અમે અહિંયા રણછોડ પાર્ક, અરવિંદ પાર્ક, ક્રિષ્ણા કોમ્પલેક્ષમાં રહેતા રહીશો છીએ. વર્ષેથી પાણીની સમસ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી લાઇટો જાય છે. હાલ બાળકોની પરીક્ષા ચાલી રહી છે. રાત્રે વાંચવામાં મુશ્કેલી પડી રહી છે. મારી દિકરી મોબાઇલની લાઇટથી સવાર સુધી વાંચ્યું છે. બપોરે પણ લાઇટ નથી મળી રહી. અમારી માંગ પૂરી નહિ થાય તો વોટ નહિ.
પાલિકાની સર્વિસ અને સિસ્ટમથી નારાજ
સ્થાનિક અગ્રણી જે. પી. ચાંપાનેરી જણાવે છે કે, હુ અહિંયા 35 વર્ષથી રહું છું. અમારે ત્યાં રોડ, ડ્રેનેજ સહિતની માંગ પુરી નથી થઇ રહી. ડ્રેનેજ અને લાઇટની સમસ્યા ચાલી રહી છે. તાજેતરમાં 48 કલાક સુધી અમે લાઇટ વગર ટળવળ્યા હતા. પાલિકાએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઇએ. અને પાલિકાની સર્વિસ અને સિસ્ટમથી નારાજ છીએ.
કોઇને કહી નથી શકતા
સ્થાનિક કરણદિપસિંગ જણાવે છે કે, હું અહિંયા 40 વર્ષથી રહું છું. અહિંયા ડ્રેનેજનું કોઇ કામ નથી થયું. ડ઼્રેનેજમાં 12 માસ તકલીફ રહે છે. ઉનાળામાં પણ ગટર ઉભરાય છે. રાણા સાહેબને ફોન કરીએ તો તેઓ કહે છે મારી ગાડી ત્યાં છે. આટલું જ જણાવે છે. પાણીનો ત્રાસ છે, અમે કોઇને કહી નથી શકતા. હવે લાઇટની મુશ્કેલી નડી રહી છે. રણછોડ પાર્કમાં 60 મકાનો છે.
ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવવું નહીં
સોસાયટી બહાર મારવામાં આવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે, લાઇટ, ડ્રેનેજ, રોડ નહી તો વોટ નહીં. ચૂંટણી બહિષ્કાર, રણછોડ પાર્ક સોસાયટી, જુલી પાર્ક, ક્રિષ્ણા કોમ્પલેક્ષ, અને આજુબાજુની 6 - 7 સોસયટીઓ. અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. કોઇ પણ રાજકીય પક્ષના કર્તાએ ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવવું નહીં.
આ પણ વાંચો -- VADODARA : પંચર થયેલું ટાયર બદલવા જતા વેપારીને આર્થિક ફટકો